Ahmedabad: બાપુનગરમાં બંદુકની અણીએ રુ. 20 લાખની લૂંટ, લૂંટારો જાણભેદુ હોવાની પોલીસને આશંકા
અમદાવાદના (Ahmedabad) બાપુનગરના હીરા બજારમાં આવેલા ખોડીયાર ચેમ્બરમાં આર અશોક નામની આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 20 લાખની લૂંટ કરીને લૂંટારા ફરાર થઈ ગયા હતા. બંદુકની અણીએ હવામાં ફાયરીંગ કરીને લૂંટને અંજામ આપ્યો.

અમદાવાદમાં ફરી એક વાર લૂંટ વીથ ફાયરિંગની ઘટના સામે આવી છે. બાપુનગર વિસ્તારમાં હવામા ફાયરીંગ કરીને આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 20 લાખની લૂંટ કરી બે લૂંટારા ફરાર થઈ ગયા હતા. જે પછી બાપુનગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની શોધખોળ શરુ કરી છે. આ લૂંટારાઓએ ફિલ્મી સ્ટાઈલમા લૂંટ કરીને ફાયરીંગ કર્યુ હતુ. ત્યારે લૂંટારુઓએ આ સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો એ અમે તમને જણાવીશું.
બંદુકની અણીએ 20 લાખ રુપિયાની લૂંટ
બાપુનગરના હીરા બજારમાં આવેલા ખોડીયાર ચેમ્બરમાં આર અશોક નામની આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 20 લાખની લૂંટ કરીને લૂંટારા ફરાર થઈ ગયા હતા. બંદુકની અણીએ હવામાં ફાયરીંગ કરીને લૂંટને અંજામ આપ્યો. આજે સવારે આર અશોક આંગડીયા પેઢીનો કર્મચારી નિકોલથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને બાપુનગર ખાતે આવેલી ઓફિસમાં આવ્યો હતો. કર્મચારી સીડીઓ ચઢીને ઓફિસ જાય તે પહેલા બે લૂંટારાએ બંદૂકની અણીએ રૂપિયા 20 લાખ ભરેલા બેગની લૂંટ કરી. કર્મચારીએ બુમાબુમ કરતા આરોપીએ હવામાં ફાયરીંગ કરીને નાસી ગયા હતા.
લૂંટારો જાણભેદુ હોવાની શંકા
લૂંટ અને ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ બાપુનગર પોલીસ તેમજ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા. જ્યા તેમણે કર્મચારીની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. જેમાં કર્મચારી પણ શંકાના દાયરામાં છે. કારણ કે તેની પાસે વીસ લાખ રૂપિયા છે તેની જાણ લૂંટારૂઓને કેવી રીતે હોઈ શકે છે. જેથી કર્મચારી તેના ઘરેથી નીકળ્યો અને નિકોલથી રૂપિયા લઈને ઓફિસ સુધી પહોંચ્યો તેના સીસીટીવી ફુટેજની પોલીસે તપાસ શરૂ કરી છે. આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની શક્યતાને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ તેજ કરી છે.
બાપુનગરમાં હીરા બજારમાં ખુલ્લેઆમ બંદુકની અણીએ લૂંટની ઘટનાથી આંગડીયા પેઢીના સંચાલકોમાં ભય ફેલાયો છે. હાલમાં તો પોલીસે લૂંટની ઘટનાને લઈને ફરિયાદની ઉલટ તપાસ કરીને સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી. પરંતુ અગાઉ પણ બાપુનગરના હીરા બજારમાં આ રીતે ધોળા દિવસે લૂંટનો બનાવ બની ચુક્યો છે. જેને લઈ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા.