Gujarat Assembly Election 2022 Result 8 December today : ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો તેની વચ્ચે 1 ડિસેમ્બર તથા 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું હતું. આજે હવે 8 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કોની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કયા ઉમેદવાર ક્યાં બાજી મારશે, નવા ઉમેદવારો બેઠકો મેળવી શકશે કે નહીં અને જૂના જોગીઓ પોતાના ગઢ જાળવી રાખશે કે નહીં આ તમામ બાબતો આવતીકાલે સ્પષ્ટ થઈ જશે. તો બીજી તરફ ભાજપ અઢી દાયકાનો દબદબો જાળવી શકશે ? અને જાળવી શકશે તો કેટલી બેઠકના વધારા કે ઘટાડા સાથે તેનો દબદબો રહેશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે તો આ વખતે ગુજરાતમાં વધુમાં વધુ બેઠકો મેળવવા અધીરી બની ગયેલી આપ પાર્ટીએ પણ ક્યાં કેટલું મેદાન માર્યું તે પણ સ્પષ્ટ થઈ જશે. મતગણતરીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે કેટલાક પક્ષોએ અને ઉમેદવારે તો ફાટકડા અને મીઠાઇના ઓર્ડર સાથે વિજયી સરઘસ કાઢવાની પણ તૈયારી કરી લીધી છે.
દરમિયાન તમામ જિલ્લાઓમાં મતગણતરી કેન્દ્ર ખાતે હાલ સઘન સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે અને સ્થાનિક સ્તરે પણ ભારે આતુરતાનો માહોલ જોવા મળી રહ્યો છે કે ક્યા પક્ષના ઉમેદવાર ચૂંટણીની બાજી જીતી જશે. તો ચૂંટણી બાદ જે પણ એક્ઝિટ પોલના તારણો સામે આવ્યા છે તેમાં ગુજરાતમાં ભાજપ સરકાર રચશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થતા જ Tv9 નેટવર્ક સહિતની અનેક એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે પરથી એક્ઝિટ પોલના પરિણામો લોકો સામે આવ્યા હતા. ચાલો જાણીએ કે આ તમામ એક્ઝિટ પોલના પરિણામો દરેક પાર્ટીને કેટલી બેઠક મળવાનું અનુમાન છે. ટીવી9ના એક્ઝિટ પોલમાં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપને 125થી 130 બેઠક ચૂંટણીમાં મળી શકે છે. જ્યારે કોંગ્રેસ 40થી 50 વચ્ચે સમેટાઈ શકે છે તો આમ આદમી પાર્ટીના દાવાઓ ધરાશાયી પણ થઈ શકે છે .આમ આદમી પાર્ટીને 3થી 5 બેઠક મળી શકે છે. મોદી ફેક્ટર ફરી એકવાર ગુજરાતમાં ચાલ્યુ છે. એક્ઝિટ પોલમાં ભાજપના ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે સૌથી વધારે પસંદ કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલને 68.5 ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીને 16.2 ટકા અને આપના ઈસુદાન ગઢવીને 15.4 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ટીવીનાઇનના એક્ઝિટ પોલમાં મતદાતાઓએ મોદી ફેક્ટરના કારણે સૌથી વધારે વોટ આપ્યા હોવાની વિગતો જાણવા મળી હતી. કુલ 45.5 ટકા લોકોએ મોદી ફેક્ટર જોઈને મતદાન કર્યુ છે. ગુજરાત મોડલ જોઈને 19.4 ટકા લોકોએ વોટ કર્યો છે. કેજરીવાલની મફ્ત યોજનાને જોઈને 7.2 ટકા લોકોએ જ્યારે મોંઘવારી-બેરજોગારી 27.9 ટકા લોકોએ વોટ કર્યો હતો.
ટીવીનાઇનના એક્ઝિટ પોલમાં સિવાયના એક્ઝિટ પોલની વાત કરીએ તો તમામ એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. Republic-PMARQના સર્વે અનુસાર, ભાજપને 128-148 બેઠક, આપને 2-10 બેઠક , કોંગ્રેસને 30-42 બેઠક અને અન્યને 0-3 બેઠક મળી રહી છે. ABP-C Voter ના સર્વે અનુસાર, ભાજપને 128-140 બેઠક, આપને 3-21 બેઠક , કોંગ્રેસને 31-43 બેઠક અને અન્યને 02-06 બેઠક મળી રહી છે. India Today ના સર્વે અનુસાર, ભાજપને 131-151 બેઠક, આપને 9-21 બેઠક , કોંગ્રેસને 16-30 બેઠક અને અન્યને 0 બેઠક મળી રહી છે. Times Now-Navbharat ના સર્વે અનુસાર, ભાજપને 139 બેઠક, આપને 11 બેઠક , કોંગ્રેસને 30 બેઠક અને અન્યને 2 બેઠક મળી રહી છે. NewsXના સર્વે અનુસાર, ભાજપને 117-140 બેઠક, આપને 6-13 બેઠક , કોંગ્રેસને 34-51 બેઠક અને અન્યને 0 બેઠક મળી રહી છે.