Breaking News : હવે અમદાવાદની જનતા નક્કી કરશે AMTSના રૂટ અને સ્ટોપ! જાણો 7 ડિસેમ્બર સુધીમાં કેવી રીતે આપવા સૂચનો
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા સુધારવા નવા બસ રૂટ, સ્ટોપ અને બસોનું આયોજન કરી રહી છે. નાગરિકોને તેમની જરૂરિયાત મુજબના વિસ્તારો, ફ્રિકવન્સી અને નવા સ્ટોપ અંગે 7 ડિસેમ્બર સુધીમાં સૂચનો આપવા જણાવાયું છે.

અમદાવાદના નાગરિકો માટે જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાજનક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં નવી બસો શરૂ કરવા ઉપરાંત નવા બસ રૂટ અને બસ સ્ટોપ નક્કી કરવાની દિશામાં AMTS દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે તંત્રએ અમદાવાદના નાગરિકો પાસેથી નવા બસ રૂટ, બસ સ્ટોપ અને બસની ફ્રિકવન્સી અંગે સૂચનો મંગાવ્યા છે.
નાગરિકો આગામી 7 ડિસેમ્બર સુધીમાં પોતાના અભિપ્રાય રજૂ કરી શકશે. મળેલા સૂચનોનો અભ્યાસ કર્યા બાદ આગામી AMTS બજેટમાં નવા રૂટ અને પરિવહન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.
નાગરિકો પોતાના વિસ્તારમાં જ્યાં હાલમાં બસ સેવા ઉપલબ્ધ નથી અથવા બસોની સંખ્યા પૂરતી નથી, તેવા વિસ્તારો અને સોસાયટીઓ માટે નવા રૂટની માંગ કરી શકશે. આ ઉપરાંત હાલના બસ રૂટમાં ફેરફાર, મુખ્ય માર્ગોને જોડતી ફીડર બસ સેવા અને શહેરના વિવિધ વિસ્તારોને વધુ સારી રીતે જોડવા અંગે પણ સૂચનો આપી શકાશે.
ખાસ કરીને મેટ્રો સ્ટેશન, રેલવે સ્ટેશન, કોલેજ-યુનિવર્સિટી, હોસ્પિટલ તેમજ ઔદ્યોગિક અને વ્યાપારી વિસ્તારો સુધી AMTS બસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નાગરિકો પોતાના અભિપ્રાય આપી શકશે. નવા બસ સ્ટોપ ક્યાં હોવા જોઈએ, બસ કયા સમયે દોડવી જોઈએ અને બસની ફ્રિકવન્સી કેટલી હોવી જોઈએ તે અંગેના સૂચનો પણ તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે.
ઈ-મેઈલ, વ્હોટ્સએપ અને ટપાલથી મોકલી શકાશે સૂચનો
AMTS દ્વારા સૂચનો મોકલવા માટે નાગરિકોને વિવિધ વિકલ્પો આપવામાં આવ્યા છે. નાગરિકોએ પોતાનું નામ, મોબાઈલ નંબર અને રહેઠાણનો વિસ્તાર દર્શાવીને 7 ડિસેમ્બર સુધીમાં ઈ-મેઈલ અથવા વ્હોટ્સએપ દ્વારા પોતાના સૂચનો મોકલવાના રહેશે. સૂચનો મોકલવા માટેનું ઈ-મેઈલ એડ્રેસ amtsamc@gmail.com અને વ્હોટ્સએપ નંબર 7069015735 છે.
આ ઉપરાંત નાગરિકો લેખિતમાં પણ પોતાના સૂચનો મોકલી શકશે. તેના માટે ‘ટ્રાન્સપોર્ટ મેનેજર, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, જમાલપુર દરવાજા બહાર, અમદાવાદ-380022’ સરનામે ટપાલ દ્વારા પત્ર મોકલી શકાશે. આમ, અમદાવાદના નાગરિકોને શહેરની બસ સેવા વધુ સુવિધાજનક અને અસરકારક બનાવવામાં સીધો અભિપ્રાય આપવાની તક મળી છે. નાગરિકોના સૂચનોના આધારે આગામી સમયમાં નવા રૂટ, બસ સ્ટોપ અને સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
મોદી કેબિનેટે સીમાંકન બિલમાં ફેરફારોને આપી મંજૂરી, DMK ની શરતો સ્વીકારી
