31 ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસનો એકશન પ્લાન, 9000થી વધુનો કાફલો રહેશે તહેનાત, 63 નાકાબંધી પોઇન્ટ પર કરાશે ચેકિંગ
આવતીકાલ 31મી ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે અમદાવાદના શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના એસ.જી.રોડ, સી.જી. રોડ, સિંધુ ભવન રોડ જેવા પ્રાઈમ લોકેશન તથા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, ક્લબ જેવા સ્થળોએ યુવાનો એકત્રિત થઈ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. આ ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અમદાવાદ શહેર પોલીસે એકશન પ્લાન ઘડીને રોડમેપ તૈયાર કર્યો છે. જેમાં 9000થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે રહેશે.

અમદાવાદ શહેરમાં આવતીકાલ 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે, અમદાવાદ શહેર પોલીસના કુલ 9040 જેટલા અધિકારી અને કર્મચારીઓ ખડેપગે રહેવાના છે. જેમાં ડી.સી.પી., એ.સી.પી., પી.આઈ.. પી.એસ.આઈ. કક્ષાના અધિકારી મોડી રાત સુધી રસ્તા પર રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની વિવિધ કામગીરીઓ સંભાળશે તેમજ દેખરેખ રાખશે. આ ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ અને કટિબદ્ધ છે. નવા વર્ષની ઉજવણીમાં નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 71 જેટલી ‘She Team’ પણ મેદાનમાં ઊતરશે. શહેરમાં કુલ 63 નાકાબંધી પોઇન્ટ તથા 14 જેટલી ચેકપોસ્ટ ઊભી કરીને ડ્રગ્સ તથા અન્ય નશાકારક દ્રવ્યોની હેરાફેરી ના થાય તે માટે સૌ કોઈ ઉપર બાજનજર રાખવામાં આવશે.
આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં QRTની 9 ટીમ, BDDSની 4 ટીમ, 123 જેટલી જનરક્ષક PCR વાન, 39 સ્પીડ ગન કેમેરાવાન, 2560 બોડીવાર્ન કેમેરા થકી પણ શહેરમાં મધ્યરાત્રી સુધી કાયદો વ્યસ્થા જળવાઈ રહે તે માટેનું મોનિટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત 443 જેટલા બ્રેથ એનાલાઈઝર અને સી.સી.ટી.વી સર્વેલન્સ માટે 4000થી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે.
31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવાયાં છે. જેમાં ગેરકાયદેસર પ્રોહીબિશન પ્રવૃત્તિ સબંધે લિસ્ટેડ બુટલેગર્સ, અસામાજિક તત્ત્વો, તડીપાર ઇસમો, HS, MCR વગેરે પર નજર રાખી ચેક કરવામાં આવી રહ્યા છે. સ્પીડમાં વાહનો ચલાવનાર તથા સ્ટંટ કરતા વાહનચાલકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રીંક એન્ડ ડ્રાઈવમાં કેસો કરવાની કાર્યવાહી પણ કરાઈ રહી છે. બંદોબસ્ત દરમિયાન જરૂરિયાત મુજબના મેગાફોન અને પીએ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી હોટેલ, ગેસ્ટ હાઉસ, ક્લબ, ફાર્મ હાઉસ પર ચેકીંગની કામગીરી કરાઈ રહી છે.
શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ, એસ.પી.રિંગ રોડ, સી.જી. રોડ નવરંગપુરા, એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ, સોલા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, આનંદનગર, એલિસબ્રિજ, ગાયકવાડ હવેલી, મણિનગર, અમરાઈવાડી જેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
નાગરિકોની સુરક્ષા માટે 9040 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખડેપગે રહેશે, જેમાં જે.સી.પી.અને એડિ. સી.પી. કક્ષાના 05 અધિકારીઓ, ડી.સી.પી. કક્ષાના 16 અધિકારીઓ, એ.સી.પી. કક્ષાના 28 અધિકારીઓ, પી.આઈ. કક્ષાના 115 અધિકારીઓ, પી.એસ.આઈ. કક્ષાના 225 અધિકારીઓ અને 5000 જેટલા હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કર્મચારીઓ, 02 એસ.આર.પી.ની કંપની અને 3500 જેટલા હોમગાર્ડ્સના જવાનો ફરજ પર હાજર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકના સુચારૂ નિયમન માટે તા.31 ડિસેમ્બરના રોજ સાંજના 6 વાગ્યાથી તા.01 જાન્યુઆરીના રોજ સવારે 3 વાગ્યા સુધી ઉજવણીના તેમજ ભીડભાડવાળા સ્થળો પર ટ્રાફિક નિયમન જળવાઈ તે માટે ટ્રાફિક ડાયવર્ઝન અને વાહનોના પ્રવેશબંધી અંગેનુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં વૈકલિપક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેનું પાલન કરવા નાગરિકોને શહેર પોલીસ દ્વારા અપીલ છે.