એક તરફ શાળા અને કોલેજો (college) માં નવા સત્રની શરૂઆત થતા વિદ્યાર્થીઓ (students) નો અભ્યાસ શરૂ થયો છે. ત્યાં જ બીજી તરફ અમદાવાદ (Ahmedabad) શહેરની બે કોલેજના સંચાલકોએ કોલેજ બંધ કરવાની અરજી યુનિવર્સીટીમાં કરતા વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્ન સર્જાયો છે. આ વાત છે શહેરના પાલડી વિસ્તારમાં આવેલ 50 વર્ષ જૂની પ્રભુદાસ ઠક્કર કોલેજની. જે કોલેજના ટ્રસ્ટી દ્વારા ગુજરાત યુનિવર્સીટીને કોલેજ બંધ કરવા અરજી લખાઈ છે. જે અરજીમાં સ્ટાફની અછત અને નહિવત ફળવાતી ગ્રાન્ટ સામે વધુ ખર્ચના કારણે થતા નુકસાનનું કારણ દર્શાવાયું છે. જે અરજીની માહિતી કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓને મળતા કોલેજ ટ્રસ્ટી સામે નારાજગી વ્યાપી છે. જેથી કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ શરૂ રાખવા માંગ ઉઠી છે. કેમ કે તમામનું જણાવવાનું હતું કે આ કોલેજ ગ્રાન્ટેડ કોલેજ હોવાથી ફી ખૂબ ઓછી હોવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોલેજ પરવડે છે. જેના કારણે કોલેજ શરૂ રહેવી જોઈએ.
મળતી માહિતી પ્રમાણે પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ કોમર્સ કોલેજમાં પહેલા 3 હજાર વિદ્યાર્થી ભણતા હતા. તો 10 વર્ષ પહેલાં ટ્રસ્ટી દ્વારા આર્ટસ વિભાગ બંધ કરી દીધા હોવાનું પણ સામે આવ્યું છે અને હાલ તે કોલેજમાં 300 આસપાસ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તો કોલેજ બંધ કરવાની ફિરાકમાં નવા એડમિશન પણ બંધ કરી દેવાયા છે. જેને જોતા તે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને સ્ટાફ મૂંઝવણમાં મુકાયા છે.
નારાજ સ્ટાફે કોલેજ બંધ થવાના ટ્રસ્ટીના કારણ સિવાય અન્ય કારણ પણ દર્શાવ્યા. જેમાં એક કારણ કોલેજ રિવર ફ્રન્ટ નજીક હોવાથી જમીનના ભાવ આસમાને જતા કોલેજ બંધ કરી આર્થિક લાભ મેળવવાનું કારણ સ્ટાફે જણાવ્યું. તેમજ સ્ટાફની ઘટ સામે પોતાના ખર્ચે વિઝીટિંગ ફેકલ્ટી બોલાવી અભ્યાસ શરુ રાખી સંસ્થાનું નુકશાન થતા ઓછું કર્યાનું પણ સ્ટાફે નિવેદન આપ્યું. તો વિધાર્થીઓએ કોલેજ શરૂ રાખવા માંગ કરી છે.
તો તરફ સાબરમતી કોલેજ દ્વારા પણ ગુજરાત યુનિવર્સીટીને કોલેજ બંધ કરવા અરજી કરાઈ છે. જે અરજીમાં સ્ટાફની અછત અને ઓછી ગ્રાન્ટનું કારણ દર્શાવાયું છે. જે કોલેજ પણ 55 વર્ષ જૂની છે અને ત્યાં પણ 800 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે. એટલું જ નહીં પણ એ સિવાય સહજાનંદ કોલેજમાં 12 પ્રોફેસરની ઘટ હોવાથી પ્રથમ વર્ષ આર્ટ્સ, કોમર્સમાં ગુજરાતી, અંગ્રેજી વિષય બંધ કરવા અરજી કરી છે. તેમજ સહજાનંદ આર્ટ્સ-કોમર્સ કોલેજે ગુજરાતી-અંગ્રેજી અને એચ કે કોલેજે ઈતિહાસ અને સામાજિક વિજ્ઞાન વિષય બંધ કરવા યુનિવર્સિટીને અરજી કરી છે. જે બને કોલેજમાં 1300 ઉપર વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જેમના ભાવિ સામે પ્રશ્ન સર્જાયો છે.
ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ સમાજના તમામ વર્ગોને રાહત દરે અને ઉત્તમ શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષો પહેલા દાતાઓ દ્વારા જમીનો દાનમાં આપીને ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જેને સરકાર દ્વારા ગ્રાન્ટ અપાય છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનો ઓછીમા સારો અભ્યાસ મેળવી શકે. અને જો આ કોલેજ બંધ થયા તો અન્ય કોલેજમાં વધુ ફી ચૂકવવી પડે. જે આ મોંઘવારીના સમયે લોકોને પોસાય તેમ નથી. ત્યારે હાલમાં ગુજરાત યુનિવર્સીટીને મળેલી અરજી પર શુ નિર્ણય લેવાય છે તેના પર તમામ લોકોની નજર છે.
જોકે ગુજરાત યુનિવર્સીટી માંથી મળતી માહિતી પ્રમાણે કોલેજ શરૂ રહેવાની વાત છે. પણ જો કોલેજ શરૂ રખાય તો શું સ્ટાફ અને કોલેજને મળતી ગ્રાન્ટ વધારાશે કે પછી ઓછા સ્ટાફ અને ઓછી ગ્રાન્ટ સાથે જ કોલેજે કામ ચલાવવું પડશે. જેને લઈને પણ અસમંજસ છે. જે દૂર થવું જરૂરી છે. જેથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય નહિ.
Published On - 2:11 pm, Thu, 7 July 22