ચેતજો.. અમદાવાદની રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાં નીકળ્યો જીવતો વંદો, હેલ્થ વિભાગે મોટા દંડ સાથે કરી કાર્યવાહી
અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર આવેલી કબીર રેસ્ટોરન્ટમા મસાલા પાપડમાં જીવતો વંદો નીકળવાનો હોવાનો બનાવ સામે આવ્યો છે. જીવતો વંદો મળવાની ઘટના બાદ હેલ્થ વિભાગ એક્શનમાં આવ્યું. હેલ્થ વિભાગે 20 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે. કબિર રેસ્ટોરન્ટના કિચનમાં ખાવાની તમામ વસ્તુઓ ખુલ્લી જોવા મળી હોવાનું પણ સામે આવ્યું હતું.

વાનગીઓમાં હવે અવનવા ઈનોવેશન આવી ગયા છે અને હવે મસાલા પાપડનો ઓર્ડર કરો, તેમાં જીવતો વંદો પણ હોઈ શકે. જરા વિચિત્ર વાત છે. પરંતુ આ એટલે કહેવું પડ્યું કે, અમદાવાદની વધુ એક મોટી રેસ્ટોરન્ટે આ બેદરકારી રાખી છે.
ડ્રાઈવ-ઈન રોડ પર આવેલી કબીર રેસ્ટોરન્ટમાં એક પરિવાર જમવા ગયો હતો અને સ્ટાર્ટર તરીકે મસાલા પાપડનો ઓર્ડર કર્યો હતો. પાપડ તો આવ્યો, પણ તેમાં મસાલા સાથે જીવતો વંદો પણ હતો. પરિવારે આ વંદાને લઈને રેસ્ટોરન્ટના સંચાલકને ફરિયાદ કરી. જો કે, ત્યારે તો સંચાલકો મૌન હતા. પરંતુ ત્યારબાદ પગલાં લેવાની ખાતરી આપી છે.
તો ઘટના બાદ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું અને કબીર રેસ્ટોરન્ટને 20 હજારનો દંડ ફટકારાયો છે. આ સાથે તપાસ પણ થઈ. જેમાં જોવા મળ્યું હતું કે, એકસાથે તળેલા અને શેકેલા તળેલા પાપડનો જથ્થો તૈયાર કરી રાખતો હતો. તમામ વેજીટેબલ અને વપરાતો કાચો સામાન ખુલ્લો રાખવામાં આવ્યો હતો.
સ્વચ્છતા બાબતે કબીર રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી સામે આવી છે.. ત્યારે સવાલ થાય કે, આવી રેસ્ટોરન્ટ શેના પૈસા લે છે? સારું ભોજન આપવાના કે, વંદા, ઈયળ, જંતુવાળા ભોજનના ? વારંવાર થતી લાપરવાહીને લઈને સવાલો અનેક ઉઠે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ: લિફ્ટમાં ફસાઈ જતા 6 વર્ષના બાળકનું મોત, શાહીબાગના વસંત વિહાર ફ્લેટનો બનાવ, ઘટના સીસીટીવીમા કેદ
આ પહેલા અમદાવાદના નામાંકિત રેસ્ટોરન્ટમાં લાપરવાહી સામે આવી છે. અત્યારે મસાલા પાપડમાં વંદો નીકળ્યો. તો 10 નવેમ્બરે શાસ્ત્રીનગરની ઘી-ગૂડ રેસ્ટોરન્ટમાં સિંગદાણામાંથી ઈયળો નીકળી હતી. 10 દિવસ પહેલા જ જે જથ્થો આવ્યો, તેમાં ઈયળો હતી. તો તે પહેલા 8 નવેમ્બરે બોપલની માધવ ડ્રાયફ્રૂટમાંથી પણ કાજુના પેકેટમાં ઈયળો જોવા મળી હતી. આ ઘટના સાબિત કરે છે કે, મોટા નામથી અંજાઈ ન જવું જોઈએ.