Ahmedabad: વરસાદના કારણે મંગળવારે રાત્રે એક ક્રેન રેલવેની ઇલેક્ટ્રિક લાઇન પર પડતાં 12 જેટલી ટ્રેન પ્રભાવિત
રેલવે વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા વીજ સપ્લાઈ બંધ કરી ટ્રેનોનું સંચાલન રાતે 8 વાગ્યાથી અટકાવી દેવાયું હતું.
મંગળવારે રાત્રે પડેલા સામાન્ય વરસાદમાં અમદાવાદ (Ahmedabad) માં વટવા રેલવે લાઈન (railway line) ની બાજુમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન વરસાદ (Rain) ના કારણે જમીન પોચી પડતા એક ક્રેન એક તરફ નમી રેલવે ટ્રેકની ઉપરથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈન પર પડતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામાં વાયરને કોઈ નુકસાન થયું ન હતું. પણ રેલવે વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા વીજ સપ્લાઈ બંધ કરી ટ્રેનોનું સંચાલન રાતે 8 વાગ્યાથી અટકાવી દેવાયું હતું. જેના પગલે અમદાવાદ આવતી-જતી 12થી વધુ ટ્રેનોને જે તે સ્ટેશને અટકાવી દેતા રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો. જે બાદ પરિસ્થિતિ થાળે પડતા એ જ રાત્રે 10.45 કલાકે ટ્રેનોનું પુન: સંચાલન શરૂ કરાયું હતું.
અસરગ્રસ્ત ટ્રેનો
- સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
- ભગત કી કોઠી પુણે એક્સપ્રેસ
- સૌરાષ્ટ્ર મેલ
- લોકશક્તિ એક્સપ્રેસ
- નવજીવન એક્સપ્રેસ
- અરવલ્લી એક્સપ્રેસ
- ગુજરાત મેલ
- ડબલ ડેકર એક્સપ્રેસ
- તેજસ એક્સપ્રેસ
- સયાજીનગરી એક્સપ્રેસ
- જનશતાબ્દી એક્સપ્રેસ
- જામનગર એક્સપ્રેસ વગેરે.
આ અગાઉ વડોદરા પાસે પણ ટ્રેનના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. રણોલી પાસે મોડી રાત્રે રેલવે ફાટકમાંથી પસાર થતી વખતે મહાકાય ક્રેન ટ્રેક પર બંધ પડી જતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ક્રેનને હટાવવાની કામગીરીમાં 2.30 કલાકનો સમય જતા આ સમયગાળા દરમિયાન 11 ટ્રેનો 10 મિનિટથી બે કલાક મોડી પડી હતી.
રણોલી ફાટક પરથી એક ક્રેન પસાર થઇ રહી હતી અને ક્રેન રેલવે ટ્રેક પર પહોંચી તે સમયે જ ક્રેનમાં ખામી સર્જાતા બંધ પડી ગઇ હતી. આ ઘટના સંબંધે રેલવે તંત્રનું કહેવુ છે કે રાત્રે રેલવે કન્ટ્રોલ રૃમને આ ઘટનાની જાણ થઇ હતી અને તુરંત અધિકારીઓ સાથે ટેકનિકલ ટીમ રવાના કરવામાં આવી હતી.
અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ જે બાદ જેસીબી મશીન અને રેલવે ટેકનિકલ સપોર્ટ ટ્રેનને ઘટના સ્થળે રવાના કરાઇ હતી અને ક્રેન હટાવવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી અને ક્રેનને ટ્રેક પરથી હટાવીને ફાટક બહાર સાઇડ પર મુકી દેવામાં આવી હતી. આ ઘટનાના પગલે દિલ્હી અમદાવાદથી મુંબઇ તરફ જતી 6ટ્રેન અને મુંબઇથી દિલ્હી અમદાવાદ તરફ જતી પાંચ ટ્રેન મળીને 11 ટ્રેનો મોડી પડી હતી.