Gujarat Board Exam: ધોરણ 10માં ગુજરાતીના પેપરમાં કૃતિ અને કૃતિ સંગ્રહના જોડકાની ભૂલ બાદ જોડણી વિભાગમાં પણ 9 ભૂલ સામે આવી
Ahmedabad: ગુજરાત બોર્ડની હાલ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે ગુજરાતીના પેપરમાં પ્રશ્નપત્ર સેટ કરનારની પણ મોટી ભૂલ સામે આવી છે. ગુજરાતીના પેપરમાં કૃતિ અને કૃતિસંગ્રહના કવિના નામની ભૂલ બાદ જોડણી વિભાગમાં પણ 9 જેટલી ભૂલો સામે આવી છે.
રાજ્યમાં હાલ ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા દરમિયાન ધોરણ 10માં પહેલા જ ભાષાના પેપર તરીકે ગુજરાતીના પેપરમાં એક બાદ એક અનેક ભૂલો સામે આવી છે. જેમાં પ્રશ્નપત્ર કાઢનારની ભૂલ સામે આવી છે. પેપરસેટરે બોર્ડના માળખાને પણ ધ્યાને ન લઈ કૃતિ અને કૃતિ સંગ્રહ અંગેના પ્રશ્નનો પ્રશ્નપત્રમાં સમાવેશ કર્યો છે. બોર્ડના માળખામાં કૃતિ અને કૃતિસંગ્રહ એવા જોડકા પૂછવાનો ઉલ્લેખ છે જ નહીં છતા આ પ્રકારનો પ્રશ્ન પ્રશ્નપેપરમાં પૂછવામાં આવ્યો, જેનું નુકસાન વિદ્યાર્થીઓને ભોગવવુ પડશે. આ નુકસાનની ભરપાઈ ગુજરાત બોર્ડ કેવી રીતે કરશે તે અંગે પણ આજદિન સુધી કોઈ જાહેરાત કરાઈ નથી.
આટલુ ઓછુ હોય તેમ પ્રશ્નપત્ર કાઢનારની જોડણી વિભાગમાં 9 જેટલી ખોટી જોડણી લખી હોવાનું સામે આવ્યુ છે. જેમા દુકાનદાર, આપદા ની, વર્ષાઋુતુ, પ્રતીક, કૃષ્ણ વિરહને, પ્રવૃતિ, હાનિકારક, આજનો યુગ શબ્દોની ખોટી જોડણી આપી છે. આ મામલે પ્રશ્નપત્ર સેટ કરનારની ભૂલ સામે વિદ્યાર્થીઓેને થતા નુકસાન માટેના જવાબની પણ માગ કરાઈ છે.
ગુજરાતીના પેપરમાં કૃતિ અને કૃતિસંગ્રહના 4 માર્ક્સના સવાલમાં એક માર્ક્સની પ્રશ્નપત્રની ભૂલ સામે આવી છે. તો બીજી તરફ રાજકોટમાં ગણિતના પેપર દરમિયાન ભરાડ સ્કૂલની મોટી બેદરકારી સામે આવી છે. જેમા વિદ્યાર્થીને પૂરવણી સમયસર ન અપાતા વિદ્યાર્થીએ 10-15 મિનિટ સુધી બેસી રહેવુ પડ્યુ હતુ. છતા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને પેપર પુરુ કરવા માટે પાછળથી વધારાની 10 મિનિટ ફાળવાઈ ન હતી. જેના કારણે વિદ્યાર્થીને પેપર પુરુ કરવામાં મુશ્કેલી પડી હતી. ત્યારે સ્કૂલની બેદરકારી સામે જિલ્લા શિક્ષણાધિકારી પણ માત્ર તપાસ બાદ બોર્ડને રિપોર્ટ કરશે તેવુ આશ્વાસન આપી છૂટી ગયા હતા.
ત્યારે અહીં સવાલ એ છે કે
- ગુજરાતીના પેપરમાં સામેઆવેલી ભૂલ માટે પેપર સેટર સામે શું પગલા લેવાશે?
- શું બોર્ડ વિભાગ દ્વારા ગુજરાતીના પેપરમાં ભૂલ કરનાર પેપરસેટરને દંડ કરાશે ?
- વિદ્યાર્થીઓને કેવી રીતે માર્ક્સ સરભર કરી આપવામાં આવશે ?
- રાજકોટની ભરાડ સ્કૂલની બેદરકારી માટે શું તેનુ કેન્દ્ર રદ થશે?
- મોડી પૂરવણી આપવા માટે શાળા સામે કોઈ દંડાત્મક પગલા લેવાશે ?
- વિદ્યાર્થીને 10 મિનિટ સુધી બેસી રહેવુ પડ્યુ તો તેના માર્ક્સના નુકસાનને શું સરભર કરાશે ?
- એક તરફ રાજ્યમાં ગુજરાતી વિષયને ફરજિયાત ભણાવવાના કાયદા વચ્ચે બોર્ડની પરીક્ષામાં જ પ્રશ્નપત્ર કાઢનારની આ પ્રકારની ભૂલો કેટલી વાજબી છે ?
- શું આ રીતે ગુજરાતી શીખાશે, લખાશે તો પરિણામ સુધરશે?
રાજ્યમાં માતૃભાષા ગુજરાતી વિષયનુ શિક્ષણ ફરજિયાત કરવા માટેનો કાયદો ઘડવામાં આવ્યો છે. જેમા ગુજરાતની તમામ શાળાઓ માટે ધોરણ 1થી8માં ગુજરાતી વિષયનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યુ છે. આ માટે રાજ્ય સરકારે વિધેયક 2023 તૈયાર કર્યુ છે. આ કાયદાનો ભંગ કરનાર શાળાને 2 લાખનો દંડ ભરવાની જોગવાઈમાં સમાવેશ કરાયો છે. ત્યારે બોર્ડ જેવી મહત્વની પરીક્ષામાં એક પશ્નપત્ર સેટ કરનારની ભૂલના ભોગે વિદ્યાર્થીઓને હેરાન થવુ પડે તે કેટલુ વ્યાજબી છે તેવો સવાલ કચવાતા મને વાલીઓ પણ કરી રહ્યા છે. જો પ્રશ્નપત્ર કાઢનાર જ ગુજરાતી જેવા ભાષાના પેપરમાં જોડણીને લગતી ભૂલો કરતા હોય તો વિદ્યાર્થીઓને કેવુ ગુજરાતી શાળામાં ભણાવાતુ હશે તે પણ યક્ષ પ્રશ્ન છે.
રાજ્ય સરકાર ધોરણ 1થી 8માં ગુજરાતી વિષય ફરજિયાત કરીને માત્ર સંતોષ માની લેશે તો તે ભૂલ ભરેલુ છે. ગુજરાતી ભાષા શીખવવા માટે એવા નિષ્ણાંત ભાષાવિદ્દોની પણ ભરતી થવી જોઈશે. જો નિષ્ણાંત- કુશળ ભાષાવિદ્દો દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાતી વિષય ભણાવાશે તો જ વિદ્યાર્થીઓ સાચુ ગુજરાતી ભણી શકશે. માત્ર કાયદા ઘડી દેવાથી ગુજરાતી શીખી નથી જવાતુ.
આ પણ વાંચો: Ahmedabad: ધોરણ -10ના ગુજરાતીના પ્રશ્નપત્રમાં કવિઓના નામમાં છબરડાથી ગુજરાતીનું પેપર બન્યું ચર્ચાનો વિષય