હાઇકોર્ટે મહાનગરોમાં પોલીસ કમિશનર, જિલ્લાઓના કલેક્ટર અને DSPઓને પણ કંટેમ્પ્ટમાં જોડ્યા, જુઓ Video
ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર, બિસ્માર રોડ રસ્તા અને પાર્કિગ મુદ્દે જાહેર હિતની અરજી થઈ કરવામાં આવી હતી. જેના પર હાઇકોર્ટના આદેશોનું પાલન ન કરવા બદલ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી કોર્ટના તિરસ્કારની અરજી પર છેલ્લા ઘણા વખતથી સુનાવણી ચાલી રહીં છે ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. આજની સુનાવણી દરમિયાન કોર્ટના આદેશ મુજબ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્નિની કુમાર સહિત IPS પણ કોર્ટરૂમમાં હાજર રહ્યાં હતા.
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકાર વતી એડવોકેટ જનરલ દ્વારા જણાવાયુ હતુ કે ચોમાસુ ચાલી રહ્યું છે એવામાં બિસ્માર રોડ અને પાર્કિંગની સમસ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ મુદ્દા પર સરકાર કામ પણ કરી રહીં છે અને આ સતત ચાલતી પ્રક્રિયા છે જેથી સ્થિતીમાં સુધારો આવતા થોડો સમય લાગી રહ્યો છે.
તેમણે કહ્યું, બિસ્માર રોડ રસ્તા મુદ્દે પોલીસી બનાવવામાં આવી છે અને અમદાવાદ મહાનગરમાં એ પોલીસી અંતર્ગત કોન્ટ્રાક્ટરની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે અને ટ્રાફિક મુદ્દે પણ સરકાર અને સ્થાનિક તંત્ર કામગીરી કરી રહીં છે.
“અમને સ્થિતીમાં કોઇ સુધારો જણાતો નથી” – હાઇકોર્ટ
એડવોકેટ જનરલની દલીલ પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા મૌખિક અવલોકન કરતા જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાય વર્ષથી આ પિટિશન પર સુનાવણી ચાલી રહીં છે… 6 અઠવાડિયાથી તો મુદ્દતો આપી રહ્યાં છીએ પરંતુ કોઇ નક્કર સુધારો જણાતો નથી…
“ચોમાસામાં પાણી ભરાવાનો મુદ્દો પણ હાઇકોર્ટમાં ચર્ચાયો”
ગુજરાત હાઇકોર્ટમાં આજની સુનાવણીની શરૂઆતમાં જ હાઇકોર્ટે એ વાત પણ સરકારી અધિકારીઓ અને એડવોકેટ જનરલના ધ્યાને મુકી કે, માત્ર 11 ઇંચ વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે અને એવું નથી કે આ કોઇ આજે જ થઇ રહ્યું છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી આ સમસ્યા જોવા મળી રહીં છે.
આ વખતે અમદાવાદ – વડોદરામાં પાણી ભરાયા છે તો ગત વર્ષે જૂનાગઢ અને કચ્છમાં પાણી ભરાયા હતા. 11 ઇંચ વરસાદમાં જ તમારી સિસ્ટમ ફેઇલ થઇ જાય છે અને 4 ઇંચ વરસાદ તમારી સિસ્ટમ સામે પડકાર ફેંકે છે. આ મુદ્દા પર કોઇ યોગ્ય ઉકેલ આવવો જોઇએ કે કેમ 11 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઇ જાય છે. એવુ લાગે છે કે તમે પાણી નિકાલનો રસ્તો જ નથી મુક્યો એટલે આટલુ પાણી ભરાઇ જાય છે તેવું પણ પ્રાથમિક અવલોકન ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યુ હતુ
સમસ્યાઓ માટે ટાસ્ક ફોર્સની રચનાની માંગ કરાઇ
સુનાવણી દરમિયાન અરજદાર અમિત પંચાલ દ્વારા એ વાત પણ રજૂ કરવામાં આવી કે કેટલાય વર્ષથી સુનાવણી ચાલે છે ત્યારે દર વખતે એફિડેવિટના નામે માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે પરંતુ કોઇ રાહત કે એક્શન જોવા નથી મળી રહ્યું ત્યારે મારુ એક સૂચન છે કે આ તમામ ફરિયાદો અને કોર્ટના નિર્દેશોના પાલન માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવી જોઇએ જેથી આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી શકાય અને અસરકારક કામગીરી પણ થઇ શકે છે. ત્યારે આ મામલે હાઇકોર્ટે પણ એડવોકેટ જનરલને વિચારવા અંગે કહ્યું હતુ જેના જવાબમાં એડવોકેટ જનરલે પણ હકારાત્મક વલણ દાખવ્યુ હતું.
પોલીસ કમિશનરો, કલેક્ટર અને DSP પણ કંટેમ્પ્ટનો ભાગ
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એ વાત પણ એડવોકેટ જનરલને જણાવ્યુ હતુ કે આ કંટેમ્પ્ટ પિટિશનમાં માત્ર રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ જ નહીં પરંતુ મહાનગરોના શહેર પોલીસ કમિશનરો, જિલ્લાઓમાં કલેક્ટરો અને જિલ્લા પોલીસ વડા પણ જવાબદાર છે. જો કોઇ મહાનગર કે શહેરમાં અમારા આદેશોનું પાલન નહીં થાય તો તેમને પણ અમે કોર્ટ ઓફ કંટેમ્પ્ટ પિટિશનમાં જોડીશું
10 દિવસમાં કામગીરીનો રિપોર્ટ રજૂ કરો – હાઇકોર્ટ
સુનાવણીના અંતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા 10 દિવસનો વધુ સમય આપવામાં આવ્યો છે.. આ 10 દિવસમાં રાજ્ય સરકારે ગેરકાયદે ટ્રાફિક, ટ્રાફિક નિયમોનું પાલન, ફૂટપાથ પર દબાણ, બિસ્માર રોડ રસ્તાઓ, રખડતા ઢોર જેવા મુદ્દાઓ પર કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. 12 સપ્ટેમ્બરના વધુ સુનાવણી હાથ ધરાશે