Gujarat Election 2022 : ટિકિટ ન મળતા નારાજ મનહર પટેલે અશોક ગેહલોત સાથે બંધ બારણે કરી બેઠક, પક્ષ ફેરવિચારણા કરે તેવી માગ
વિધાનસભાની ચૂંટણીમાં (Assembly election) ઉમેદવારીને લઈ કોંગ્રેસમાં વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ઘણી જગ્યાએ ઉમેદવારોની પસંદગીને લઈ તો કયાંક ટિકિટ કપાતા વિરોધ થઈ રહ્યો છે. હવે કોંગ્રેસે બોટાદ બેઠક પર રમેશ મેરને ટિકિટ આપતા મનહર પટેલ નારાજ થયા છે.

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ઉમેદવારોની ચાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. જો કે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઈ કોંગ્રેસમાં વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ઘણી જગ્યાએ ઉમેદવારોની પસંદગીને લઈ તો કયાંક ટિકિટ કપાતા વિરોધ થઈ રહ્યો છે. હવે કોંગ્રેસે બોટાદ બેઠક પર રમેશ મેરને ટિકિટ આપતા મનહર પટેલ નારાજ થયા છે. મનહર પટેલને ટિકિટ ન મળતા સમર્થકો સાથે અમદાવાદ પહોંચ્યા હતા. જયાં બંધ બારણે મનહર પટેલ અને અશોક ગેહલોતની જીવરાજપાર્ક વિસ્તારના ખાનગી પાર્ટી પ્લોટમાં મિટીંગ યોજાઈ હતી. નારાજ મનહર પટેલે કહ્યું, ટિકિટ વહેંચણીને લઈ ફેરવિચારણા કરવામાં આવે.આ વખતે હું અપેક્ષિત દાવેદાર હતો છતાં ટિકિટ આપી નથી. બોટાદના સાથીદારોના સમર્થન બાદ આગળ હું આગળ વધીશ.
૧૦૭-બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હુ સાચો ઉમેદવાર છુ, કોંગ્રેસ પક્ષ મારા નામ પર ફેર વિચારણા કરે..મારા જેવા પક્ષને સમપિઁત આગેવાન સાથે પક્ષનો નિણઁય સ્વીકાયઁ નથી,મારી સાથે ૨૦૧૭ નુ પુનરાવતઁન થયુ …જે પક્ષના વિશાળ હિતમા નથી..@RamkishanO @RaghusharmaINC @ashokgehlot51 @RahulGandhi
— Manhar Patel (@inc_manharpatel) November 12, 2022
ગુજરાત ઇલેક્શન 2022 : મનહર પટેલની ટિકિટ કપાતા નારાજ
બોટાદમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોને લઈ નારાજગી સામે આવી છે. બોટાદથી રમેશ મેરને ટિકિટ આપતા કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ નારાજ થયા છે. મનહર પટેલે ટ્વીટ કરીને કહ્યુ, ‘બોટાદ બેઠક પર કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું. કોંગ્રેસ મારા નામ પર ફેર વિચારણા કરીને ટિકિટ આપે’. તેમજ મનહર પટેલે કોંગ્રેસ પક્ષને ચીમકી આપી છે. કે “મારી સાથે 2017ની જેમ પુનરાવર્તન થશે, તો તે પક્ષના હિતમાં નહીં હોય.” ટ્વીટમાં તેમણે રામ કિશન ઓઝા, રધુ શર્મા, અશોક ગેહલોત અને રાહુલ ગાંધીને ટેગ કર્યા છે. આમ મનહર પટેલે સોશિયલ મીડિયા પર મનોવ્યથા ઠાલવી હાઈકમાન્ડ સુધી પોતાની વાત પહોંચાડી હતી.
ગુજરાત ઇલેક્શન 2022 : અન્ય વિધાનસભા બેઠક પર પણ વિરોધ
આ તરફ કોંગ્રેસમાં અન્ય વિધાનસભા બેઠક પર પણ કકળાટ સામે આવ્યો છે. અમદાવાદમાં NSUIના કાર્યકર્તાઓએ યુવાનોને ટિકિટ આપવા માટે માગ કરીને દેખાવો કર્યા હતા. તો બાયડના ધારાસભ્ય જશુ પટેલ અશોક ગેહલોતને મળીને રિપીટ કરવા માટે માગ કરી છે. આ બાજુ વઢવાણ કોંગ્રેસમાં આયાતી ઉમેદવાર તરૂણ ગઢવીનો વિરોધ થયો છે. રૂપિયા લઈ ટિકિટ આપી હોવાના દાવા સાથે કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામાની ચીમકી આપી છે. મહેસાણા જિલ્લામાં 5 બેઠકના ઉમેદવારોને લઈ કોંગ્રેસમાં કોકડું ગુચવાયું છે. તો વલસાડની ધરમપુર બેઠક પર કોંગ્રેસના કિશન પટેલ અને કલ્પેશ પટેલની દાવેદારીને લઇને વિવાદ વકર્યો છે.