Breaking News : PG, હોસ્ટેલમાં રહેતા લોકો માટે ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, રાષ્ટ્રીય સુરક્ષા અંગે કરી વાત
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સહિતના મેટ્રો શહેરોમાં રજિસ્ટ્રેશન વગર ચાલતા PG, હોસ્ટેલ અને હોમ સ્ટે પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે આવી સુવિધાઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવી, તંત્રને કડક પગલાં લેવા સૂચના આપી છે.

અમદાવાદ સહિતના મેટ્રો શહેરોમાં ચાલતા PG (પેઇંગ ગેસ્ટ), હોસ્ટેલ અને હોમ સ્ટે સામે ગુજરાત હાઈકોર્ટએ કડક અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે રજિસ્ટ્રેશન વિના ચાલતા આવા પીએજી, હોસ્ટેલ અને હોમ સ્ટે આવનારા સમયમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે. આ મુદ્દે હાઈકોર્ટએ તંત્રને પણ સતર્ક રહેવા માટે નિર્દેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અનેક મહત્વપૂર્ણ ટિપ્પણી
શિવરંજની વિસ્તારમાં ચાલતા વિવાદાસ્પદ PG અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અનેક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે જણાવ્યું કે કઈ પણ મિલકતમાં કોણ રહે છે, તે વ્યક્તિ કયા વિસ્તારનો છે અને તેનું રેકોર્ડ તંત્ર પાસે હોવું જોઈએ. એ માત્ર એક પ્રોપર્ટીનો ઉપયોગ નહીં, પણ શહેરની સુરક્ષા સાથે જોડાયેલ મુદ્દો છે.
અરજદારના વકીલે દલીલ કરી હતી કે હાલમાં PG રજિસ્ટ્રેશન માટે કોઇ પણ સ્પષ્ટ અને ઑફિશિયલ પૉલિસી ઉપલબ્ધ નથી. એટલે જ આવા અનેક પેઇંગ ગેસ્ટ હાઉસ, હોસ્ટેલ અને હોમ સ્ટે કોઈ મંજૂરી વિના ચલાવવામાં આવે છે.
શિવરંજની વિસ્તારના વિવાદિત PG
આ અંગે સરકાર તરફથી રજૂ થયેલા વકીલ જી.એચ. વિર્કએ કોર્ટને માહિતી આપી કે આ પ્રકારની સુવિધાઓ માટે રજિસ્ટ્રેશન અને મંજૂરી માટેના નિયમો GDCR હેઠળ ઉપલબ્ધ છે. પણ દુર્ભાગ્યવશ ઘણા સંચાલકો તેની પાલના કરતા નથી. તેમણે ઉમેર્યું કે શિવરંજની વિસ્તારના વિવાદિત PGમાં સીલિંગની કાર્યવાહી પહેલા નોટિસ આપવામાં આવી હતી અને ત્યાં રહી રહેલા લોકો પાસે માલિકની મંજૂરી ન હતી.
હાઈકોર્ટએ તંત્રને આ મુદ્દે વધુ જાગૃતિ લાવવાનો નિર્દેશ આપ્યો છે અને કહ્યું છે કે PG, હોસ્ટેલ અને હોમ સ્ટે જેવા પ્રોપર્ટી માટે યોગ્ય મંજૂરી લેવી ફરજિયાત છે. ઉપરાંત, સરકારને આ બાબતે નીતિ બનાવવી જોઈએ કે જેથી લોકો સચોટ રીતે નોંધણી કરી શકે અને કાયદેસર રીતે આવાસ વ્યવસ્થા ચલાવી શકે.
હાઈકોર્ટએ હાલ માટે શિવરંજનીના વિવાદિત PGમાં રહી રહેલા લોકોને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સમય આપ્યો છે. સાથે જ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે નવા એડમિશન નહીં લેવાય અને કોઈપણ બહારના વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે.
આ સમગ્ર મામલે હાઈકોર્ટની આ કડક અવલોકન અને સૂચનાઓથી લાગી રહ્યું છે કે હવે PG અને હોસ્ટેલ સંચાલકો માટે કડક નિયમો લાગુ કરવામાં આવશે અને નક્કર પ્રક્રિયા પણ અમલમાં આવશે.