ગુજરાત કેડરના નિવૃત્ત IPS અધિકારી હરિકૃષ્ણ પટેલ BJPમાં જોડાશે
Harikrishna Patel will join BJP : હરિકૃષ્ણ પટેલ 1999 બેચના IPS અધિકારી હતા, જેઓ આ વર્ષે જૂનમાં પોલીસ દળમાંથી વડોદરા રેન્જના IG તરીકે નિવૃત્ત થયા હતા.
GUJARAT : ગુજરાત કેડરના નિવૃત્ત IPS અધિકારી હરિકૃષ્ણ પટેલ (Harikrishna Patel) ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા માટે તૈયાર છે. અમરેલી જિલ્લાના વતની હરિકૃષ્ણ પટેલનું રવિવારે અમરેલીમાં BJPના એક કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને હરિકૃષ્ણ પટેલ ટૂંક સમયમાં ઔપચારિક રીતે પાર્ટીમાં સામેલ થશે તેવા સંકેત પણ આપ્યા હતા.
હરિકૃષ્ણ પટેલ 1999 બેચના IPS અધિકારી હતા, જેઓ આ વર્ષે જૂનમાં પોલીસ દળમાંથી વડોદરા રેન્જના IG તરીકે નિવૃત્ત થયા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારી તરીકે તેમણે પટેલે વિવિધ જિલ્લાના વડા અને કમિશનર તેમજ ઇન્ટેલિજન્સ બ્યુરો અને પોલીસ વહીવટમાં સેવા આપી છે.
એક મીડિયા હાઉસ સાથે વાત કરતા હરિકૃષ્ણ પટેલે કહ્યું કે, “એ નક્કી છે કે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. સભ્યપદની પ્રક્રિયાની ઔપચારિકતા હજી પૂરી થવાની બાકી છે. સૈદ્ધાંતિક રીતે, મારે પાર્ટીમાં જોડાવું છે અને પાર્ટીએ મને સામેલ કરવાની છે.” ભાજપમાં જોડાવાના કારણો અંગે હરિકૃષ્ણ પટેલે કહ્યું કે તેમના પૂર્વજો જાહેર જીવનમાં હતા અને તેમના પિતા પણ ભાજપમાં હતા. તેમણે એમ પણ કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.”
2012માં, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં પોલીસ ગોળીબારમાં બે દલિતોની હત્યામાં પટેલનું નામ સામે આવ્યું હતું. જામનગરના પોલીસ અધિક્ષક તરીકે તેમને થાનગઢ ખાતે ભીડને નિયંત્રિત કરવા માટે મોકલવામાં આવ્યા હતા કારણ કે સુરેન્દ્રનગરના તત્કાલીન એસપી ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર કાર્યક્રમ માટે ચોટીલા ખાતે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હતા. એવો આરોપ છે કે હરિકૃષ્ણ પટેલના કમાન્ડોએ તેમની એકે-47 રાઈફલથી દલિતોના ટોળા પર ગોળીબાર કર્યો હતો.
આ મહિનાના અંત સુધીમાં હરિકૃષ્ણ પટેલ ઔપચારિક રીતે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. આ સાથે તેઓ પટેલ ભાજપ, કોંગ્રેસ અથવા અન્ય સાથે જોડાઈને જાહેર જીવનમાં પ્રવેશતા IPS અધિકારીઓના જૂથમાં જોડાશે જેમાં જસપાલ સિંહ, કુલદીપ શર્મા, કે.ડી. પાટડિયા, એ.આઈ. સૈયદ, વી.વી.રબારી, બી.જે.ગઢવી અને પી.સી.બરંડા જેવા અધિકારીઓ સામેલ છે. આમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પી.સી.બરંડાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને સાબરકાંઠા જિલ્લામાં ભિલોડા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
આ પણ વાંચો : KHEDA : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લાના મહેમદાવાદથી આત્મનિર્ભર ગ્રામયાત્રાનો શુભારંભ થશે