Ahmedabad: નૂપુર શર્માને સમર્થન કરતો ફોટો 3 મિનિટ માટે સ્ટેટસમાં મૂકનાર વકીલને મળી ધમકી
આરોપી કોણ છે, કેમ આ ધમકી આપી તે બાબત પર પોલીસ આરોપીની પુછપરછ કરશે. બીજી બાજુ વકીલ કૃપાલને ધમકી મળતા પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું છે.
નૂપુર શર્મા (Nupur Sharma) ને સમર્થન કરતો ફોટો 3 મિનિટ માટે સ્ટેટસમાં મૂકનાર વકીલને ધમકી મળી છે. ધમકી મલ્યા બાદ ડર લાગતા વકીલે આ અંગે અમદાવાદ (Ahmedabad) ના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસ (Police) આરોપી સુધી પહોંચી ગઈ છે. ધમકી આપનાર કચ્છના શખ્સને પોલીસે રાઉન્ડ અપ કરી દીધો છે. સાબરમતી વિસ્તારમાં રહેતા કૃપાલ રાવલ હાઇકોર્ટમાં વકીલાત કરે છે. તેઓએ 13 જૂને બપોરે વોટ્સએપ સ્ટેટસમાં નૂપુર શર્માના સમર્થનમાં ફોટો મૂક્યો હતો. જોકે તેના કારણે કોઈની લાગણી દુભાષે તેવું વિચારી થોડી જ મિનિટમાં ડિલિટ કરી દીધો હતો. જોકે ફોટો ડિલિટ કર્યાના 2 કલાક બાદ કૃપાલભાઈને મેસેજ આવ્યો હતો કે, ‘તું કિસ હિસાબ સે નૂપુર કો સપોર્ટ કર રહા હૈ, જવાબ દૈ’ આથી કૃપાલભાઈએ તે નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ થોડીવારમાં અજણીયા નબરથી કૃપાલને ફોન આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
કૃપાલ રાવલને એવું પણ જાણવા મળ્યું કે લંડનથી સાફિન ગેના નામની વ્યક્તિએ કૃપાલના સ્ટેટસનો સ્ક્રીનશોટ કેટલાક ગ્રૂપમાં શેર કર્યો હતો. જેના આધારે પોલીસે તપાસ કરતા ધમકી આપનાર અન્ય કોઈ નહિ પણ ગુજરાતમાં કચ્છનો એક વ્યક્તિ હોવાનું સામે આવતાં કચ્છ પોલીસનો સંપર્ક કરી સાબરમતી પોલીસે ટિમો રવાના કરી આરોપીને લાવવા તજવીજ હાથ ધરી છે.. આરોપી કોણ છે, કેમ આ ધમકી આપી તે બાબત પર પોલીસ આરોપીની પુછપરછ કરશે. બીજી બાજુ વકીલ કૃપાલને ધમકી મળતા પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું છે.
બીજી બાજુ ઉદયપુરમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર કનૈયાલાલની હત્યા કેસમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદનું કોઈ કનેક્શન છે કે નહીં તેની તપાસ ગુજરાત ATS દ્વારા કરાઈ રહી છે. આ બાબતે ગુજરાત એટીએસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રોફેટ પર ટિપ્પણી શેર કરવાને લઈને ઉદયપુરમાં દરજીની હત્યામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા ચાલી રહેલી તપાસમાં એક વોટ્સએપ ગ્રુપની હાજરી બહાર આવી છે જેમાં આરોપી અને હત્યારાઓ સહિત ઘણા લોકો સામેલ હતાં. આ વોટ્સઓપ ગ્રુપમાં અમદાવાદના કેટલાક વ્યક્તિઓ હોવાની શંકાને આધારે ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અમદાવાદના કેટલાક વ્યક્તિઓની તપાસ કરી રહી છે.