Ahmedabad: સોલામાં વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કરીને રૂ. 35 હજારની લૂંટ, બે આરોપી પકડાયા
આરોપી ધવલ ચુડાસમા બેકાર છે જ્યારે ઋતુરાજસિંહ આઇટીઆઈ કરેલ છે. આ આરોપીઓ અને અન્ય લૂંટારાઓની એક્સપ્રેસ હાઇવે પર બેઠક છે. સિગારેટ પીવા અને મોજશોખ કરવા એક્સપ્રેસ હાઇવે પર મળતા હોય છે અને બાઈક પર લોન્ગ ડ્રાઈવમાં નીકળતા હોય છે.
અમદાવાદ (Ahmedabad) ના સોલામાં વેપારી (businessman) નું ફિલ્મી ઢબે અપહરણ કરીને લૂંટ (Robbery) ને અંજામ આપવાની ઘટના બની છે. અકસ્માતના બહાને પાંચ લૂંટારાઓએ વેપારીને અપહરણ કર્યું અને છરીની અણીએ રૂપિયા 35 હજારની લૂંટ કરી હતી. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જેને પકડી પાડ્યા છે તે બંને આરોપી ધવલ ચુડાસમા અને ઋતુરાજસિંહ જાડેજા છે. જેમણે સોલા વિસ્તારમાંથી વેપારીનું અપહરણ કરીને લૂંટ કરી હતી. ઘટના એવી છે કે ગોવા સી સી આર સોલ્યુશનની કંપની ધરાવતા મિલિંદભાઈ હલદનકર નડિયાદથી કાર લઈને પોતાના ઘરે અડાલજ જઇ રહ્યા હતા, ત્યારે શીલજ નજીક ધવલ ચુડાસમા, ઋતુરાજસિંહ અને તેના અન્ય 3 મિત્રો બાઈક અને એકટીવા પર આવ્યા હતી. આ આરોપીઓએ વેપારીની કારને અડફેટે લઈને બાઈક તેમની ગાડી આગળ ઉભી રાખી દીધી હતી અને તેમને લાફા મારીને ગાડીની ચાવી લઈને વેપારીની કારમાં છરીની અણીએ અપહરણ કર્યું હતું.
વેપારીને પાછળની સીટ પર બેસાડીને ખિસ્સામાંથી રૂપિયા 35 હજાર પડાવી લીધા હતા અને ત્યાર બાદ ATM માંથી પૈસા ઉપાડવા વેપારીને CTM તરફ લઈ ગયા હતા, પરંતુ ગાડી બંધ થઈ જતા વેપારી પાછળની સીટ પર બેઠેલા લૂંટારાને ઈંડાની ટ્રે મારીને કારમાંથી નાસી છૂટ્યા હતા. વેપારીએ બુમાબુમ કરતાં લોકોનું ટોળું એકઠું થઈ જતાં વેપારી બચી ગયા હતા. આ ઘટનાને લઈને સોલા પોલીસે લૂંટ અને અપહરણનો ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી છે.
આરોપી ધવલ ચુડાસમા બેકાર છે જ્યારે ઋતુરાજસિંહ આઇટીઆઈ કરેલ છે. આ આરોપીઓ અને અન્ય લૂંટારાઓની એક્સપ્રેસ હાઇવે પર બેઠક છે. સિગારેટ પીવા અને મોજશોખ કરવા એક્સપ્રેસ હાઇવે પર મળતા હોય છે અને બાઈક પર લોન્ગ ડ્રાઈવમાં નીકળતા હોય છે. આ લૂંટનો માસ્ટર માઈન્ડ મદ્રાસી નામનો એક યુવક છે. જે આ ટોળકીને શીલજ લઈ ગયો અને વેપારીનું અપહરણનું ષડ્યંત્ર પણ રચ્યું હતું. પકડાયેલા આરોપીમાં ધવલ ચુડાસમા અગાઉ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો છે. આ ટોળકીએ અન્ય કોઈ લૂંટને અજામ આપ્યો છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરાઈ છે.
પકડાયેલા બંને આરોપીઓને સોલા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. આ ઉપરાંત આ લૂંટ અને અપહરણ કેસમાં મુખ્ય સૂત્રધાર મદ્રાસી અને તેના ફરાર સાગરીતોને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.