Ahmedabad Breaking News : સાવધાન! તમે પણ આ બ્રાન્ડનું તેલ નથી ખાતાને? અમદાવાદમાં 175 ડબ્બા સીલ, બિના રજિસ્ટ્રેશનના લેબલ લગાવી થતું હતું વેચાણ
અમદાવાદના પીપળજ વિસ્તારમાં ગેરકાયદે રીતે ખાદ્યતેલનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. લાંબા-પીપળજના આદર્શ એસ્ટેટમાં આવેલી મમતા એગ્રો પ્રોટીન નામની જગ્યાએ દરોડો પાડવામાં આવ્યા હતા.

અમદાવાદના પીપળજ વિસ્તારમાં ગેરકાયદે રીતે ખાદ્યતેલનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. લાંબા-પીપળજના આદર્શ એસ્ટેટમાં આવેલી મમતા એગ્રો પ્રોટીન નામની જગ્યાએ દરોડો પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જૂના ડબ્બામાં તેલ ભરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
દરોડા દરમિયાન મોટી સંખ્યામાં તેલના ડબ્બા મળી આવ્યા હતા. આ ડબ્બાઓ પર બેચ નંબર સહિતની જરૂરી વિગતો ન હોવાનો પણ ખુલાસો થયો હોવાનું સામે આવ્યું રહ્યું છે. કાર્યવાહી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 175 જેટલા તેલના ડબ્બા સીલ કરવામાં આવ્યા છે.
રજીસ્ટ્રેશન વગરના લેબલ મળી આવ્યા
પ્રાથમિક તપાસમાં મમતા એગ્રો પ્રોટીન પાસે સોયાબીન, કપાસિયા અને પામ ઓઇલનું રજીસ્ટ્રેશન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તપાસ દરમિયાન કપાસિયા તેલનું રજીસ્ટ્રેશન હોવા છતાં તેલ મંગાવવામાં આવતું ન હોવાની વિગતો પણ સામે આવી છે. બીજી તરફ, રાજહંસ સહિતના કેટલાક રજીસ્ટ્રેશન વગરના લેબલ પણ મળી આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
સામગ્રી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
અધિકારીઓના જણાવ્યા અનુસાર, છત્રાલ વિસ્તારમાંથી દર અઠવાડિયે એક ટેન્કર જેટલું તેલ લાવવામાં આવતું હોવાની માહિતી મળી છે. ત્યારબાદ પીપળજ ખાતે ડબ્બામાં તેલ ભરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લેતાં મ્યુનિસિપલ કોર્પોરેશને સંબંધિત લાઇસન્સ રદ કરવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખવાની કાર્યવાહી શરૂ કરી છે. ફૂડ વિભાગ દ્વારા સ્થળ પરથી મળેલા તેલ, લેબલ અને અન્ય સામગ્રી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હવે તપાસમાં સૌથી મોટો સવાલ એ છે કે તેલ ક્યાંથી લાવવામાં આવતું હતું, તેની ગુણવત્તા કેવી હતી અને રજીસ્ટ્રેશન વગરના લેબલનો ઉપયોગ શા માટે કરવામાં આવતો હતો. ફૂડ વિભાગની વધુ તપાસ બાદ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.
