રાજસ્થાનનો ચોર જેલમાંથી છૂટી અમદાવાદ મજૂરી કામ કરવા આવ્યો, અઠવાડિયા સુધી કામ ન મળતા નિરાશ થઈને ફરી ચોરીને આપ્યો અંજામ
અમદાવાદના નરોડા વિસ્તારમાં એક રાજસ્થાની શખ્સે ચોરીને અંજામ આપ્યો. આ શખ્સ રાજસ્થાનથી અમદાવાદ મજુરી કામ માટે આવ્યો હતો પરંતુ કોઈ કામ ન મળતા તે નાસીપાસ થઈ ગયો અને ચોરી કરવાનું મન બનાવી તે જે કોમ્પલેક્સ નજીક બેઠો હતો તેજ કોમ્પલેક્સમાં આવેલી મોબાઈલની શોપમાં ચોરી કરી.
અમદાવાદના નરોડા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા એક મોબાઈલ શોપમાં ચોરીની ઘટના બની હતી. મોબાઈલ શોપમાં રહેલા નવા અને જૂના મોબાઈલ તેમજ રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોબાઈલ શોપમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર રાજસ્થાન ડુંગરપુરના વિમલ હડાત નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસને આરોપી વિમલ પાસેથી અલગ અલગ કંપનીના 17 જેટલા મોબાઈલ પણ મળી આવ્યા છે.
જેલમાંથી છૂટ્યા બાદ મજુરી કામ માટે આવ્યો, કામ ન મળ્યુ તો ફરી ચોરી કરી
આમ તો પકડાયેલો આરોપી વિમલ હડાત અગાઉ રાજસ્થાનમાં ત્રણ જેટલી ચોરીઓને અંજામ આપી ચૂક્યો છે. ચોરીના કેસમાં આરોપી જેલમાં પણ જઈ ચુક્યો છે. જોકે હમણાં જ આરોપી જેલમાંથી છૂટતા તે મજૂરી કામ કરવા માટે રાજસ્થાનથી અમદાવાદ આવ્યો હતો.
એક સપ્તાહ સુધી રખડ્યા બાદ પણ કામ ન મળ્યુ
એક અઠવાડિયાથી તેને કોઈ પણ કામ નહીં મળતા તે નિરાશ થઈને રાત્રિના સમયે એક કોમ્પ્લેક્સના પગથિયા પર બેઠો હતો. આરોપી જે કોમ્પ્લેક્સ પાસે બેઠો હતો ત્યાં મોબાઈલનો શોરૂમ હતો. જેથી તેને ફરીથી ચોરી કરવાનો વિચાર આવ્યો અને કોમ્પલેક્ષની આસપાસથી લોખંડનો સળીયો શોધીને તેણે મોબાઈલ શોપનું શટર ઊંચક્યું હતું અને શોરૂમમાં પ્રવેશ કરી તેણે નવા-જૂના મોબાઈલ ફોન તેમજ રોકડ રૂપિયા ચોરી કરી તુરંત જ શટલ રિક્ષામાં બેસીને ચિલોડા પહોંચ્યો અને ત્યાંથી ખાનગી બસમાં બેસી તે ફરીથી રાજસ્થાન પોતાના ઘરે નાસી ગયો હતો.
આરોપી વિમલે ચોરી કરેલા મોબાઈલ ફોન એક અઠવાડિયા સુધી પોતાના ઘરે સંતાડ્યા હતા. જે બાદ તે મોબાઈલ ફોન અમદાવાદ વેચવા માટે આવી રહ્યો હતો. જોકે આરોપી વિમલને એવી જાણકારી મળી હતી કે અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલા જનપથ કોમ્પ્લેક્સમાં જુના મોબાઇલ ખરીદી કરે છે તેથી તે જૂના મોબાઇલ સાથે અમદાવાદ પહોંચ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ, રાજસ્થાનમાં ત્રણ ચોરીને આપ્યો હતો અંજામ
હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ચોર વિમલ હડાતની ધરપકડ કરી છે. આરોપીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અગાઉ વિમલ હડાતે રાજસ્થાનમાં ત્રણ જેટલી ચોરીને અંજામ આપી ચૂક્યો છે, હવે ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ તેમજ આરોપીને નરોડા પોલીસને સોંપ્યો છે. જોકે પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી વિમલે અમદાવાદમાં અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ.