AMC નો વિચીત્ર નિર્ણય, હવે ચોમાસામાં પાણી ભરાય તો શહેરીજનોએ ગટરના ઢાંકણા જાતે ખોલવા પડશે !- Video
અમદાવાદ મહાનગરપાલિકાએ એક તઘલખી અને વિચીત્ર નિર્ણય કર્યો છે. ગુરુવારે મળેલી મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચોમાસામાં ઠેર ઠેર ભરાતા પાણી અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા જે વિસ્તારમાં પાણી ભરાયા હોય ત્યાંના રહીશોએ કોર્પોરેશનના કર્મચારીઓની રાહ જોયા વિના જાતે જ ગટરના ઢાંકણા ખોલી દેવાના રહેશે.
જો તમારા વિસ્તારમાં પાણી ભરાય છે તો પાણીના નિકાલની જવાબદારી પણ તમારી,, સાંભળીને આશ્ચર્ય થયુ ને….પણ આવોજ કંઈક વિચિત્ર નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદમાં વર્ષો વરસથી પાણી ભરાવવાની સમસ્યા જેમની તેમ છે. દર વર્ષે ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકશન પ્લાન તો બનાવે છે પરંતુ તેનો યોગ્ય અમલ થતો નથી. પરિણામે સ્થિતિ ઠેરની ઠેર રહે છે અને ચોમાસામાં અમદાવાદીઓ પાણીની સમસ્યાથી હર હંમેશ પરેશાન રહે છે.
“શહેરીજનોએ પાણી ભરાય તો જાતે ગટરના ઢાંકણા ખોલી નાખવા”
આ વખતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં જે વિસ્તારમાં પાણી ભરાય છે તેવા વિસ્તારમાં સ્થાનિક વોલેન્ટિયર્સ નિમવાની જાહેરાત કરવામાં આવી છે. સરળ ભાષામાં જો કહેવામાં આવે તો ચોમાસામાં હવે જો પાણી ભરાશે તો ગટરના ઢાંકણા સ્થાનિકોએ પોતે જ ખોલવાના રહેશે. AMC આ વખતે જે તે વિસ્તારના અમુક સ્થાનિકોને વોલેન્ટિયર્સ તરીકે નિમશે અને તેમણે ત્રિકમ, ક્રોસ જેવા સાધનો આપી પાણીનો નિકાલ કરાવશે.
“પાણીના નિકાલની જવાબદારી શહેરજનોની કે કોર્પોરેશનની?”
એનો સીધો મતલબ એમ કે જો હવે તમારા વિસ્તારમાં પાણી ભરાય છે તો પાણી નિકાલની જવાબદારી તમારી રહેશે. ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે જો આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે. શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીનો નિકાલ કરવામાં ઉણું ઉતરી રહ્યું છે? શું આટલા વર્ષના અનુભવ બાદ પણ કોર્પોરેશન ગણતરીની મિનિટોમાં પાણીનો નિકાલ કરવામાં સક્ષમ નથી. જે શહેરીજનો કર ભરે. એજ શહેરીજનોએ જો જીવના જોખમે ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ કરવાનો હોય તો પછી કોર્પોરેશનના કર્મચારી અને અધિકારી શું કરશે. શું અધિકારી વરસાદી માહોલમાં કંટ્રોલ રૂમમાં જઈ સ્થિતિની સમીક્ષા જ કરશે? અને સલાહ સૂચનો જ આપશે? જનતાને તેમના ભરોસે છોડી દેશે કે પછી મુશ્કેલીના સમયમાં જનતા વચ્ચે જઈ પાણીની સમસ્યાથી છૂટકારો પણ અપાવશે?