સરકારી નોકરી અપાવવાની લાલચ કરોડો રૂપિયા ખંખેર્યા , ડેપ્યુટી કલેકટર સહિતના હોદ્દા પરનાં નિમણૂક પત્રો આપી અનેક લોકોને છેતર્યા

|

Sep 28, 2024 | 6:45 PM

જો તમે સરકારી નોકરીની તલાશમાં છો અને તમને કોઈ કહે કે અમે તમને સરકારી નોકરી અપાવી દેશુ તો ચેતી જજો. કેમકે ઉચા હોદ્દા પર સરકારી નોકરી અપાવવાના બહાને લોકોને છેતરતી ટોળકીઓ સક્રિય બની છે અને આવી જ એક ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે આ ગેંગના સભ્યોમાં વકીલ, પત્રકાર, કોલેજના પ્રિન્સિપાલ પણ સંડોવાયેલા છે.

સરકારી નોકરી અપાવવાની લાલચ કરોડો રૂપિયા ખંખેર્યા , ડેપ્યુટી કલેકટર સહિતના હોદ્દા પરનાં નિમણૂક પત્રો આપી અનેક લોકોને છેતર્યા

Follow us on

એક તરફ સરકારી નોકરી મેળવવા યુવાનો તેમજ બેરોજગારો પોતાના પ્રશ્નોને લઈને આંદોલન કરી રહ્યા છે તો બીજી બાજુ કોઈ પણ પરીક્ષા વગર રૂપિયા આપી ઊંચા હોદ્દા પર સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી સક્રિય થઈ હતી. જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે. અમદાવાદમાં રહેતા યોગેશકુમાર પટેલની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જલદીપ ટેલર, જીતેન્દ્રકુમાર પ્રજાપતિ, અંકિત પંડ્યા અને હિતેશ સેન નામના આરોપીઓની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર કૌભાંડ

સમગ્ર કૌભાંડની વાત કરીએ તો ફરિયાદી યોગેશ પટેલ કે જે બી.કોમ, એલ.એલ.બી અને સી.એ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ચાર વર્ષ પહેલા અરિહંત લો કોલેજના પ્રિન્સિપાલ જીતેન્દ્રકુમાર પ્રજાપતિના સંપર્કમાં આવ્યા હતા અને જીતેન્દ્રકુમારે તેના મિત્ર તેમજ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી જલદીપ ટેલર સાથે ફરિયાદી યોગેશકુમારની ઓળખાણ કરાવી હતી.

જલદીપ ટેલર પત્રકાર અને વકીલાતનું કામ કરતા હતા. જલદીપભાઈ મોટા અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં છે અને તેઓ સરકારી નોકરી અપાવી શકે છે તેમ કહી ફરિયાદી યોગેશ પટેલને વિશ્વાસમાં લીધા હતા. થોડા સમય બાદ જલદીપ ટેલર દ્વારા ફરિયાદી યોગેશભાઈને અમદાવાદ ખાતે ડેપ્યુટી કલેકટરની જગ્યા ખાલી છે અને તમે ઘણા સમયથી સરકારી નોકરી માટે પ્રયત્નો કરો છો તો અમે તમને નોકરી અપાવી દેશું તેવી લાલચ આપી હતી.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

નોકરી અપાવવા પેટે 2.25 કરોડ આપવા પડશે તેવું જણાવી નોકરી મળ્યા પહેલા સવા કરોડ અને નોકરી મળી ગયા બાદ 1 કરોડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બંને વચ્ચે નોકરીની ડીલ નક્કી થયા બાદ ફરિયાદી યોગેશભાઈએ તેમના ડોક્યુમેન્ટની નકલ અને પાંચ લાખ રૂપિયા એડવાન્સ ક્લાઈન્ટ ફી તરીકે પ્રિન્સિપાલ જીતેન્દ્ર પ્રજાપતીની ઓફિસમાં જલદીપભાઈને આપ્યા હતા.જે બાદ 16 લાખ રૂપિયા લેવા જલદીપભાઈ, તેનો માણસ હિતેશ સૈની અને જીતેન્દ્રકુમાર આવ્યા હતા. જેમાં જલદીપભાઈએ ફરિયાદી યોગેશભાઈને બે દિવસમાં નોકરી કન્ફર્મ થઈ જશે તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ તેમને અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે લઈ જઈ વેઇટિંગ રૂમમાં બેસાડી ડેપ્યુટી કલેકટરનો નિમણૂક પત્ર આપ્યો હતો.

