અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આગામી 5 દિવસ રહેશે ઓરેન્જ ઍલર્ટ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની શક્યતા
હજુ વધુ આકરી ગરમી સહન કરવા માટે રહેજો તૈયાર, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની શક્યતા છે.
રાજ્યવાસીઓએ હજુ વધુ કાળજાળ ગરમી સહન કરવા માટે તૈયારી રાખવી પડશે. રાજ્યમાં ઉનાળાની આકરી ગરમીનો પ્રકોપ યથાવત છે. કાળઝાળ ગરમીને જોતા હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની પણ આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના શહેરોમાં હીટવેવની અસર જોવા મળી શકે છે. અમદાવાદમાં આગામી 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહેવાનું અનુમાન છે. કાળઝાળ ગરમી સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની પણ શક્યતા સેવાઇ રહી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની શક્યતા
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચશે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં આગામી પાંચ દિવસ હિટવેવની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાવનગર, દ્વારકા, રાજકોટ, બોટાદમાં પાંચ દિવસ ગરમીનું જોર વધશે અને હિટવેવની શક્યતા છે. આ તરફ કચ્છમાં પણ હિટવેવ રહેશે.
આગામી પાંચ દિવસ અમદાવાદમાં ઓરેન્જ ઍલર્ટ
આજના તાપમાનની વાત કરવામાં આવે તો આજે સૌથી વધુ હાઈએસ્ટ તાપમાન અમદાવાદ અને ડીસાનું 43.5 ડિગ્રી રહ્યુ છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં અમદાવાદ જિલ્લો સૌથી વધુ ગરમ જિલ્લો રહેશે. આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 43-44 ડિગ્રી રહેશે. હાલ લોકોને ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી.આણંદના વલ્લભ વિદ્યાનગરમાં 42.5, વડોદરામાં 42.2, ભુજમાં 42.9, કંડલા ઍરપોર્ટ પર 42.5 રાજકોટમાં 42.4, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન રહેશે.
ગરમી દરમિયાન શું રાખશો કાળજી?
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હિટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ શહેરીજનોને બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. તડકામાં મોં, હાથ ઢાંકીને બહાર નીકળવુ, સૂતરાઉ કપડા પહેરવા અને વધુ માત્રામાં પ્રવાહી લેવુ એ પ્રકારની તમામ તકેદારી રાખવા મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: વડોદરામાં 5 દિવસથી RTOનુ સર્વર ઠપ્પ થઈ જતા દૂર દૂરથી આવતા અરજદાર રઝળ્યા – જુઓ Video