શું વર્ચ્યુઅલ હાજરી આપીને વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાય? ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક NRI પતિના ડિવોર્સના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માગતા દંપતીના કિસ્સામાં NRI પતિ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુલી પોતાની હાજરી નોંધાવી શકશે. આ નિર્ણયથી NRI પક્ષકારોએ નાની પ્રક્રિયા માટે ઈન્ડિયા આવવાની ફરજ નહીં પડે.

Gujarat HC Divorce Cases: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે એનઆરઆઈ પતિને પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની મંજૂરી આપી હતી. ફેમિલી કોર્ટ દ્વારા એનઆરઆઈ પતિની ફિઝિકલ હાજરીના આગ્રહને વધુ પડતો ટેકનિકલ અભિગમ ગણાવી હાઈકોર્ટે જણાવ્યું કે, ટેકનોલોજી ખરેખર ન્યાયમાં મદદ કરે છે, તેને અવરોધે નહીં. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી વિદેશમાં રહેતા પક્ષકારો બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકશે. તેમજ વૈવાહિક તકરારના કેસોમાં ડિજિટલ વિકલ્પ અપનાવી વર્ચ્યુઅલ હાજરી મારફતે છૂટાછેડાની પ્રક્રિયા સરળ બનશે.
કેસની વિગત મુજબ, એપ્રિલ 2024માં લગ્ન કરનાર એક દંપતી લગ્નના માત્ર છ દિવસ બાદ જ વૈવાહિક તકરારને કારણે અલગ થઈ ગયું હતું. બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી જોકે, પતિ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી હોવાથી તેણે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહેવા વિનંતી કરી હતી, જેને ફેમિલી કોર્ટે ફગાવી દીધી હતી અને તેને રૂબરૂ હાજર રહેવા માટે આગ્રહ રાખ્યો હતો. આ બાદ દંપતીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા
હાઈકોર્ટનું અવલોકન
જસ્ટિસ જે.સી. દોશીએ આ મામલે ફેમિલી કોર્ટના કડક વલણની ટીકા કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે ફેમિલી કોર્ટનો આગ્રહ વધુ પડતો ટેકનિકલ અભિગમ છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે ટેકનોલોજી ખરેખર ન્યાય મેળવવાની પ્રક્રિયામાં મદદરૂપ થવી જોઈએ, નહીં કે તેમાં અવરોધ ઉભો કરે. પ્રક્રિયાગત કઠોરતાઓ ઘણીવાર વાસ્તવિક ન્યાયના માર્ગમાં બાધા બને છે, જે યોગ્ય નથી. જે બાદ હાઈકોર્ટે ફેમિલી કોર્ટના અગાઉના નિર્દેશોને રદબાતલ ઠેરવી નીચે મુજબની સૂચનાઓ આપી છે.
- NRI પતિ પોતાના સ્થાનેથી પોર્ટેબલ ડિવાઇસ (મોબાઇલ કે લેપટોપ) દ્વારા વીડિયો કોન્ફરન્સથી જોડાઈ શકશે
- ફેમિલી કોર્ટે સુનાવણી માટે ચોક્કસ તારીખ અને સમય નક્કી કરી, તેની લિંક અરજદારના ઇમેઇલ પર મોકલવાની રહેશે
- જો પત્ની દ્વારા પતિની ઓળખ બાબતે કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવે, તો પતિએ ભારત સરકાર દ્વારા માન્ય ઓળખપત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમથી રજૂ કરવાનું રહેશે
- સમગ્ર કાર્યવાહી દરમિયાન પતિ દ્રશ્યમાન (Visible) અને શ્રાવ્ય (Audible) રહેવો જોઈએ જેથી તેની સંમતિ યોગ્ય રીતે રેકોર્ડ કરી શકાય
આ ચુકાદાએ સ્પષ્ટ કર્યુ છે કે બદલાતા સમય સાથે ન્યાયતંત્ર પણ ડિજિટલ વિકલ્પો અપનાવીને પ્રક્રિયાને વધુ સરળ અને લોકાભિમુખ બનાવી રહ્યું છે. વિદેશમાં રહેતા લાખો ભારતીયો માટે આ નિર્ણય કાયદાકીય ગૂંચવણો ઘટાડનારો સાબિત થશે તે પણ નક્કી છે.