નિમણૂક પત્ર આપ્યા બાદ હાજર થવાની તારીખ અમે જણાવશું તેવું કહી ટુકડે ટુકડે 1.19 કરોડ રૂપિયા પડાવ્યા હતા. જોકે ફરિયાદી યોગેશકુમારને તેનો પોસ્ટિંગની જગ્યાનો પત્ર નહીં મળતા ફરીથી તેમણે જલદીપ અને જીતેન્દ્રભાઈનો સંપર્ક કર્યો હતો ત્યારે આરોપી જલદીપ તેનો માણસ હિતેશ સૈની અને જીતેન્દ્રભાઈએ શર્મા સાહેબ, મોટા સાહેબ જેવા અધિકારીઓના નામ આપી તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરાવી હતી, તેમજ એક વખત ગાંધીનગર ખાતે આરોપી અંકિત પંડ્યાને ક્લાસ વન ઓફિસર બનાવી યોગેશકુમારને મળાવ્યા હતા. સમગ્ર કેસમાં વર્ષ 2022 થી ફરિયાદી યોગેશભાઈ પાસેથી ટુકડે ટુકડે રોકડા રૂપિયા લઇ હાજર અને નિમણૂક થવાના પત્રો આપ્યા બાદ 6 થી 7 મહિના લાગશે તેવું જણાવ્યું હતું.

કઈ પોસ્ટ માટે કેટલા રૂપિયા પડાવ્યા

જોકે ફરિયાદી યોગેશભાઈને તેનો નિમણૂક પત્ર મળ્યો હતો જે બાદ આરોપીઓએ હજી પણ એક ઉંચા હોદાની જગ્યા ખાલી હોવાની વાત કરી હતી. જેથી ફરિયાદીએ તેના મિત્ર વિજય ઠક્કરને નોકરી માટે વાત કરી હતી. જે બાદ ફરિયાદી યોગેશ પટેલ અને તેના મિત્ર વિજય ઠક્કર જલદીપ અને જીતેન્દ્રભાઈને મળ્યા હતા અને બરોડામાં ડેપ્યુટી કલેકટરની જગ્યા ખાલી હોવાની વાત કરી હતી.

વડોદરામાં ડેપ્યુટી કલેકટરની પોસ્ટ માટે 2.25 કરોડ આપવાના રહેશે જેમાંથી 1.20 કરોડ ટુકડે ટુકડે તેમજ હાજર થયાના એક મહિનામાં બાકીના 1 કરોડ ચૂકવવાનું નક્કી થયું હતું. જે બાદ જલદીપ ટેલર, જીતેન્દ્રભાઈ અને હિતેશભાઈ એ વિજય ઠક્કરને કલેકટર ઓફિસ અમદાવાદ અને ગાંધીનગર બોલાવી તેમને ડેપ્યુટી ડાયરેક્ટરનો નિમણૂક પત્ર આપ્યો હતો. જે બાદ આરોપીઓએ ફરિયાદી યોગેશભાઈને ફરી જણાવ્યું હતું કે અમારી પાસે અલગ અલગ પોસ્ટ માટેની ભરતીઓ છે તો તમારા મિત્રો જે નોકરીની શોધમાં છે તેમનો સંપર્ક કરાવો જેથી ફરિયાદી યોગેશભાઈએ તેમના મિત્ર અંકિત પટેલ, પ્રદીપ શર્મા, અતુલ પટેલ અને જીગર પટેલની ઓળખાણ જલદીપ ટેલર અને હિતેશ સૈની સાથે ગાંધીનગર ખાતે કરાવી હતી.

ડૉકટર, વકીલ સહિતના મિત્રો ભોગ બન્યા

  1. ફરિયાદી યોગેશભાઈએ તેના ચાર મિત્રોને આરોપીઓ સાથે ઓળખાણ કરાવી અલગ અલગ પોસ્ટ પર નોકરી અપાવવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં અંકિત પટેલને જીએમડીસીના આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી અપાવવા 1.20 કરોડ નક્કી થયા જેમાંથી અંકિત પટેલે ટુકડે ટુકડે 20 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
  2. બીજા મિત્ર પ્રદીપ શર્માને મહેસાણાના ડેપ્યુટી કલેકટરની પોસ્ટ માટે બે કરોડ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યું. જેમાંથી પ્રદીપ શર્માએ ટુકડે ટુકડે 25 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
  3. ત્રીજા મિત્ર અતુલ પટેલને ગાંધીનગર સચિવાલયના જોઇન્ટ ડાયરેક્ટરની પોસ્ટ માટે નક્કી કરવામાં આવ્યું હતું જે પેટે બે કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જેમાંથી અતુલ પટેલે ટુકડે ટુકડે 30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
  4. ચોથા મિત્ર જીગર પટેલને ખાણ ખનીજ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે 1.20 કરોડમાં નક્કી કરવામાં આવ્યું હતું. જેમાંથી તેણે ટુકડે ટુકડે 22 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે ચારેય મિત્રોને આરોપી જલદીપ ટેલરે અન્ય આરોપી હિતેશ સૈની મારફતે નિમણૂક પત્રો આપી ચારથી પાંચ મહિનામાં તેમને પોસ્ટિંગ માટે ઓર્ડર થઈ જશે તેવું જણાવ્યું હતું.

