Ahmedabad: શાહીબાગમાં પોલીસ પર જીવલેણ હુમલો, પેરોલ જમ્પ કરેલા આરોપીને પકડવા ગયેલા પોલીસ પર 10 થી વધુ લોકોએ કર્યો પથ્થરમારો
Ahmedabad: શહેરમાં એક બાદ એક પોલીસ પર હુમલાની ઘટના સામે આવી રહી છે. રખિયાલ બાદ હવે શાહીબાગમાં પણ આરોપીઓ પર હુમલો કરવાની ઘટના બની છે. પોલીસની જ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી પેરોલ જંપ કર્યો હતો અને તેને પકડવા જતા આરોપીના પરિવારજનોએ પોલીસ પર હુમલો કર્યો હતો.
અમદાવાદમાં ફરી એક વખત પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. રખિયાલ બાદ શાહીબાગ પોલીસ પર પણ આરોપીઓ દ્વારા હુમલો કરવાની ઘટના બની છે. પોલીસની હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી પેરોલ જંપ કર્યો હતો અને પોલીસ તેને પકડવા જતાં આરોપીના પરિવારજનોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જોકે પોલીસે રયોટિંગ અને હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
થોડા દિવસ પહેલા રખિયાલ વિસ્તારમાં નોંધાયેલી એક ફરિયાદમાં પોલીસની ટીમ કુખ્યાત આરોપીના ઘરે તેને પકડવા ગઈ હતી ત્યાં અન્ય ગેંગના લોકો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત આવી જ ઘટના શાહીબાગ વિસ્તારમાં બની છે.
આરોપીને પકડવા ગયેલી પોલીસ પર 10 થી વધુ લોકોએ કર્યો પથ્થરમારો
શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી મોતીભાઈ લલ્લુભાઈની ચાલીમાં ગત મોડી રાત્રે પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં પોલીસ કોન્સટેબલ ભૂપેન્દ્ર ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહત્વનું છે કે શાહીબાગ પોલીસ પેરોલ જંપ થયેલા આરોપ જિજ્ઞેશ ઉર્ફે પકલો પટણીને પકડવા ગઈ હતી. તે સમયે ચાલીના 10 થી વધુ લોકો ભેગા મળીને પોલીસ પર પથ્થરમારો કરી આરોપી જિગ્નેશને છોડાવવા માટે પોલીસ પર હુમલો કર્યો હતો.
પથ્થરમારામાં એક પોલીસકર્મી ઘાયલ અન્ય બે ને સામાન્ય ઈજા
હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો તો અન્ય બે ત્રણ પોલીસકર્મીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે શાહીબાગ પોલીસે હુમલો કરનારા 11 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ફરજમાં રૃકાવટ અને આરોપીને ભગાડી જવા અંગેની કલમો હેઠળ ગુનો નોંધીને પાંચ મહિલા સહિત કુલ 8 આરોપીની ધરપકડ કરી છે.
પેરોલ જમ્પ કરેલા આરોપીને પકડવા ગઈ હતી પોલીસ
મુખ્ય આરોપી જિગ્નેશ ઉર્ફે પકલો અગાઉ મહિલા પોલીસ મથકના પોલીસકર્મીની હત્યાના ગુનામાં જેલમાં હતો અને 17 ફેબ્રુઆરીએ 10 દિવસના વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો. જેને 27 ફેબ્રુઆરીએ જેલમાં હાજર થવાનું હોવા છતાં હાજર ના થતા પોલીસ તેને ગઈકાલે પકડવા માટે ગઈ હતી જ્યાં પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અગાઉ પણ પોલીસ દ્વારા 2 વખત બાતમીના આધારે પકડવા પહોચી હતી પણ આરોપી ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad: લાયબ્રેરીના માલિક દ્વારા અપમાનિત કરાતા વૃદ્ધને લાગી આવ્યુ, 9માં માળેથી પડતુ મુકી કર્યો આપઘાત
હાલતો પોલીસની હત્યાના પ્રયાસના ગુનામાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ લોકો આ હુમલામાં સામેલ હતા કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આરોપીઓના ઘરે પણ તપાસ કરી કોઈ ઘાતક હથિયાર રાખવામાં આવ્યા છે કે કેમ તેની પણ તપાસ કરશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો