Gujarat Elections Exit Poll Results 2024 : ભાજપનો ગુજરાત ‘ગઢ’, એક્ઝિટ પોલમાં કોંગ્રેસનો ફરી સફાયો
લોકસભા ચૂંટણી 2024 માટે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. આ સાથે જ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. એક્ઝિટ પોલના આંકડા અનુસાર ગુજરાતમાં અનેક પડકારો વચ્ચે પણ ભાજપનો એક્ઝિટ પોલમાં વિજય થયો છે. તો કોંગ્રેસનો ફરી ગુજરાતમાં સફાયો થશે.
લોકસભાની ચૂંટણીના 4 જૂન 2024ના રોજ પરિણામો જાહેર થશે. ત્યારે પરિણામો પહેલા એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા છે. TV9 દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલના આંકડા અનુસાર ગુજરાતમાં અનેક પડકારો વચ્ચે પણ ભાજપનો એક્ઝિટ પોલમાં વિજય થયો છે. ગુજરાતમાં ફરી ભાજપ તમામ બેઠકો પર જીત નોંધાવી શકે છે. તો એક્ઝિટ પોલમાં કોંગ્રેસનો ફરી સફાયો થયો છે.
ગુજરાતમાં તમામ મુદ્દાઓ પર અંતે PM મોદીનો ચહેરો ભારે રહ્યો છે. કારણ કે એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થઈ શકે છે. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક અગાઉથી જ ભાજપના નામે થઈ ચુકી છે, ત્યારે બાકીની 25 બેઠકો પર પણ ભગવો લહેરાઈ શકે છે.
ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક આ વખતે ભારે વિવાદોમાં રહી હતી. ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલી વિવાદિત ટીપ્પણીના કારણે ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધના કારણે ભાજપની મુશ્કેલી વધી હતી. તેમ છતાં એક્ઝિટ પોલના આંકડા અનુસાર ભાજપ ગુજરાતમાં તમામ બેઠકો જીતી શકે છે.
રાજકોટ બેઠક પર આ વખતે ભાજપના પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી છે. 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો કોંગ્રેસના લલિત કગથરા સામે 3,68,407 મતોથી વિજય થયો હતો. મોહન કુંડારિયાને 63.47 ટકા અને લલિત કગથરાને 32.65 ટકા વોટ મળ્યા હતા.
ગુજરાતમાં 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળી હતી. ત્યારે આ વખતે એક્ઝિટ પોલના આંકડામાં પણ ફરીથી ભાજપ તમામ બેઠકો જીતી શકે છે. ત્યારે એક્ઝિટ પોલના આંકડા અનુસાર કોંગ્રેસનું આ વખતે પણ ખાતું ખોલી રહ્યું નથી.