સતત 7 ટર્મના ધારાસભ્ય છોટુ વસાવા ગત ટર્મમાં તેમના પરિવારે ઉભી કરેલી પાર્ટી BTP ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. છોટુભાઈની તેમના મોટા પુત્ર મહેશ વસાવાએ ટિકિટ કાપી જાતે BTP ના બેનર હેઠળ ઝઘડિયા બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે. BTP ના અધ્યક્ષ મહેશ વસાવાના આ નિર્ણય બાદ પારિવારિક તકરાર સપાટી ઉપર આવી હતી. મહેશ વસાવા સામે તેમના પિતા અને માજી ધારાસભ્ય છોટુ વસાવાએ એક્સ ઉમેદવારી નોંધાવી તો પાછળ છોટુભાઈના નાના પુત્ર દિલીપ વસાવાએ પણ ટેકેદાર મારફતે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જંપલાવી દીધું હતું જોકે ફોર્મ ખેંચવાના એક દિવસ પહેલા દીલીપે ઉમેદવારી પરત ખેંચી પારિવારિક તકરાર સમાધાન તરફ આગળ વધી રહી હોવાના સંકેત આપ્યા હતા. ચૂંટણી જંગમાં છબીને અસર પાડવા છતાં આક્રમકઃ નેતા અને બાહુબલી તરીકે ઓળખાતા છોટુ વસાવાએ ક્યારેય પુત્રો વિરુદ્ધ નિવેદન ન કરી સમાધાનની ફોર્મ્યુલા પ્રગતિમાં હોવાના સંકેત આપ્યા છે.
છોટુ વસાવાની ટિકિટ કાપી ઝઘડિયામાં જાતે ઉમેદવારી કરનાર મહેશ વસાવાની કરની અને કથની પણ સામાન્ય માણસને સમજમાં આવે તેવી નથી. એકજ છત નીચે રહી પિતા સામે ચૂંટણી મેદાનમાં ઉતરેલા મહેશ વસાવા પિતાના આદર્શો અને વિચારધારાને વળગીને ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે.
ચૂંટણી જંગમાં ભાજપનો ઉમેદવાર પણ છોટુ વસાવાના પરિવારનો નિકટનો કાર્યકર જ છે. ભાજપ ઉમેદવાર રિતેશ વસાવા એક સમયે છોટુભાઈને ગુરુ માની તેમની વિચારધારા સાથે ચાલતા હતા. બાદમાં ખટરાગ થયો અને રિતેશ અલગ પડ્યો જેને બાદમાં ભાજપાએ ટિકિટ આપી છે. રિતેશ આજે છોટુભાઈને ગુરુ તરીકે સ્વીકારવા તૈયાર નથી.
7 ટર્મથી બેઠક ઉપર ઘણી રાજકીય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું છે પણ તેમને છોટુ વસાવાના પરિવારે ફાવટ આવવા દીધી નથી. આ ચૂંટણીમાં પરિવાર જ સામસામે છે ત્યારે શું સમીકરણો બદલાય છે? તે ઉપર તમામની નજર બની છે.