અમદાવાદમાં ફરી એક વખત હુક્કાબાર ઝડપાયું, કાફેમાં 68 યુવક યુવતીઓ દમ મારતાં પકડાયાં
દરોડામાં ઝડપાયેલા અલગ અલગ ફ્લેવરના હુક્કા એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, જો તેમાં નિકોટીન મળી આવશે તો તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે છે.
અમદાવાદ (Ahmedabad) માં ફરી એક વખત હુક્કાબાર (Hookah bar) ઝડપાયું છે. ડિજી વિજિલન્સની ટીમે સેક્રિડ 9 કાફેમાં રેડ કરીને યુવક યુવતી સહિત 68 લોકોને ઝડપી પીડ્યા હતા. ડિજી વિજિલન્સએ કાફે (cafe) ના સંચાલક સહિત 4 વિરુદ્ધ જાણવાજોગ નોંધ કરી તેમની અટકાયત કરી છે, જ્યારે હુક્કાના સેમ્પલ એફ.એસ.એલ.મોકલી આપ્યા છે. કેવલ પટેલ, આશિષ પટેલ, ધ્રુવ ઠાકર અને કરણ પટેલ નામના ચાર શખસો યુવા પેઢીને હુક્કાના રવાડે ચઢાવી રહ્યા હોવાનું માલુમ પડ્યું છે. બોપલ એસ. પી. રિંગ રોડ પર આવેલા સેક્રિડ 9 કાફેમાં હુકકબાર ધમધમી રહ્યો હોવાની બાતમી ડિજી વિજિલન્સ સ્કોડને મળી હતી. જેથી ડિજી વિજિલન્સએ રાત્રે સેક્રિડ 9માં રેડ કરતા 60 યુવક અને 8 યુવતીઓ હુક્કા પીતા મળી આવી હતી. ડિજી વિજિલન્સએ 68 લોકોના નિવેદન લીધા છે. આ કાફેમાંથી જુદા જુદા ફ્લેવરના હુક્કા મળી આવ્યા છે. પોલીસે 13 હર્બલ ફ્લેવર અને 29 જેટલા હુક્કાઓ જપ્ત કર્યા છે.
પકડાયેલા હુક્કાબારના સંચાલકોમાંથી મુખ્ય કેવલ પટેલ અને આશિષ પટેલ છે. કેવલ પટેલે કાફે હુક્કાબાર માટે ભાડે આપ્યું હતું અને છેલ્લા 3 થી 4 માસથી આ હુકકબાર ચાલતું હતું. એટલું જ નહીં કેવલ પટેલની સેક્રિડ 9 નામથી કન્સ્ટ્રક્શનની સ્કીમ પણ બોપલમાં બની રહી છે. ત્યારે ડિજી વિજિલન્સ હુકકબારને લઈને જાણવા જોગ નોંધ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે હુક્કાબાર સંચાલકો દ્વારા હાઇકોર્ટમાં હર્બલ હુક્કાની પરમિશન માંગી હતી જેને લઈને હાઈકોર્ટે હજી કોઈ ચુકાદો આપ્યો નથી પરંતુ શહેરમાં હર્બલ હુક્કાબાર ચાલી રહ્યા છે ત્યારે નિકોટીન હુક્કાબાર મળી આવે તો તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે છે. જોકે દરોડામાં ઝડપાયેલા અલગ અલગ ફ્લેવરના હુક્કા એફએસએલમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
સેક્રિડ 9 હુક્કાબારમાં અગાઉ સ્થાનિક પોલીસે રેડ પાડી હતી જોકે તે સમયે તેમાં હર્બલ હુક્કા મળી આવતા પોલીસ દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારે ડિજી વિજિલન્સની ટીમે હુકકબારની સામગ્રી અને આરોપી સરખેજ પોલીસને સોંપ્યા છે. આ હર્બલ ફ્લેવરના હુક્કામાં કેફી પદાર્થ છે કે નહીં તે જાણવા 42 હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ FSLમાં મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.