રાજ્યમાં રવિવારે નેશનલ લોક અદાલત (National Lok Adalat)નું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 3 લાખ 4 હજાર 753 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમા રાજ્યોના 1 લાખ 49 હજાર 312 પેન્ડિંગ કેસ (Pending Case) અને 1 લાખ 55 હજાર 641 પ્રિલિટિગેશન (Prelitigation) કેસોનો સમાવેશ થાય છે. આ તમામ કેસમાં કુલ 671.74 કરોડથી વધુની રકમનું સમાધાન પણ કરાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યમાં આ વર્ષની આ પ્રકારે ત્રીજી લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટા પ્રમાણમાં પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં આયોજિત નેશનલ લોક અદાલતના કારણે અનેક કેસોનું ભારણ ઘટાડી શકાયુ છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં સૌથી વધુ 77 હજાર 617 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. જે પછી બીજા ક્રમે સુરતમાં 31,566 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઘટાડવા માટેની પ્રાથમિક્તાને ધ્યાને રાખી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ અરવિંદ કુમાર જે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન-ઈન- ચીફ છે અને જસ્ટિસ સોનિયા બેન ગોકાણી જે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ છે, તેમના દ્વારા વધુમાં વધુ પેન્ડિંગ કેસોનો નિકાલ થાય એ માટે લોક અદાલત થકી પગલા લેવામાં આવી રહ્યા છે.
રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ વધુમાં વધુ કેસોનો નિકાલ થાય એ દિશામાં પગલા લઈ રહ્યુ છે. આગામી દિવસોમાં પણ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ આવી અનેક લોક અદાલતનું આયોજન થતુ રહેશે અને કોર્ટના ભારણને ઓછુ કરવાની દિશામાં પ્રયત્નો થતા રહેશે.