Breaking News : ગુજરાતના રાજકારણમાં OBC કાર્ડની ચાલ વચ્ચે આંતરિક અસંતોષનો ઉકળતો ચરુ! 2027 પહેલાં ભાજપ-કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને OBC કાર્ડ રમી રહ્યા છે, પરંતુ સંગઠનમાં આંતરિક અસંતોષ વધી રહ્યો છે. કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષ સામે નારાજગી છે, જ્યારે ભાજપમાં પણ પ્રમુખની ભૂમિકા અને જૂના કાર્યકરોની ઉપેક્ષા ચિંતાનો વિષય છે.

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે રાજ્યના રાજકારણમાં અત્યારથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ OBC સમાજના ચહેરાઓને સંગઠનની મહત્વની જવાબદારી સોંપીને રાજકીય સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે. જોકે, OBC કાર્ડ દ્વારા મોટી વોટબેંકને પોતાની તરફ આકર્ષવાની રણનીતિ વચ્ચે બંને પક્ષોમાં આંતરિક અસંતોષ પણ ધીમે ધીમે સપાટી પર આવી રહ્યો છે. એક તરફ કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષની કામગીરી અને સંગઠનના નિર્ણયો સામે સ્થાનિક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે, તો બીજી તરફ ભાજપમાં પણ પ્રદેશ પ્રમુખની ભૂમિકા, સત્તાના કેન્દ્રો અને સંગઠનના ભવિષ્યને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અમિત યાદવ સામે આંતરિક નારાજગી હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં તેજ બની છે. પ્રદેશ પ્રમુખને જવાબદારી સંભાળ્યાને દોઢ વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં સંગઠનનું સંપૂર્ણ માળખું જાહેર ન થતાં અનેક સવાલો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોના નેતાઓ સંગઠનની કામગીરીથી નારાજ છે અને પોતાની નારાજગી હાઈકમાન્ડ સુધી પહોંચાડી ચૂક્યા છે. એટલું જ નહીં, નવી પ્રદેશ ટીમમાં સ્થાન અને જવાબદારીને લઈને પણ કેટલાક નેતાઓમાં અસંતોષ હોવાનું કહેવાય છે. કેટલાક નેતાઓ નવી ટીમમાં કામ કરવા તૈયાર ન હોવાની ચર્ચા વચ્ચે પ્રદેશ સંગઠનની જાહેરાત પણ વિલંબમાં પડી હોવાનું માનવામાં આવે છે.
મહાનગરપાલિકાઓમાં વિપક્ષના નેતાની નિમણૂક બાકી
કોંગ્રેસમાં સ્થાનિક સ્તરે પણ અસંતોષના અનેક મુદ્દાઓ સામે આવી રહ્યા છે. જિલ્લા સંગઠનમાં કોને સ્થાન આપવું અને કોને જવાબદારી સોંપવી તેવા નિર્ણયોમાં સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લેવામાં આવતા ન હોવાની ફરિયાદો થઈ રહી છે. બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં જિલ્લા સંગઠનના નિર્ણયો અને ફેરફારોને લઈને ખેંચતાણ સર્જાઈ હોવાની ચર્ચા છે. બીજી તરફ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં કેટલીક મહાનગરપાલિકાઓમાં વિપક્ષના નેતાની નિમણૂક બાકી હોવાનો મુદ્દો પણ ચર્ચામાં છે.
અમદાવાદ સહિતની ચૂંટણીઓમાં પક્ષના નબળા પ્રદર્શન બાદ સંગઠનના હોદ્દેદારો અને વોર્ડ પ્રમુખો અંગે લેવાયેલા નિર્ણયો સામે કાર્યકરોમાં નારાજગી હોવાની વાતો પણ સામે આવી રહી છે. થોડા સમય પહેલાં ઉત્તર ગુજરાતના કેટલાક નેતાઓએ દિલ્હી પહોંચીને પોતાની રજૂઆત કરી હોવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસના એક જૂથ દ્વારા નવા પ્રદેશ અધ્યક્ષની માંગણી કરવામાં આવી રહી હોવાની પણ અટકળો છે. હવે વિધાનસભાની ચૂંટણી પહેલાં હાઈકમાન્ડ આ આંતરિક વિવાદમાં હસ્તક્ષેપ કરશે કે પછી વર્તમાન નેતૃત્વને જ આગળ વધારશે તે જોવું મહત્વનું રહેશે.
ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં આ ચર્ચાઓ તેજ
બીજી તરફ, ગુજરાત ભાજપમાં પણ બધું સમુસૂતરું ચાલી રહ્યું હોવાના સંકેત મળતા નથી. બહારથી શિસ્તબદ્ધ અને મજબૂત સંગઠન તરીકે ઓળખાતા ભાજપમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ભૂમિકા અને નિર્ણય લેવાની સત્તાને લઈને ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. સંગઠનના મહત્વના નિર્ણયો લેવામાં પ્રદેશ પ્રમુખને પૂરતી સ્વતંત્રતા મળી રહી છે કે નહીં તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ શીર્ષ નેતૃત્વ સંગઠનની કામગીરી પર સીધી નજર રાખી રહ્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ ઉપરાંત, ભાજપના પ્રભારી તરુણ ચુગની સક્રિયતા અને સંગઠન સંબંધિત મુદ્દાઓમાં તેમની ભૂમિકાને લઈને પણ રાજકીય વર્તુળોમાં અલગ અલગ અર્થઘટન થઈ રહ્યાં છે.
પ્રદેશ પ્રમુખને જવાબદારી સંભાળ્યાને એક વર્ષથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી બૃહદ કારોબારીની બેઠક યોજાઈ ન હોવાનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક મહત્વના સંગઠનાત્મક નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો હોવાની અટકળો વચ્ચે ભાજપમાં બે અલગ અલગ સત્તાકેન્દ્રો ઊભાં થઈ રહ્યાં છે કે કેમ તેવા સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે.
ભાજપમાં જૂના અને વફાદાર કાર્યકરોની નારાજગી પણ એક મોટો પડકાર બની રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન ટિકિટ ફાળવણીમાં જૂના કાર્યકરોને પૂરતું મહત્વ ન મળ્યું હોવાની ફરિયાદો અનેક વિસ્તારોમાંથી સામે આવી હતી. પરિણામે કેટલાક સ્થળોએ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. રાજકોટ સહિતનાં શહેરોમાં કાર્યકરોની નારાજગી દૂર કરવા પ્રદેશ પ્રમુખે બંધબારણે બેઠકો કરવી પડી હોવાની ચર્ચા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કેટલાક નેતાઓ અને કાર્યકરો સંગઠનની કામગીરીથી અસંતુષ્ટ હોવાની અટકળો છે. નવસારી જેવા ભાજપના મજબૂત ગણાતા વિસ્તારમાં હોદ્દેદારોનાં રાજીનામાં અને આંતરિક ખેંચતાણની ચર્ચાઓએ પણ સંગઠન સામે પડકાર ઊભો કર્યો છે. આ ઉપરાંત, જગદીશ વિશ્વકર્મા OBC સમાજમાંથી આવતા હોવાથી અન્ય પ્રભાવશાળી OBC જૂથો વચ્ચે સંતુલન જાળવવું અને તમામ સમાજોને સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવું પણ તેમના માટે મહત્વપૂર્ણ બની રહેશે.
આ સમગ્ર રાજકીય પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે શું 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતના બંને મુખ્ય રાજકીય પક્ષોમાં સંગઠનાત્મક ફેરફાર થશે? કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષ બદલવાની માંગ અને સ્થાનિક નેતાઓની નારાજગી હાઈકમાન્ડ માટે પડકાર બની શકે છે, જ્યારે ભાજપમાં પ્રદેશ પ્રમુખની ભૂમિકા, સત્તાના કેન્દ્રો અને જૂના કાર્યકરોની નારાજગી સંગઠન માટે ચિંતાનો વિષય બની શકે છે. બંને પક્ષોએ OBC ચહેરાઓને આગળ કરીને રાજકીય સમીકરણો સાધવાનો પ્રયાસ તો કર્યો છે, પરંતુ માત્ર સામાજિક સમીકરણોથી ચૂંટણી જીતવી સરળ નથી. સંગઠનની એકતા, કાર્યકરોનો વિશ્વાસ અને સ્થાનિક નેતાઓને સાથે લઈને ચાલવાની ક્ષમતા જ આગામી ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આ આંતરિક અસંતોષને સમયસર દૂર કરી શકશે કે પછી 2027ની ચૂંટણી પહેલાં પોતાના જ સંગઠનના પડકારોનો સામનો કરવો પડશે.
મહિલા કોર્પોરેટરના પતિએ બોર્ડ મીટિંગમાં આપ્યા સૂચનો
