Ahmedabad Plane Crash : કેમ DNA ટેસ્ટના પરિણામમાં થઈ રહ્યો છે વિલંબ ? FSLના ડિરેક્ટરે જણાવી સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા, જાણો કેટલા કલાકની કેટલી પ્રક્રિયા
FSL ખાતે ડીએનએ સેમ્પલિંગ થી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત 24 કલાક ચાલુ છે તેવું FSL ડિરેક્ટર એચ.પી. સંઘવી દ્વારા જનવવમાં આવ્યું સાથે તેમણે એ પણ જણાવ્યું કે, આ રિપોર્ટમાં વિલાભ થવાનું કારણ શું તેના અંગે પણ સમગ્ર પ્રક્રિયા જણાવી હતી.

FSLના ડિરેક્ટર એચ.પી. સંઘવીએ અમદાવાદ ખાતેની વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોના DNA સેમ્પલિંગથી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત 24 કલાક કરવામાં આવી રહી છે.
સંઘવીએ DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા વિશે માહિતી આપતા કહ્યું હતું કે, DNAના સેમ્પલ મેળવવાની મુખ્યત્વે બે પદ્ધતિ છે. એક પદ્ધતિમાં ફ્રેશ બ્લડમાંથી સેમ્પલ લેવામાં આવે છે, જે જટિલ પ્રક્રિયા નથી. જ્યારે બીજી પદ્ધતિમાં મૃતકના અવશેષોમાંથી સેમ્પલ લેવામાં આવે છે, જે જટિલ અને વધુ ચોકસાઈ માંગી લે તેવી પ્રક્રિયા છે. મૃતકના અવશેષમાંથી લીધેલ સેમ્પલને ચીવટતાથી સાફ કરવામાં આવે છે જેથી સેમ્પલમાં કોઈ બાહ્ય અશુદ્ધિઓ ન રહે.
તેમણે ઉમેર્યું કે, DNA આઇસોલેશન અને એક્સ્ટ્રેશનની પ્રક્રિયામાં જો હાડકાનું સેમ્પલ હોય તો તેનો પાવડર કરવામાં આવે છે અને જો સેમ્પલમાં દાંત હોય તો તેના નાના નાના ટુકડાઓ કર્યા બાદ પાવડર કરવામાં આવે છે. ત્યારબાદ ખાસ મશીનમાં ચોક્કસ તાપમાને DNA આઇસોલેટ કરવામાં આવે છે.
એકથી વધુ નકલો તૈયાર કરવામાં આવે
આ આઇસોલેટ DNAની RTPCR મશીનમાં કોન્ટીટી અને ક્વોલિટી તપાસવામાં આવે છે. ત્યારબાદ જો DNA યોગ્ય જણાય તો જ તેની એકથી વધુ નકલો તૈયાર કરવામાં આવે છે. જેમાંથી DNA ની બંને સ્ટ્રેનને અલગ અલગ કરવામાં આવે છે. આ સ્ટ્રેનને સિક્વન્સીયર મશીન પર ચલાવવામાં આવે છે અને ત્યારબાદ DNAની પ્રોફાઈલ પ્રાપ્ત થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ જટિલ તથા સમય માંગી લે તેવી છે.
પિતા-પુત્રના કિસ્સામાં ખાતરી કરવા માટે ‘Y’ ક્રોમોઝોમનું ટેસ્ટિંગ
તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા બાદ પણ જો પૂરતી માત્રામાં DNAના એલિલ ન મળ્યા હોય તો સમગ્ર પ્રક્રિયા પુનઃ કરવામાં આવે છે. આ રીતે પ્રાપ્ત થયેલ DNAના એલિલને(Allele) મૃતકોના પરિવારજનોના DNAના એલિલ(Allele) સાથે સરખાવવામાં આવે છે અને જો 23 DNA એલિલ(Allele) મેચ થાય ત્યારે જ મૃતક અને તેના પરિવારજનની સાચી ઓળખ થાય છે. જ્યારે પિતા-પુત્રના કિસ્સામાં ખાતરી કરવા માટે ‘Y’ ક્રોમોઝોમનું ટેસ્ટિંગ કરવામાં આવે છે.
સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા જટિલ અને સમય માંગી લે તેવી છે. FSL દ્વારા DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા વધુ ચોકસાઈપૂર્વક કરી ખૂબ જ ટૂંકા ગાળામાં મોટા ભાગના મૃતકોની તેમના પરિવારજનો સાથેની ઓળખ પ્રસ્થાપિત કરી દેવામાં આવી છે.
