Gujarat Election 2022 : કચ્છની આ હાઈપ્રોફાઈલ બેઠક પર 2007 થી ભાજપનો લહેરાઈ રહ્યો છે ભગવો, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
રાજકીય ઇતિહાસની વાત કરીએ તો, 2002ને બાદ કરતા 1995થી અહીં ભાજપનું એકચક્રી શાસન છે. કોંગ્રેસે અંજારનો ગઢ જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે, તો ભાજપ જીતનો સિલસિલો જાળવી રાખવા મહેનત કરી રહ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election) પડઘમ વાગતા જ રાજકીય પાર્ટીઓ મતાદરોને રીઝવવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. TV9ની ચૂંટણીલક્ષી રજૂઆત, મતદારોના મિજાજમાં (Voters mood) આજે વાત કરીએ, એક એવી બેઠકની જ્યાં છે ભાજપનો (BJP) દબદબો. એક ટર્મને બાદ કરતા પાછલી 5 ટર્મથી અહીં ભાજપનું જોર રહ્યું છે. અહીંથી ચૂંટણી જીતનાર ઉમેદવાર પ્રધાન અને વિધાનસભા અધ્યક્ષ પણ બન્યાના દાખલા છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ કચ્છની અંજાર વિધાનસભા બેઠકની (Anjar Assembly Seat) .
આ વિધાનસભા બેઠક પર આહિર મતદારોનો દબદબો
સૂડી, ચપ્પા સહિત ઓજારો માટે જાણીતું શહેર એટલે અંજાર. અંજાર વિધાનસભા બેઠક પર આહિર મતદારોનો (Ahir Voters) દબદબો છે. રાજકીય ઇતિહાસની વાત કરીએ તો, 2002ને બાદ કરતા 1995થી અહીં ભાજપનું એકચક્રી શાસન છે. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા નીમા આચાર્યએ ભાજપને ધૂળ ચટાડી હતી. જોકે પક્ષ પલટો કરીને 2007માં નીમા આચાર્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. તો આહિરોના ગઢમાં 2012 અને 2017માં વાસણ આહીર જીત્યા હતા. પાછલી 2 ટર્મથી અંહી કોંગ્રેસ (Congress) જીત માટે વલખા મારી રહી છે.
કોંગ્રેસે અંજારનો ગઢ જીતવા એડીચોટીનું જોર લગાવ્યું
જોકે 2022માં સત્તાના સમીકરણો બદલાયા છે, અહીં કોંગ્રેસે અંજારનો ગઢ જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે, તો ભાજપ જીતનો સિલસિલો જાળવી રાખવા મહેનત કરી રહ્યું છે. જોકે 2 ટર્મથી ભાજપનું શાસન હોવા છતાં મતદારો (Voters) કેટલાક પ્રશ્નોને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. શું છે મતદારોની મુશ્કેલીઓ, અને કેવો છે મિજાજ…
આ વિધાનસભા બેઠક પર કુલ મતદારો 2 લાખ 70 હજાર 813 છે. જેમાં પુરૂષ મતદારો 1 લાખ 38 હજાર 306 અને સ્ત્રી મતદારો 1 લાખ 32 હજાર 507 છે. જો આ વિધાનસભા બેઠકના જાતિગત ગણિતની વાત કરીએ તો અહીં આહિર મતદારો 55 હજાર, મુસ્લિમ મતદારો, 40 હજાર, SC મતદારો 20 હજાર, રબારી મતદારો 22 હજાર અને અન્ય મતદારો 71 હજાર છે.
અંજાર વિધાનસભા બેઠકનો રાજકીય ઈતિહાસ
જો અહીંના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો 1962થી 2017 સુધી 13 વિધાનસભા ચૂંટણી (Assembly Election) થઇ છે. જેમાં 5 વખત ભાજપ અને 7 વખત કોંગ્રેસની જીત થઇ છે. જો કે 1990 સુધી બેઠક પર હતું કોંગ્રેસનું એકહથ્થુ શાસન હતુ. વર્ષ 1995માં વાસણ આહીરે ભાજપને પ્રથમ જીત અપાવી. જે બાદ1998માં પણ તેઓ આ બેઠક પરથી ચૂંટાયા. જો કે 2002માં કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક આંચકી હતી અને કોંગ્રેસમાંથી નીમા આચાર્યએ (Nima Achrya) જીત મેળવી હતી. જે બાદ તેમણે પક્ષપલટો કર્યો પરંતુ મતદારોનો વિશ્વાસ જાળવી રાખવામાં તેઓને સફળતા મળી અને ફરી તેઓ 2007માંભાજપમાંથી ચૂંટાયા હતા. 2007થી અંજાર બેઠક પર ભગવો લહેરાય છે.
