Breaking News : ગુજરાતમાં ઘર ખરીદદારો માટે મોટી રાહત, સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં કર્યો ઘટાડો, જુઓ Video
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના-મધ્યમ વર્ગને મોટી રાહત આપતા, રહેણાંક મકાનોના ટ્રાન્સફર પર 80% સુધી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી જાહેર કરી છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારજનોને મોટા ફાયદા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રહેણાંક મકાનના ટ્રાન્સફર માટે લાગતી સ્ટેમ્પ ડ્યુટીની માત્ર 20% રકમ જ વસૂલવામાં આવશે, જ્યારે બાકી 80% સુધીની રકમ માફ કરાશે.
આ રાહત ખાસ કરીને એવી મિલકતોના ટ્રાન્સફર માટે લાગુ પડશે જે સોસાયટી, એસોસિએશન અથવા નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટના આધારે આપવામાં આવે છે. આ રાહત ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958 ની કલમ 9(ક) હેઠળ અમલમાં મૂકવામાં આવી છે.
શું રહેશે આ સુધારા બાદનો નવો માળખો?
સતત મળતી દંડની રકમ સાથે મળીને, હવે ખરીદદાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની માત્ર 20% રકમ જ ભરવી પડશે. અગાઉ જેટલી કુલ રકમ વસૂલાતી હતી, એ જ વસૂલાશે, પરંતુ વધારાનો કોઈ દંડ ભરવો નહીં પડે.
કોને થશે લાભ?
-
આ છૂટ માત્ર તેવા કેસમાં લાગુ પડશે જ્યાં મિલકતનો હસ્તાંતરણ સોસાયટી, એસોસિએશન અથવા નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એમના એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટના આધારે કરવામાં આવ્યો હોય.
ટ્રાન્સફર ફી પર પણ મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્ય સરકારે ચાર મહિના અગાઉ ટ્રાન્સફર ફી બાબતે પણ મહત્વપૂર્ણ સુધારો કર્યો હતો. હવે હાઉસિંગ અથવા હાઉસિંગ સર્વિસ સોસાયટી કોઈ પણ મિલકતના ખરીદ/વેચાણ વખતે ટ્રાન્સફર ફી તરીકે કુલ અવેજ રકમના 0.5% કે વધુમાં વધુ ₹1 લાખ જ વસૂલ કરી શકશે.
રાજ્યમાં હાલ 30,000 જેટલી હાઉસિંગ સોસાયટીઓ કાર્યરત છે. અગાઉ કેટલીક સોસાયટીઓ કાયદા વિરુદ્ધ વધારે ફી વસૂલતી હતી. તેને રોકવા માટે રાજ્ય સરકારે 2024માં સહકારી કાયદામાં સુધારા કર્યા છે.
વધુમાં શું શું થશે અમલમાં?
-
સોસાયટીઓ હવે કોઈ પણ પરિસ્થિતિમાં ₹1 લાખથી વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહીં.
-
જો મિલકત અવેજ વગર કાયદેસર વારસદારને ટ્રાન્સફર કરવામાં આવે છે, તો પણ કોઈ ફી વસૂલ નહીં થાય.
-
સાથે જ ટ્રાન્સફર સમયે કોઈપણ ડેવલપમેન્ટ ચાર્જ, દાન અથવા અન્ય કોઇ નામે રકમ વસૂલવાની મંજૂરી નહીં હોય.