Surat : અમરનાથ યાત્રાઃ સુરતીઓનો ઉત્સાહ સાતમા આસમાને, છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ નાગરિકોનું રજીસ્ટ્રેશન
સિવિલ હોસ્પિટલમાં રોજીંદા 10થી 15 નાગરિકો ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે પહોંચી રહ્યા છે. જેઓનું અલગ - અલગ તબક્કામાં શારીરિક સ્વાસ્થ્યનું પરીક્ષણ કર્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
દેવાધિદેવ મહાદેવના સ્વયંભૂ શિવલિંગના દર્શનનો લ્હાવો લેવા માટે સુરતીઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે. સુરત (Surat) ની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે અત્યાર સુધી ત્રણ હજારથી વધુ નાગરિકો પહોંચ્યા છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે આંકડો દર્શાવે છે. જોકે આંકડો હજી વધીને પાંચ હજાર સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ નજરે પડી રહી છે. સિવિલ હોસ્પિટલમાં રોજીંદા 10થી 15 નાગરિકો ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે પહોંચી રહ્યા છે. જેઓનું અલગ – અલગ તબક્કામાં શારીરિક સ્વાસ્થ્યનું પરીક્ષણ કર્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 3 હજારથી વધુ ફિટનેસ સર્ટિ. ઈશ્યુ કરાયા
સિવિલ હોસ્પિટલના ડોક્ટર ઓમકાર ચૌધરીના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં પહેલી વખત ફિટનેસ સર્ટિફિકેટ લેનારા શહેરીજનોનો આંકડો 3 હજારની ઉપર પહોંચ્યોછે. 2018માં સૌથી વધુ 2883 લોકોએ ફિટનેસ સર્ટિફિકેટ લીધું હતું. જો કે, હજી અમરનાથ યાત્રાને 40 દિવસ કરતાં વધુ સમય હોવાને કારણે રજીસ્ટ્રેશનનો આંકડો પાંચ હજાર સુધી પણ પહોંચી શકે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ સિવિલ હોસ્પિટલમાં રોજીંદા 10થી 15 નાગરિકો ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે પહોંચી રહ્યા છે. જેઓનું અલગ – અલગ તબક્કામાં શારીરિક સ્વાસ્થ્યનું પરીક્ષણ કર્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
અમરનાથ યાત્રા કોરોનાને પગલે બે વર્ષ રદ્દ રહી હતી
હિન્દુ ધર્મમાં આસ્થાના કેન્દ્ર ભોળાનાથની અમરનાથ યાત્રા માટે દેશ – વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. જો કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને પગલે કેન્દ્ર સરકાર દ્વારા અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે મોટી સંખ્યામાં યાત્રાળુઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. આ વર્ષે રાબેતા મુજબ યાત્રાનો પ્રારંભ થતાં પહેલા જ દિવસથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શનાર્થે પહોંચી રહ્યા છે.
સર્ટિ. માટે ઈસીજી સહિતના ટેસ્ટ
સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રા માટે અત્યંત આવશ્યક એવા ફિટનેસ સર્ટિફિકેટ માટે નાગરિકોના ઈસીજી – બ્લડ પ્રેશર અને પલ્સ સહિતના ટેસ્ટ કરવામાં આવતાં હોય છે. જો કે, 45 વર્ષથી નાની ઉંમર ધરાવતાં વ્યક્તિઓને હાલના તબક્કે ઈસીજીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય જે નાગરિકોનો ઈસીજી રિપોર્ટ નોર્મલ આવે તો તેઓનું અન્ય પરીક્ષણ કરવાને બદલે ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
જયપુર ઘટના બાદ ચુસ્ત બંદોબસ્ત
સુરતથી અમરનાથ યાત્રા માટે પહોંચેલા શ્રદ્ધાળુઓ પૈકી એક વ્યકિતએ જણાવ્યું હતું કે, હાલ જમ્મુ – કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને સેના દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. દર બે ડગલે સેનાના જવાનોની હાજરી વચ્ચે તબક્કાવાર શ્રદ્ધાળુઓને બેઝ કેમ્પથી રવાના કરવામાં આવી રહ્યા છે અને સેનાના જવાનોની હાજરીને પગલે જ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ પણ ચરમ પર પહોંચવા સાથે હર હર ભોલેની સાથે સાથે ભારત માતાકી જયના ગગનભેદી નારાઓ પણ શ્રદ્ધાળુઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.