આજથી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસની શરુઆત, આ રુટના અનેક મુસાફરોને થશે ફાયદો
આ ટ્રેનની (Train) નિયમિત સેવા 4 નવેમ્બર થી શરૂ કરવામાં આવશે. આ રુટ શરુ થતા નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણાના મુસાફરોને ઘણી રાહત રહેશે.
પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ -વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની સેવા 3 નવેમ્બર એટલે કે આજથી શરુ થશે. આ ટ્રેનની નિયમિત સેવા 4 નવેમ્બર થી શરૂ કરવામાં આવશે. આ રુટ શરુ થતા નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણાના મુસાફરોને ઘણી રાહત રહેશે. તેમને મુસાફરી માટે વધુ એક વિકલ્પ મળી રહેશે. આ સેવા શરુ થતા મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જણાવ્યા મુજબ ટ્રેન સેવાઓની સુધારેલી તારીખો સાથેની વિગતો નીચે મુજબ છે
- ટ્રેન નંબર 09015/09016 વલસાડ-વડનગર-વલસાડ સુપરફાસ્ટ સ્પેશિયલ (ઉદ્ઘાટન સેવા)
- ટ્રેન નંબર 09015 વલસાડ – વડનગર સુપરફાસ્ટ સ્પેશિયલ વલસાડથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 16:45 કલાકે વડનગર પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, ટ્રેન નંબર 09016 વડનગર-વલસાડ સુપરફાસ્ટ સ્પેશિયલ વડનગરથી 17.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00.55 કલાકે વલસાડ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો 3 નવેમ્બર, 2022ના રોજ ઉદ્ઘાટન સેવા તરીકે દોડશે.
- ટ્રેન નંબર 19009/19010 વલસાડ-વડનગર-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ (નિયમિત સેવા)
- ટ્રેન નંબર 19009 વલસાડ – વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વલસાડથી દરરોજ 05.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.45 કલાકે વડનગર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19010 વડનગર – વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ વડનગરથી દરરોજ 16.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00.35 કલાકે વલસાડ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો 4 નવેમ્બર, 2022 થી નિયમિત સેવા તરીકે ચાલશે.
- આ ટ્રેન બંને દિશામાં નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, ચેર કાર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ઉદ્ઘાટન ટ્રેન નંબર 09015/09016 માટે બુકિંગ 2 નવેમ્બર, 2022થી અને નિયમિત ટ્રેન નંબર 19009/19010 3 નવેમ્બર, 2022થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. હોલ્ટ્સ અને કમ્પોઝિશનના સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સૂચના આપવામાં આવી હતી કે આ ટ્રેનની ઉદ્ઘાટન સેવા 2 નવેમ્બર થી શરૂ થશે અને નિયમિત સેવા 3 નવેમ્બર થી શરૂ થશે. આ ટ્રેનની બાકીની વિગતો યથાવત રહેશે.
મહત્વનું છે કે બે દિવસ પહેલા જ વડાપ્રધાન મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ નવા રુટની વાત કરીએ તો અમદાવાદ (અસારવા)- હિંમતનગર -ઉદેપુર વિભાગનો પ્રારંભ વિસ્તારના લોકો માટે વરદાન સાબિત થશે. 299 કિમીનો આ વિભાગ રૂ. 2482.38 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. આ વિભાગ ના મુખ્ય સ્ટેશનો અમદાવાદ, શામળાજી રોડ, હિંમતનગર, નાંદોલ દહેગામ, ડુંગરપુર, પ્રાંતિજ અને ઉદયપુર છે. આ વિભાગ દેશના બાકીના ભાગો સાથે કનેક્ટિવિટીના સંદર્ભમાં આ વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકો માટે મોટી રાહત હશે. આ પ્રવાસીઓ, વેપારીઓ તેમજ આ વિસ્તારની આસપાસના ઉત્પાદન એકમો અને ઉદ્યોગો માટે ફાયદાકારક રહેશે.હિમતનગરમાં ટાઇલ અને સિરામિક ઉદ્યોગો આ રેલ પ્રોજેક્ટનો લાભ લઈ શકે છે.