અમદાવાદઃ ફાર્મા કંપનીના માલિકે નોકરી છોડી ગયેલા કર્મચારીનુ કર્યુ અપહરણ, 6 લોકોની કરી ધરપકડ
અમદાવાદના રામોલમાં થયેલા અપહરણનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. મુંબઈથી અપહરણ કરવા આવેલા પતિ, પત્ની અને માતા તેમજ અન્ય ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોતાની જ કંપનીના કર્મચારીનું અપહરણ કરી તેને સુરેન્દ્રનગર લઈ જવાયો હતો. જોકે પોલીસને જાણ થતા સુરેન્દ્રનગર થી ભોગ બનનાર વ્યક્તિને છોડાવી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદના રામોલ વિસ્તારમાં 4 ડિસેમ્બરના ભાવેશ મિસ્ત્રી નામના યુવકનું અપહરણ થયું હોવાની ફરિયાદ મળી હતી જેને લઇને પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભાવેશ મિસ્ત્રીની શોધખોળ હાથ ધરી હતી. જોકે ભાવેશ મિસ્ત્રીના એપાર્ટમેન્ટ તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય લોકોની પૂછપરછના આધારે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, તેનુ અપહરણ થયુ છે.
ભાવેશને એક કારમાં મહિલા સહિત અજાણ્યા લોકો ભાવેશના ઘરે આવ્યા હતા અને તેને ફ્લેટની બહાર લઈ જઈ જબરજસ્તીથી કારમાં બેસાડી લઈ ગયા હતા. જેના આધારે પોલીસે શોધખોળ કરતા તમામ લોકો સુરેન્દ્રનગર હોવાનું સામે આવતા પોલીસે સુરેન્દ્રનગર પહોંચી ભાવેશ મિસ્ત્રીનો છુટકારો કરાવ્યો હતો. તેમજ છ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.
ભાવેશ પર શંકા રાખી કર્યુ અપહરણ
રામોલ પોલીસે ભોગ બનનાર ભાવેશ મિસ્ત્રી તેમજ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ભાવેશ મિસ્ત્રી મુંબઈ ખાતે આવેલી એક કંપનીમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી કામ કરતો હતો. જે કંપનીનો માલિક નૈતિક માવાણી હતો. ભાવેશ આ કંપનીના આર્થિક વ્યવહારો સંભાળવાનું કામ કરતો હતો. નૈતિકે ભાવેશના નામ ઉપર એક ફાર્મા કંપની શરૂ કરી હતી. જે બાદમાં ભાવેશ અને નૈતિક વચ્ચે મતભેદો થતા નૈતિકે થોડા સમય પહેલા નોકરી છોડી દીધી હતી.
જોકે કંપનીનો સમગ્ર બેંક વ્યવહાર ભાવેશના નામથી હોવાથી નૈતિકને એવું લાગતું હતું કે, ભાવેશ તેના બેન્ક એકાઉન્ટમાં રહેલા રૂપિયા વાપરી નાખશે. બીજી તરફ ભાવેશને એવું હતું કે તેમના નામે કંપની ખરીદી છે, પરંતુ નૈતિક દ્વારા તેનો જીએસટી ભરવામાં નથી આવી રહ્યો. જેને કારણે તેના ઉપર કાર્યવાહી થઈ શકશે.
મધ્યસ્થીએ ઘર બતાવતા અપહરણ કર્યુ
જોકે ભાવેશ અને નૈતિક વચ્ચે ચાલતા વિવાદો સુલટાવવા માટે ભાવેશનો જ એક મિત્ર વિનોદ ઉર્ફે મનોજ ગાયકવાડ કે જે પણ મુંબઈ ખાતે રહે છે અને તે નૈતિકને પણ ઓળખે છે. જેથી ભાવેશે વિનોદને કંપની માલિક નૈતિક સાથે મળી વાદ વિવાદ પૂર્ણ કરવા માટે મીટીંગ કરવાનું ભાવેશ જણાવ્યું હતું.
સમાધાનમાં સફળતા નહિ મળતા આખરે વિનોદે નૈતિક સાથે મળીને અમદાવાદમાં ભાવેશ મિસ્ત્રીનું ઘર બતાવ્યું હતું. ત્યારબાદ તેને ઘરેથી લઈ તેનું અપહરણ કરીનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી માટે નૈતિકે વિનોદને એક લાખ રૂપિયા પણ આપ્યા હોવાનું સામે આવ્યું છે.
પરિવાર લઈ અપહરણ કરવા પહોંચ્યો
ભાવેશના અપહરણ માટે નૈતિક માવાણી તેની પત્ની સ્વાતિ તેમજ માતા પ્રીતિબેન ને મુંબઈથી અમદાવાદ લઇને પહોંચ્યા હતા. અપહરણમાં કોઈને શંકા ન જાય તેથી નૈતિકે તેના પરિવારને સાથે રાખ્યો હતો. બીજી તરફ નૈતિકે મદદગારી માટે સુરેન્દ્રનગરના ગફાર બાબરીયા, સાજીદ સોલંકી, જીતેન્દ્ર ઠાકોર, ઈકબાલ બાબરીયા અને અસગરને પણ મદદગારી માટે બોલાવ્યા હતા.
ભાવેશને તેના ઘરેથી લઈ જઈ કારમાં બેસાડી સુરેન્દ્રનગર ખાતે લઈ ગયા હતા અને ત્યાં જ રાત્રે રોકાણ કર્યું હતું. જોકે સમગ્ર ઘટનાની જાણ થતા રામોલ પોલીસ સુરેન્દ્રનગર પહોંચી ગઈ હતી અને નૈતિક તેમના પત્ની અને માતા ઉપરાંત ગફાર બાબરીયા, સાજીદ સોલંકી અને જીતેન્દ્ર ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. જોકે અપહરણમા સંડોવાયેલા હજી પણ ઈકબાલ બાબરીયા, અસગર તેમજ અન્ય મુખ્ય આરોપી વિનોદ ગાયકવાડની ધરપકડ બાકી છે. જેની પોલીસ અલગ અલગ જગ્યાઓ પર શોધ કોડ હાથ ધરી છે.
હજુ ત્રણ આરોપીની શોધખોળ જારી
નૈતિકે ભાવેશના નામ પર જે કંપની ખોલી હતી તેમાં વેચેલા માલના રૂપિયા જમા થતા હતા, જે રૂપિયા નૈતિકના હતા, પરંતુ ભાવેશ તેને પરત આપતો ન હતો. અગાઉ મુંબઈમાં ભાવેશના નામની કંપનીની સાથે બેન્ક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું. જે કોઈ કારણોસર ફ્રીઝ થઈ જતા નૈતિકે રાજકોટ ખાતે નવું એકાઉન્ટ ભાવેશના નામે ખોલ્યું હતું. જેમાં પડેલા રૂપિયા નૈતિકના હોવાથી તે રકમની ઉઘરાણી માટે તેણે આ અપહરણનો પ્લાન કર્યો હતો.
હાલ તો પોલીસે છ આરોપીની ધરપકડ કરી અપહરણના ગુનામાં વપરાયેલી કાર અલગ અલગ સાત મોબાઈલ સહિત કુલ 9 લાખ 90 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ સમગ્ર કેસમાં વોન્ટેડ વધુ ત્રણ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.