Cyclone Biparjoy: વાવાઝોડા સામે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ, રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરાઈ
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ બિપરજોય ચક્રવાતમાં સર્જાનાર સંભવિત પરિસ્થિતિ સામે સાવચેતી અને સલામતીના ભાગરૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Cyclone Biparjoy : રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાવચેતીના ભાગરૂપે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ બિપરજોય ચક્રવાતમાં સર્જાનાર સંભવિત પરિસ્થિતિ સામે સાવચેતી અને સલામતીના ભાગરૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ આકસ્મિક સંજોગોમાં નાગરિકોને સહાય અને માર્ગદર્શન માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેન્ટર અંતર્ગત તાલુકાઓ સહિત કન્ટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્તરે રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરીને તેઓને એલર્ટ રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગના પૂર્વ અનુમાન મુજબ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોના મૂલ્યાંકનની કામગીરી હાલમાં કાર્યરત છે. આ ઉપરાંત, વીજ પુરવઠો ખોરવાય, પાણીની અછત જેવી ઊભી થનારી સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા આગોતરી વ્યવસ્થા કરવા માટે સૂચના આપવા સંબંધિત કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
પ્રસૂતિની સંભાવના ધરાવતી સગર્ભાઓ માટે વિશેષ વ્યવસ્થા
જિલ્લામાં ચક્રવાત સમયગાળા દરમિયાન પ્રસૂતિની સંભાવના ધરાવતી સગર્ભા માતાઓનું ટ્રેકિંગ કરવામાં આવ્યું છે અને તેઓને સ્થાનિક આરોગ્ય ટીમ દ્વારા સુરક્ષિત હોસ્પિટલમાં દાખલ કરવાનું શરૂ કરાયું છે. અત્યાર સુધી 51 સગર્ભા માતાઓની ડિલિવરી કરવામાં આવી અને 20 માતાઓ હોસ્પિટલમાં દાખલ છે.
ચક્રવાત બાદ સંભવિત ચેપી રોગની પરિસ્થિતિને પહોંચી વળવા યોગ્ય વ્યવસ્થા કરાઈ
જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પશુપાલન વિભાગ અને તલાટીઓ સાથે યોગ્ય સંકલન કરી આવનાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને સાવચેતીના યોગ્ય પગલાં લેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. ચક્રવાત અને વરસાદ બાદ સંભવિત ચેપી રોગની પરિસ્થિતિને પહોંચી વળવા રોગચાળા વિરોધી દવાઓ જિલ્લાના દરેક આરોગ્ય કેન્દ્ર પર ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ચેપી રોગો અને આરોગ્ય સંબંધિત કામગીરી માટે મેડિકલ ઓફિસર અને આરોગ્યના કર્મચારીઓને જરૂરી તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લાની ચાર મેડિકલ ટીમને રાજકોટ RDD ખાતે ડેપ્યુટેશનમાં મોકલવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો