Good News : શાહિદ કપૂરના ચાહકો માટે ખુશખબર, Jersey ફિલ્મ આ મહિનામાં થશે રિલીઝ
આ ફિલ્મ તેલુગુ ફિલ્મ જર્સીની હિન્દી રિમેક છે, જેમાં શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ શાહિદના ફિલ્મ કરિયરની અત્યાર સુધીની સૌથી લાંબી ફિલ્મ માનવામાં આવે છે.
Jersey Release Date : દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમણ (Corona Cases) વધી રહ્યુ છે,જેની બોલિવૂડ પર પણ અસર જોવા મળી રહી છે. તાજેતરમાં જ વધતા સંક્રમણને રોકવા દિલ્હી સરકાર દ્વારા થિયેટરોને બંધ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે ફિલ્મ નિર્માતાઓએ સંભવતઃ ઘણી ફિલ્મોની રિલીઝ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેમાં શાહિદ કપૂરની ફિલ્મ જર્સી (Jersey Movie) પણ સામેલ હતી. આ ફિલ્મ 21 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થવાની હતી. મેકર્સ આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષા રાખી રહ્યા છે. તેથી તેણે કોઈ જોખમ લીધા વિના તેની રિલીઝ ડેટ મોકૂફ રાખી હતી.
જે બાદ આ ફિલ્મની રાહ જોઈ રહેલા ચાહકો ખૂબ જ નિરાશ થઈ ગયા હતા પરંતુ હવે આ ફિલ્મ માટે ઉત્સુક ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે શાહિદ સ્ટારર આ ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલીઝ થવા જઈ રહી છે.
મેકર્સે નવી તારીખ માટે પ્લાનિંગ કર્યું
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, જર્સીના નિર્માતા તેમની ફિલ્મમાં હવે વધુ વિલંબ કરવા માંગતા નથી. આવી સ્થિતિમાં, તે હવે આ ફિલ્મને 18 ફેબ્રુઆરી અથવા 25 ફેબ્રુઆરીએ મોટા પડદા પર રિલીઝ કરવા વિચારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે,ફિલ્મના સેન્સર સર્ટિફિકેશનનું કામ પૂર્ણ થતાં જ મેકર્સ ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરશે. આવી સ્થિતિમાં, ચાહકોને ટૂંક સમયમાં આ ફિલ્મની નવી રિલીઝ ડેટના સારા સમાચાર મળશે.
અહેવાલ મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને કોઈપણ કટ વિના જર્સીને પાસ કરી છે. જર્સી 175 મિનિટ એટલે કે 2 કલાક 55 મિનિટની ફિલ્મ છે અને તેને શાહિદના ફિલ્મ કરિયરની અત્યાર સુધીની સૌથી લાંબી ફિલ્મ માનવામાં આવે છે.
તેલુગુ ફિલ્મની રિમેક
શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની આ ફિલ્મ તેલુગુ ફિલ્મ જર્સીની હિન્દી રિમેક છે. વર્ષ 2019માં જ્યારે તેલુગુ ફિલ્મ જર્સી રીલિઝ થઈ હતી. તેને સાઉથમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. જર્સીની હિન્દી રિમેકમાં શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહિદ કપૂર ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો : ‘પુષ્પા’ ફિલ્મની સફળતા : જાણો કેવી રીતે અલ્લુ અર્જુનની આ ફિલ્મનું હિન્દી વર્ઝન બન્યુ સફળ