Ahmedabad: ધોરણ -10ના ગુજરાતીના પ્રશ્નપત્રમાં કવિઓના નામમાં છબરડાથી ગુજરાતીનું પેપર બન્યું ચર્ચાનો વિષય
આ પ્રશ્નપત્ર ચર્ચાનો વિષય બનતા કવિ રઇશ મણિયારે તેમની ફેસબુક વોલ ઉપર એક પોસ્ટ પણ શેર કરી હતી. જેમાં તેમણે મૂળ પાઠયપુસ્તકના પેજનો ફોટો શેર કર્યો હતો.
આજે ધોરણ-10ની પ્રથમ પરીક્ષા પૂર્ણ થઈ હતી. પ્રથમ પરીક્ષા માતૃભાષાની હતી. જેમાં ગુજરાતીના પેપરમાં મોટી ભૂલ સામે આવી હતી. પેપર તૈયાર કરનારાઓએ બરકત વિરાણી જેઓ બેફામના ઉપનામ સાથે ખૂબ પ્રખ્યાત છે, તેમનું મુકતક કવિ રઈશ મણિયારના નામે રજૂ કર્યું હતું.
આ છબરડાને પગલે વિદ્યાર્થીઓ પણ પેપર લખતા મૂંઝાઈ ગયા હતા. તેમજ આ પ્રશ્નપત્ર આખો દિવસ ચર્ચાનો વિષય બન્યું હતું. ગુજરાતીના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવ્યું હતું કે મુક્તક એટલે શું? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી… માં રઈશ મણિયાર શું કહેવા માંગે છે?
ત્યારે આ પંક્તિ અને તેના રચયિતાના નામમાં ભૂલ જોવા મળી હતી. આ મૂળ પંક્તિ બરકત વિરાણી ઉર્ફે બેફામની હતી. હતી. જોકે, પ્રશ્નપત્રમાં રઈશ મણિયારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે રઇશ મણિયાર જાણીતા કવિ તેમજ ડોક્ટર પણ છે.
કવિ રઇશ મણિયારે આ અંગે તેમના ફેસબુક વોલ ઉપર પોસ્ટ શેર કરી
આ પ્રશ્નપત્ર ચર્ચાનો વિષય બનતા કવિ રઇશ મણિયારે તેમની ફેસબુક વોલ ઉપર એક પોસ્ટ પણ શેર કરી હતી. જેમાં તેમણે મૂળ પાઠયપુસ્તકના પેજનો ફોટો શેર કર્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે બરકત વિરાણી, રઇશ મણિયાર સહિતના કવિની રચનાઓ પાઠયપુસ્તકના એક જ પાના ઉપર હતી. આથી પેપર કાઢનારાથી આ ભૂલ થઈ હશે.
ગુજરાતીનું પેપર સરળ
આ છબરડાને બદા કરતા વિદ્યાર્થીઓને ગુજરાતીનું પ્રશ્નપત્ર સરળ લાગ્યું હતું. તેમજ ગુજરાતી વિષયમાં માધ્યમમાં મોબાઈલના લાભાલાભ,ગામડું બોલે છે,એકબાળ એક ઝાડ નિબંધ પૂછવામાં આવ્યો હતો.
રાજ્યમાં આજથી GSEBની પરીક્ષા 33 જિલ્લાનાં 958 પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાઈ રહી છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી અને પ્રથમ ભાષાનું પેપર છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા બપોરે 3 વાગ્યે શરૂ થઈ હતી.
પ્રથમ દિવસે જ ધોરણ-10ના 19 હજાર 660 વિદ્યાર્થી રહ્યા ગેરહાજર
ધોરણ 10માં 9 લાખ કરતાં વધારે પરીક્ષાર્થી પેપર આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખથી વધુ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જોકે પ્રથમ દિવસે જ ધોરણ-10ના 19 હજાર 660 વિદ્યાર્થી રહ્યા ગેરહાજર, તો ધો-12માં 4 હજાર 134 વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર રહ્યા હતા.
રાજ્યના કુલ 16.59 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે નોંધાયા છે. જેમાં ધોરણ 10ના 9.57 લાખ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 1.36 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. તો સાથે જ ધોરણ 10માં 101 અને ધોરણ 12 માં 56 વિદ્યાર્થીઓ ચાર અલગ-અલગ જેલમાંથી પરીક્ષા આપશે.