અમદાવાદ : ક્રિકેટ પ્રેમીઓને આવકારવા રેલવે વિભાગ તૈયાર, સ્પેશ્યલ ટ્રેન સાથે સ્વાગત માટે કરાઈ તૈયારી
સ્પેશિયલ ટ્રેનના આયોજન સાથે ક્રિકેટ પ્રેમીઓને આવકારવા કાલુપુર રેલવે સ્ટેશન પર તૈયારી કરાઈ છે. અહીં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, ક્રિકેટ પ્રેમીઓને તમામ બાબતોથી અવગત કરવામાં આવ્યા છે. સ્વાગત માટે ગેટ બનાવવામાં આવ્યા છે, અલગ અલગ પ્રકારના સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

અમદાવાદ : આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ખરાખરીનો જંગ જોવા મળશે. મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાઇનલ મેચને લઈને સ્ટેડિયમ ફૂલ છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આવવાના હોવાથી રેલવે દ્વારા તેમના સ્વાગત માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્પેશિયલ ટ્રેનના આયોજન સાથે ક્રિકેટ પ્રેમીઓને આવકારવા કાલુપુર રેલવે સ્ટેશન પર તૈયારી કરાઈ છે. અહીં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, ક્રિકેટ પ્રેમીઓને તમામ બાબતોથી અવગત કરવામાં આવ્યા છે. સ્વાગત માટે ગેટ બનાવવામાં આવ્યા છે, અલગ અલગ પ્રકારના સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં ક્રિકેટ પ્રેમી ટ્રેનમાંથી ઉતરી સેલ્ફી લઈ શકે છે. ભીડને લઇને અવ્યવસ્થા ન થાય અને સુરક્ષાને ધ્યાને રાખીને RPF અને GRP જવાનોને ખડેપગે રખાયા છે. સાથે જ ડોગ સ્કવોર્ડ દ્વારા સ્ટેશન પર સમયાંતરે ચેકિંગ કરાઈ રહ્યુ છે. રેલવે કર્મચારીઓને પણ વ્યવસ્થામાં લગાવવામાં આવ્યા છે. જેથી કોઈ પણ રેલવે મુસાફરોને હાલાકી ન પડે.
ક્રિકેટ મેચને લઈને રેલવેનું સ્પેશ્યલ ટ્રેનનું આયોજન
વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈને સ્ટેડિયમ ફુલ છે. જેને લઈને રેલવેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આવે તેવી શકયતા છે. ક્રિકેટ પ્રેમી અને સામાન્ય મુસાફરને હાલાકી ન પડે તે માટે રેલવે વિભાગ દ્વારા સ્પેશ્યલ ટ્રેન દોડાવી રહ્યુ છે. મેચને લઈને કુલ 8 સ્પેશ્યલ ટ્રેન દોડવાનું આયોજન છે. આ 8 ટ્રેનમાં સાબરમતી રેલવે સ્ટેશન ખાતે 2 ટ્રેન પહોંચશે. જ્યારે કાલુપુર સ્ટેશન ખાતે 6 ટ્રેન પહોંચશે. કાલુપુર આવનાર તમામ 6 ટ્રેન મુંબઇથી આવશે. જ્યારે સાબરમતી આવનારી 2 ટ્રેન દિલ્હીથી આવશે. આ સ્પેશ્યલ ટ્રેનમાં ગઇકાલથી રેલવે સ્ટેશન પર ક્રિકેટ રસિકો આવવાના શરૂ થઈ ગયા છે.
ટ્રેનમાં આવ્યા બાદ રેલવે સ્ટેશનથી સ્ટેડિયમ પહોચવા માટે રિક્ષા, AMTS,BRTS અને મેટ્રો જેવા ટ્રાન્સપોર્ટેશનના વાહનોમાં સામાન્ય દિવસની સામે વધું ભીડ થઇ શકે તેમ છે. જેથી ક્રિકેટ પ્રેમીઓને હાલાકી ન પડે માટે AMTS અને BRTS દ્વારા વધુ બસો દોડાવાશે. મેટ્રો વિભાગ દ્વારા રાતે 1 વાગ્યા સુધી ટ્રેન દોડાવવાનું નક્કી કરાયુ છે. જેથી મેચમાં પહોંચવા સાથે પરત ઘરે જવા સુધી ક્રિકેટ પ્રેમીઓને ટ્રાન્સપોર્ટેશનના વાહનો મળી રહે અને અગવડતા ન પડે.