રાત દિવસ એક કરી દીધા.. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કોઈની નજરે ન પડતા આ હીરો વિશે જાણો, જુઓ Video
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના 36 નિષ્ણાતો, પોતાની વ્યક્તિગત મુશ્કેલીઓ છતાં, 24x7 ફરજ બજાવી રહ્યા છે. એક નિષ્ણાતની માતા ગંભીર બીમાર છે છતાં તેઓ કામ પર છે. આ ટીમમાં 8 મહિલાઓ છે જેમના નાના બાળકો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના દુઃખદ પ્રસંગે, જ્યારે સમગ્ર શહેર શોકમગ્ન છે, ત્યારે કોઈ નજરે ન પડતા હીરો – ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના નિષ્ણાતો, નખશિખથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
36 જેટલા સમર્પિત ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પોતાની વ્યકિતગત પીડા અને મુશ્કેલીઓના છતાં પણ 24×7 ફરજ પર છે. આ ટીમના એક નિષ્ણાતનું ઉદાહરણ હૃદયસ્પર્શી છે – જેમની માતાનું ફક્ત 20% હ્રદય ચાલી રહ્યું છે અને જીવ માટે ઝઝૂમી રહી છે અને તેમને તાત્કાલિક સર્જરી જરૂરી છે. છતાં પણ આ નિષ્ણાત વ્યક્તિગત સંજોગો છોડીને ડીએનએ ટેસ્ટિંગના દાયિત્વમાં સતત લાગેલા છે.
આ સિવાય, આ ટીમમાંની 8 મહિલા નિષ્ણાતો એવી છે જેમના બાળકો 3 વર્ષની ઉમરથી નાના છે. આ મહિલા નિષ્ણાતોએ પોતાના નાનકડા બાળકોની કાળજીને પછાડી મૂકી, પોતાની કુટુંબજિંદગીને સ્થગિત રાખીને, ફોરેન્સિક તપાસને અગ્રતા આપી છે. તેમની નિષ્ઠા અને માનવતાપૂર્ણ સેવાભાવ વ્યાવસાયિકતા માટે એક જીવંત ઉદાહરણ છે.
હર્ષ સંઘવીએ પણ આ સમગ્ર બાબતે તેમનો જુસ્સો વધારવા ટીમને દુનિયા સમક્ષ લાવી તેમના કાર્યને બિરદાવ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમણે લખ્યું.. અમે આ નાયકોને સલામ કરીએ છીએ. જેમણે પોતાના પારિવારિક કે પર્સનલ અનેક સંઘર્ષો હોવા છતાં પણ દુર્ઘટનાથી પીડિત પરિવારોને ન્યાય અને સુવિધા મળે તે માટે રાતદિવસ યથાશક્તિ પ્રયાસ કર્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને ચાર દિવસ પસાર થઈ ચૂક્યા છે. આ દુર્ઘટનામાં વિસ્ફોટ બાદ મૃતદેહોની હાલત એટલી ભયાનક હતી કે તેમની ઓળખ કરવી અતિ મુશ્કેલ બની ગઈ હતી. અનેક મૃતદેહો અશક્ય રીતે બળી જતા કોલસાની જેમ બની ગયા હતા. તેથી મૃતકોની ઓળખ માટે તેમના પરિવારજનોના DNA નમૂનાઓ લેવામાં આવ્યા છે. DNA નમૂનાઓ મેચ થયા બાદ હવે મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પ્લેન ક્રેશ પછી અત્યાર સુધીમાં 87 મૃતદેહોના DNA નમૂનાઓ મેચ થયા છે. અત્યાર સુધીમાં 47 પરિવારજનોને તેમના સગાંના મૃતદેહ સોંપી દેવાયા છે. હજુ પણ 13 મૃતદેહો સોંપવાની પ્રક્રિયા ચાલુ છે. સિવિલ હોસ્પિટલમાં હજુ પણ 8 પરિવારો તેમના સગાંના મૃતદેહ મેળવવા માટે આવી રહ્યા છે. એકથી વધુ મૃતદેહ માટે રાહ જોતા 12 પરિવારજનો છે. જ્યારે કુટુંબીઓ સાથે ચર્ચા બાદ હજુ પણ 11 પરિવારો તરફથી પુષ્ટિ મળવાની રાહ જોવામાં આવી રહી છે.
જે મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, તેઓને એમ્બ્યુલન્સ સાથે પોલીસ એસ્કોર્ટ વાહનોની વ્યવસ્થા કરીને મોકલવામાં આવ્યા છે.