Ahmedabad: તાંત્રિક વિદ્યાના બહાને એકના ડબલ કરવાના નામે ઠગાઈ કરનાર ટોળકીની SOGએ ધરપકડ કરી
આરોપી પણ એક કા ડબલના અંધશ્રદ્ધામાં છેતરપીંડી નો ભોગ બન્યો હતો. જેથી પૈસા કમાવવા આરોપીએ જ એક કા ડબલનો ધધો શરૂ કર્યો.
અમદાવાદ (Ahmedabad) ના સરખેજમાં તાંત્રિક વિદ્યા (Tantric Vidya) ના બહાને એકના ડબલ કરવાના નામે ઠગાઈ કરનાર ટોળકી (fraudsters) ની SOGએ ધરપકડ કરી છે અને આરોપી પાસેથી ઠગાઈના રૂપિયા 9 લાખ જપ્ત કર્યા છે. જૂદી જૂદી વિધિઓના વીડિઓ બનાવીને લોકોને ટાર્ગેટ કરતો હતો. હાથથી વિદ્યા કરીને લીંબુ હવામાં ઉડાડીને એક કા ડબલ કરવાની લાલચ આપનાર ઠગ બાબા અને તેની ટોળકીનો પર્દાફાશ થયો. SOGએ કસ્ટડીમાં લીધેલા અનવર બાબા ઉર્ફે અનવર બાપુ ઠેબા, પરવેઝ અલી સૈયદ અને મજહર શેખ છે. જે જુદા જુદા વીડિઓ લોકોને બતાવીને અંધશ્રદ્ધા ફેલાવીને લોકો પાસેથી છેતરપીંડી કરતા હતા. લિંબુ હવામાં ઉડાડવું કે નારિયેળમાંથી મેથીના દાણા કાઢીને લોકોને વિશ્વાસ અપાવતા હતા. આ પ્રકારે એક યુવાનને ઘર ખરીદવું હતું અને એક કા ડબલની લાલચમાં આવીને આ ઠગ ટોળકીનો શિકાર બન્યો હતો. 11 લાખ રૂપિયા ઉછીના લઈને 22 લાખનું મકાન ખરીદવા આ ઠગ બાબા પાસે વિધિ કરવા પહોંચી ગયો હતો, પરંતુ ઠગ બાબા અને તેની ટોળકી પૈસા લઈને ફરાર થઇ ગઇ. SOG ક્રાઈમને બાતમી મળતા આ આરોપીની ધરપકડ કરી.
પકડાયેલા આરોપી અનવર બાબા સરખેજ લબેક પાર્કનો રહેવાસી છે. આરોપી પણ એક કા ડબલના અંધશ્રદ્ધામાં છેતરપીંડી નો ભોગ બન્યો હતો. જેથી પૈસા કમાવવા આરોપીએ જ એક કા ડબલનો ધધો શરૂ કર્યો. છેલ્લા 3 વર્ષથી આરોપી અને તેની ટોળકી નિર્દોષ લોકોને અંધશ્રદ્ધા ફેલાવીને વિશ્વાસ કેળવી ઠગાઈ કરે છે. આરોપી એક કા ડબલ માટે નોટો પર ટ્યૂબ લગાવીને સફેદ કાગળ બનાવીને લોકોને બતાવતો હતો અને શેમ્પુના પાણીમાં ડુબાડીને પૈસા બનાવીને રજૂ કરતો હતો. આ પ્રકારે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું પોલિસ તપાસમાં ખુલ્યું છે.
મહત્વનું છે કે આ ઠગ ટોળકીએ છેતરપીંડી કરીને લક્ઝ્યુરિસ ગાડી ખરીદ કરી છે અને આ ટોળકી તેમાં ફરતી હતી. હાલમાં SOGએ આરોપીની ધરપકડ કરીને આ ટોળકીએ અન્ય કેટલા ગુના આચાર્ય છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે. જ્યારે આ ઠગ ટોળકીનો ભોગ બનેલા લોકોને પણ પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી છે. પોલીસને શંકા છે કે આ ઠગ ટોળકીએ અન્ય લોકોને પણ શિકાર બન્યા હોઈ શકે છે.