4000 કરોડના ભ્રષ્ટાચારના આરોપી ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ મોન્ટુ પટેલની મહત્વપૂર્ણ ડાયરી tv9 ને હાથ લાગી, કૌભાંડીના કૌભાંડનો પર્દાફાશ- જુઓ Video
ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ મોન્ટુ પટેલ પર 4000 કરોડથી વધુના ભ્રષ્ટાચારનો આરોપ છે. CBIએ તેમના ઘર અને દિલ્હી સ્થિત ઓફિસ પર દરોડા પાડ્યા છે. tv9 ને મોન્ટુ પટેલની ડાયરી હાથ લાગી છે. જેમા અનેક કોલેજોને મંજૂરી આપવા બદલ લાંચ લેવાની વિગતો મળી છે. મોન્ટુ સામે 23 કોલેજોને ગેરકાયદે મંજૂરી આપવાનો પણ આરોપ છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળની ફાર્મસી કાઉન્સિલના ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સહિત ત્રણ લોકો સામે હજારો કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. PCI અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે CBI દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસના ધમધમાટ વચ્ચે કૌભાંડી મોન્ટુ પટેલના હિસાબ કિતાબની ડાયરી tv9ને હાથ લાગી છે. જેમાં કઇ કોલેજને માન્યતા આપી રૂપિયા લેવાયા હતા તેની વિગતો છે. મોન્ટુ પટેલ પર 4000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે. માળખા વગરની અનેક કોલેજોને મંજૂરી આપ્યાનો એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે. મોન્ટુ સામે કોલેજ દીઠ 20 થી 25 લાખ લીધાનો આક્ષેપ છે.
આજ રોજ સીબીઆઇએ અમદાવાદમાં ઝુંડાલ સ્થિત આવેલા મોન્ટુ પટેલના બંગલા પર દરોડા કર્યા હતા. દિલ્હીમાં પીસીઆઇ ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસસ્થાને તપાસ હાથ ધરાઈ હતી. મોન્ટુ પટેલે પ્રમુખની ચૂંટણી જીતવા રૂપિયા આપ્યા હોવાનો પણ એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે.
અમદાવાદ ગીફ્ટ સીટીમાં અન્યના નામે અનેક કોમર્શિયલ પ્રોપર્ટીમા હાથ કાળા કર્યા હોવાની વિગતો ખૂલી છે. ઉલ્લેખનીય છે કે મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલા છે. કોલેજોને માન્યતા આપવા મુદ્દે લાંચ લીધાની મોન્ટુ પટેલ સામે ફરિયાદ નોંધાય છે.
સમગ્ર મામલે ટીવી નાઇનને એક્સક્લુઝિવ માહિતી હાથ લાગી છે મોન્ટુ પટેલની અંગત ડાયરી અને પ્રોપર્ટી તેમજ કાર સહિતની વિગતો સામે આવી છે. ડાયરીમાં કઈ કોલેજને માન્યતા આપી કેટલા રૂપિયા લીધા તેની તમામ વિગતો છે. કોના કોના નામે પ્રોપર્ટી વસાવી તેમજ મકાન જમીન સહિતની મોંઘીદાટ ગાડીઓની માહિતી પણ આ ડાયરીમાં મળી આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મોન્ટુ પટેલે અમદાવાદ અને ગીફ્ટ સીટીમાં અન્યના નામે અનેક કોમર્શિયલ પ્રોપર્ટી વસાવી છે. સાઉથ બોપલ વિસ્તારમાં મોન્ટુ પટેલની અનેક મિલકતો આવેલી છે. મુંબઈમાં અલગ અલગ વ્યક્તિના નામે પ્રોપર્ટી વસાવ્યાનો આક્ષેપ છે તો અમદાવાદ સુરત અને સુરેન્દ્રનગરમાં પણ અન્યના નામે જમીનો ખરીદ્યાનો સૂત્રોનો દાવો છે.
ભાજપના 11 વર્ષના શાસનમાં લૂંટનો કારોબાર ફુલ્યોફાલ્યો- મનિશ દોશી
આ તરફ મોન્ટુ પટેલના કૌભાંડ સામે આવતા વિપક્ષે પણ સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા અને શિક્ષણવિદ્ મનિષ દોશીએ ભાજપના 11 વર્ષના શાસનમાં લૂંટનો કારોબાર ફુલ્યો ફાલ્યો હોવાનો પ્રહાર કર્યો. મનીષ દોષીનું કહેવું છે કે ભાજપના શાસનમાં લૂંટનો કારોબાર ચાલી રહ્યો છે. કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવીને જે રીતે શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે એનો વધુ એક જીવતો જાગતો નમૂનો એટલે ફાર્માસિસ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. મંજૂરીની અંદરના ભાવો જુદા જુદા છે, દોશીએ સરકારને સવાલ કર્યો કે ડબલ એન્જિનની સરકારમાં સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શું ચાલી રહ્યું છે? કેમ સરકાર એમાં મૌન છે?
આપને જણાવી દઈએ કે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અંડર સેક્રેટરી અમિત વિશ્વાસ દ્વારા 15 માર્ચ 2023 ના રોજ કરાયેલી ફરિયાદ બાદ થયેલી તપાસના આધારે CBI પોલીસે કાઉન્સિલના અધ્યક્ષ મોન્ટુ પટેલ સહિત ચાર લોકો સામે FIR કરવામાં આવી છે. જેમા મોન્ટુ પટેલ સહિત વિનોદ તિવારી, સંતોષ કુમાર ઝા અને અન્ય એક વ્યક્તિ સામેલ છે. આ કેસમાં CBI પોલીસ દ્વારા મે 2023થી તપાસ ચાલતી હતી. જે બાદ 30 જૂનના રોજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.