જે બાદ વર્ષ 2023 માં આરોપી જલદીપ ટેલરે બોન્ડ માટે છ લાખ રૂપિયા ડિપોઝિટ કરાવ્યા હતા. જોકે હજી પણ કોઈ પણ મિત્ર કે ફરિયાદીના નોકરીના પોસ્ટિંગ માટે ઓર્ડર નહીં આવતા તમામ લોકોએ જલદીપભાઈનો સંપર્ક કર્યો હતો અને ત્યારે જલદીપભાઈએ ક્લાસ વન ઓફિસર માટે હથિયારના લાઇસન્સની જરૂર પડશે તેમ કહી વધુ 2.99 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ જલદીપ ટેલરે અઠવાડિયામાં ગન અને ગનનું લાયસન્સ મળી જશે ત્યારબાદ બધાને પોસ્ટિંગ મળી જશે તેવું જણાવ્યું હતું.

જો કે એક અઠવાડિયા બાદ લાયસન્સ નહીં મળતા ફરીથી જલદીપભાઈએ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ રીઝલ્ટ બાદ તમામને નોકરી મળશે તેવો વાયદો કર્યો હતો. આમ છતાં પણ કોઈને નોકરી નહીં મળતા થોડા દિવસો પહેલા જલદીપભાઈએ તમામને ગાંધીનગર સચિવાલય સામે બેંકના પાર્કિંગમાં મળવા માટે બોલાવ્યા હતા અને ત્યાં ગામિત અને અંકિત પંડ્યા સાહેબ સાથે વાત કરવા માટે બોલાવ્યા હતા.

જોકે ફરિયાદી યોગેશભાઈ અને તેના મિત્રો ત્યાં પહોંચતા આરોપી જલદીપ ટેલર તેમની ગાડીમાં ગામિત સાહેબ અને અંકિત પંડ્યા સાહેબને લઈ આવ્યો હતો અને પોસ્ટિંગ માટે થોડા સમય રાહ જોવાનું જણાવ્યું હતું. જોકે બે વર્ષ સુધી કોઈ પણને નોકરી નહીં મળતા આખરે તેઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણ થતા યોગેશભાઈએ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

40 થી વધુ લોકોને પોતાનો શિકાર બનાવ્યા

યોગેશભાઈની ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી અને ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓની વટવા, ઇસનપુર, મણિનગર અને મીરઝાપુરમાં આવેલી ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી ના ખોટા નિમણૂક પત્રો જેમાં અમદાવાદના ડેપ્યુટી કલેકટર, શહેરી અને વિકાસ ગૃહ નિર્માણ વિભાગ, દસક્રોઈનાં ડેપ્યુટી કલેકટર, અમદાવાદ કલેકટરના લેટરહેડ ઉપર હાજર થવાનો હુકમ, અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટનું આઈ કાર્ડ ડુપ્લીકેટ બનાવ્યું હતું જે પોલીસે કબજે કર્યું છે.

આ ઉપરાંત આરોપીઓની ઓફિસમાંથી જી.પી.એસ.સી લખાણનો સ્ટેમ્પ, આવક જાવક નંબર તારીખ સહી સાથેનો સ્ટેમ્પ, અમદાવાદ ગાંધીનગર મહેસાણા બરોડા લખેલો સ્ટેમ્પ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટેમ્પ, સ્ટાફ સિલેક્શન એપોઇન્ટમેન્ટ કમિટીનો પત્ર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ નું પ્રિન્ટ કરેલું આઈકાર્ડ તેમજ સાત મોબાઇલ, એપલ કંપનીનું મેકબુક અને બે ફોર વીલ કબજે કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 40 થી વધુ લોકોને સરકારી નોકરી લાલચ આપી તેની સાથે છેતરપિંડી કરી છે. હાલ તો પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે જો આ ગેંગનો ભોગ તેવો બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article