અમદાવાદની સિટી બસમાં મુસાફરી કરતા હો તો રહેજો સાવધાન, મુસાફરોને ટાર્ગેટ કરતી ચોર ગેંગ થઈ છે સક્રિય, પોલીસે બે મહિલાની કરી ધરપકડ
જો તમે અમદાવાદની AMTS અને BRTS બસમાં રોજ મુસાફરી કરતા હો તો સાવધાન રહેજો. આપની બાજુમાં ઉભેલી મહિલા ચોર ગેંગની સાગરીત પણ હોઈ શકે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આવી જ બે ચોર મહિલાની ધરપકડ કરી છે. જેમણે લોકો જેમ કામધંધે જતા હોય છે એવી જ રીતે ચોરીને જ ધંધો બનાવ્યો હતો.
છેલ્લા થોડા સમયથી અમદાવાદમાં AMTS અને BRTS બસમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી એક ગેંગ સક્રિય થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માહિતીના આધારે આ ગેંગની બે મહિલા સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ બંને મહિલાઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારી હકીકતો પણ સામે આવી છે.
બંને મહિલાઓ સવારે ઉઠી ચોરી કરવા નીકળી જતી
અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચોરીઓ થવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો હતો. શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પણ તાજેતરમાં બસમાંથી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે મહિલાની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના સરદારનગરમાં રહેતી રામેશ્વરી ગાયકવાડ તેમજ સોનલ ગાયકવાડની ધરપકડ કરી છે. પોલીસને આ બંને મહિલાઓ પાસેથી ₹50,000 રોકડા, 700 યુએસ ડોલર, પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે.
AMTS અને BRTS બસના મુસાફરોને બનાવતી પોતાનો ટાર્ગેટ
આ બંને મહિલાઓ દ્વારા શહેરની AMTS અને BRTS બસોમાં મુસાફરી કરતા પેસેન્જરને પોતાનો ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપી હતી. બંને મહિલાઓએ એકાદ મહિના પહેલા સવારના સમયે કાલુપુર BRTS બસ સ્ટેન્ડ પર ચોરી કરવા માટે પહોંચી હતી. જ્યાં એક ઉંમરલાયક બહેન મોટું પર્સ લટકાવી બસની રાહ જોઈને ઉભા હતા, તે દરમિયાન બીઆરટીએસ બસ આવી હતી જેમાં પેસેન્જર મહિલા સવારી કરવા ચડ્યા હતા. જેની પાછળ આ બંને મહિલાઓ બસમાં ચડી હતી. બસમાં ભીડ હોવાથી પેસેન્જર મહિલા બસમાં ઉભા ઉભા મુસાફરી કરતી હતી જેની પાછળ આ બંને મહિલાઓ પણ ઊભી હતી અને પેસેન્જર મહિલાના પર્સમાં નીચેથી બ્લેડ મારી ચોરીને અંજામ આપ્યો હતો. જેની ફરિયાદ સેટેલાઈટ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
બંને ચોર મહિલાઓનો ગુનાહિત ઈતિહાસ
પોલીસે પકડેલી મહિલા ચોર રામેશ્વરી ગાયકવાડ તેમજ સોનલ ગાયકવાડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ બંને મહિલાઓ અગાઉ પણ ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપી ચૂકી છે. જેમાંથી રામેશ્વરી ઉર્ફે છોટી વિરૂદ્ધ અગાઉ સેટેલાઈટ, નારણપુરા અને ચાંદખેડામાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જ્યારે સોનલ ગાયકવાડ વિરુદ્ધ અગાઉ કાલુપુર, સેટેલાઈટ, ઇસનપુર, ખાડિયા, રખિયાલ, કારંજ, કાગડાપીઠ, નારણપુરા, એલિસબ્રિજ, સરદારનગર સહિત અનેક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. મહત્વનું છે કે અગાઉ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ પ્રમાણે જ BRTS અને AMTS બસમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતા એક દંપતીની પણ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે વધુ એક વખત આ બંને મહિલાઓ પકડાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બંને મહિલાઓ દ્વારા આ સિવાય અન્ય કોઈ ચોરીઓ કે ગુનાઓ કરેલા છે કે કેમ તેને લઈને પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો: કથાકાર જયાકિશોરી શર્મામાંથી કેવી રીતે બન્યા કિશોરી, કોણ છે તેમના ગુરુ?