Breaking News : અમદાવાદ ફાયર વિભાગમાં ‘ગરુડ’ની એન્ટ્રી, હવે આકાશમાંથી પણ આગ પર થશે પ્રહાર
અમદાવાદ ફાયર વિભાગે અત્યાધુનિક રોબોટિક ડ્રોન 'ગરુડ' સામેલ કર્યું છે, જે દેશનું પ્રથમ એરિયલ ફાયરફાઇટર છે. આ ડ્રોન 75 મીટર ઊંચાઈએથી આગ બુઝાવવામાં સક્ષમ છે, ખાસ કરીને ગગનચુંબી ઇમારતો અને જોખમી સ્થળોએ. 'ગરુડ' દ્વારા ફાયરફાઇટર્સની સુરક્ષા વધશે અને આગ પર ઝડપથી કાબૂ મેળવી શકાશે, જે અમદાવાદની અગ્નિશમન ક્ષમતામાં ક્રાંતિ લાવશે.

અમદાવાદ શહેરમાં આગની ગંભીર ઘટનાઓ સામે લડવા માટે ફાયર વિભાગને વધુ આધુનિક અને સક્ષમ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદ ફાયર વિભાગમાં હવે અત્યાધુનિક રોબોટિક ડ્રોન ‘ગરુડ’ સામેલ થવા જઈ રહ્યું છે. આ સાથે અમદાવાદ ફાયર વિભાગ દેશનું પ્રથમ એવું ફાયર વિભાગ બન્યું છે, જ્યાં એરિયલ ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે. ‘ગરુડ’ની મદદથી હવે ફાયર વિભાગ માત્ર જમીન પરથી જ નહીં, પરંતુ આકાશમાંથી પણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી શકશે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગગનચુંબી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ઔદ્યોગિક એકમોની સંખ્યામાં વધારો થયો છે. આવી ઊંચી ઇમારતોમાં આગ લાગે ત્યારે ફાયર ફાઈટર્સ માટે ઘટનાસ્થળ સુધી પહોંચવું અને આગ પર કાબૂ મેળવવો ઘણીવાર પડકારજનક બની જાય છે. ખાસ કરીને એવી જગ્યાઓ પર જ્યાં સીધા પહોંચવું જોખમી હોય, ત્યાં ‘ગરુડ’ ફાયર વિભાગ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
75 મીટરની ઊંચાઈએ પહોંચવાની ક્ષમતા
રોબોટિક ડ્રોન ‘ગરુડ’ની સૌથી મોટી વિશેષતા તેની ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા છે. આ ડ્રોન 75 મીટર એટલે કે અંદાજે 246 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. ખાસ વાત એ છે કે તે માત્ર 8 સેકન્ડમાં આ ઊંચાઈ સર કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, તે એક મિનિટમાં 400 લીટર પાણીનો મારો ચલાવી શકે છે. જેના કારણે ઊંચી ઇમારતોમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં ફાયર વિભાગને મદદ મળી શકે છે.
ઊંચી ઇમારતોમાં આગ સામે લડવામાં મળશે મદદ
ઊંચી ઇમારતો, ઔદ્યોગિક એકમો અને જોખમી સ્થળોએ આગ લાગે ત્યારે પરંપરાગત ફાયર ફાઈટિંગ સાધનોની મદદથી કામગીરી કરવી મુશ્કેલ બની શકે છે. આવી પરિસ્થિતિમાં ‘ગરુડ’ ડ્રોનને હવામાંથી આગ બુઝાવવાની કામગીરીમાં ઉપયોગમાં લઈ શકાશે. તેનાથી ફાયર વિભાગના કર્મચારીઓનું જોખમ ઘટાડવાની સાથે આગ પર ઝડપથી કાબૂ મેળવવામાં પણ મદદ મળી શકે છે.
આધુનિક ટેક્નોલોજી અને રોબોટિક સિસ્ટમથી સજ્જ ‘ગરુડ’ની એન્ટ્રી અમદાવાદના ફાયર વિભાગ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. હવે આગ સામેની લડાઈમાં ફાયર ફાઈટર્સને જમીન પરની સાથે આકાશી મદદ પણ મળશે. ખાસ કરીને શહેરમાં વધતી જતી ગગનચુંબી ઇમારતોને ધ્યાનમાં રાખતાં આ નવી ટેક્નોલોજી ભવિષ્યમાં અગ્નિશમન કામગીરી માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
ઠંડી આવી રહી છે… ગુજરાતમાં આગામી બે દિવસમાં તાપમાન ઘટશે, લઘુત્તમ તાપમાનમાં 2-3°C નો ઘટાડો