ગાંધીજીના મૂલ્યોને નેવે મુકી કોચરબ આશ્રમનો લગ્ન પ્રસંગ જેવા સમારોહ માટે કરાઈ રહ્યો છે ઉપયોગ- જુઓ Video
સત્ય નિષ્ઠા અને સાદગીને વરેલા મહાત્મા ગાંધીજીના પાલડી સ્થિત આવેલા કોચરબ આશ્રમમાં ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ. જે આશ્રમને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ આશ્રમમાં લગ્ન પ્રસંગ જેવા ભવ્ય મેળાવડાનું આયોજન કરવામાં આવ્યુ, સંગીત સંધ્યામાં ડીજેના તાલે નાચગાનનો કાર્યક્રમ પણ થયો ત્યારે ચોક્કસથી એવુ લાગે કે સાંપ્રત સમયમાં ગાંધીજીના મૂલ્યો વિસરાઈ રહ્યા છે.
મહાત્મા ગાંધીજી એક એવુ મહાન વ્યક્તિત્વ જેઓ દેશવાસીઓના સુખે સુખી અને તેઓના દુખે દુ:ખી થયા. તેમણે જાણ્યુ કે દેશના ગરીબ લોકો પાસે તન ઢાંકવા માટે પૂરતા વસ્ત્રો પણ નથી તો તે દિવસથી તેમણે તેમના વસ્ત્રોનો ત્યાગ કરી દીધો અને જીવ્યા ત્યાં સુધી માત્ર નાની પોતડીથી પોતાનું તન ઢાંક્યુ. એ ગાંધીજીના સાદાઈના મૂલ્યો વિસરાઈ ગયા હોય તેવુ ચિત્ર સામે આવ્યુ છે. આજીવન પોતાના સાદાઈના મૂલ્યોને વળગી રહેનારા ગાંધીજીના અમદાવાદ સ્થિત કોચરબ આશ્રમમાં ભવ્ય લગ્ન સમારોહ યોજવામાં આવ્યો, ત્યાં સંગીત સંધ્યામાં ડીજેના તાલે લોકો ઝુમતા જોવા મળ્યા. જે આશ્રમમાં રહીને ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો હતો અને આથી જ આ આશ્રમને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં આ પ્રકારના જાહેર મેળાવડાઓ યોજવા યોગ્ય છે?
વિદ્યાપીઠના સેવકના દીકરાનો લગ્નપ્રસંગ કોચરબ આશ્રમમાં યોજાયો
આપને જણાવી દઈએ કે ગાંધી આશ્રમનું સંચાલન ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે. જ્યારે વિદ્યાપીઠના કુલપતિને આ અંગે સવાલ કરાયો તો તેમણે લુલો બચાવ કર્યો કે વિદ્યાપીઠના સેવકોના પ્રસંગો માટે આશ્રમની જગ્યા આપવામાં આવે છે. ખુદ મહાત્મા ગાંધીજીએ એમના ભાણેજ મગનલાલ ગાંધીના લગ્ન કોચરબ આશ્રમમાં કરેલા હતા. આથી ગાંધીયન પરંપરા મુજબ પારીવારિક સભ્યોના સામાજિક પ્રસંગો માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી. માંગલિક પ્રસંગો માટે વર્ષોથી ગુજરાત વિદ્યાપીઠના સેવકોને જગ્યાનો ઉપયોગ કરવા માટે અનુકૂળતા કરી આપવામાં આવે છે.
આશ્રમના ઐતિહાસિક મહત્વને ભૂલી જઈ લગ્ન જેવા ભભકાદાર પ્રસંગનું આયોજન
કુલપતિના દાવા મુજબ વિદ્યાપીઠ આશ્રમનુ સંચાલન કરે છે તો વિદ્યાપીઠના સેવકો આશ્રમનો લગ્ન સમારોહ માટે ઉપયોગમાં લઈ શકે. પરંતુ કોઈ કોમર્શિયલ હેતુથી આશ્રમને ભાડે આપવામાં આવતો નથી. જો કે આ અંગે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે, જે કોચરબ આશ્રમ ખાતેથી સ્વરાજ માટેની લડતના મંડાણ થયા હતા. આ જ આશ્રમમાં ગાંધીજીએ સત્ય, અહિંસા અને સ્વદેશી સહિતના 11 વ્રતો પાળવાની શરૂઆત કરી હતી એ જ આશ્રમની આજે ઐતિહાસિક સ્મારક તરીકે જાળવણી થવી જોઈએ, ના કે લગ્ન પ્રસંગ જેવા ભભકાદાર પ્રસંગોનું આયોજન થવુ જોઈએ. સ્વતંત્રતાની ચળવળના સાક્ષી એવા આ આશ્રમનો જો તેના સંચાલકો દ્વારા જ આ પ્રકારે અંગત હેતુ માટે ઉપયોગમાં લેવાશે તો ક્યાંકને ક્યાંક તેનુ ઐતિહાસિક મહત્વ ભૂસાઈ જતા વાર નહીં લાગે અને માત્ર નામનો ગાંધી આશ્રમ રહી જશે.
Input Credit- Narendra Rathod- Ahmedabad