Gujarat Second Phase Election : વડાપ્રધાન મોદી ફરી આવ્યા ગુજરાત, આવતીકાલે અમદાવાદમાં રાણીપમાં કરશે મતદાન, માતા હિરાબાને મળી લીધા આશિર્વાદ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mina Pandya

Updated on: Dec 04, 2022 | 10:45 PM

Gujarat Vidhansabha Election : બીજા તબક્કાની તમામ બેઠકો પર ભારે રસાકસી જોવા મળશે. અહિં છેલ્લા કેટલાક સમયથી તમામ પાર્ટીઓ પોતાની એડીચોટીનું જોર લગાવી રહી છે અને તેને લીધે 93 બેઠકોનો જંગ મહાજંગ સમાન બની રહેશે. જાણો ચૂંટણીને લગતા તમામ સમાચારો અહીં.

Gujarat Second Phase Election : વડાપ્રધાન મોદી ફરી આવ્યા ગુજરાત, આવતીકાલે અમદાવાદમાં રાણીપમાં કરશે મતદાન, માતા હિરાબાને મળી લીધા આશિર્વાદ
Gujarat Election 2022 Live

Gujarat Assembly Elections Phase 2: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. મહત્વનું છે કે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે ખરાખરીનો જંગ જોવા મળશે. મહત્વનું છે કે, આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની તમામ બેઠકો પર ભારે રસાકસી જોવા મળશે. અહિં છેલ્લા કેટલાક સમયથી તમામ પાર્ટીઓ પોતાની એડીચોટીનું જોર લગાવી રહી છે અને તેને લીધે 93 બેઠકોનો જંગ મહાજંગ સમાન બની રહેશે. અહિં શહેરી મતદારો પ્રમાણમાં વધારે હોવાને લીધે ભાજપનો જીતનો સીલસીલો 27 વર્ષથી યથાવત રહ્યો હતો. પરંતુ આ વખતે મુદ્દાઓ અલગ છે. જાતિગત મુદ્દાઓ નહી પરંતુ વાસ્તિવકતા મુદ્દાઓને આધારે મતદાન થવા જઈ રહ્યુ છે અને એટલે જ આ વખતનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 04 Dec 2022 09:04 PM (IST)

  મહેસાણાના ખેરાલુના આચારસંહિતા ભંગનો વીડિયો બનાવનાર યુવાનને મળી ધમકી

  મહેસાણાના ખેરાલુ તાલુકાના મલેકપુર ગામમાં આચારસંહિતા ભંગનો વીડિયો બનાવનાર યુવાનને ધમકી કેસમાં ફરિયાદ નોંધાઇ છે. વિષ્ણુ રાવત નામના યુવાને ધારાસભ્ય અજમલજી ઠાકોરના પુત્ર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવાનનો આક્ષેપ છે કે ગઇકાલે આચારસંહિતા લાગુ થયા બાદ પણ તેમના ગામમાં ભાજપના સમર્થનમાં સભા યોજાઇ હતી. ધારાસભ્ય અજમલજી ઠાકોરના પુત્ર મુકુંદ ઠાકોરે ભાજપના સમર્થનમાં સભા યોજી હતી. જેનો વીડિયો બનાવ્યો હતો. જેથી યુવાનને જાતિવિષયક શબ્દો અને ધમકી આપવામાં આવી હતી.

 • 04 Dec 2022 09:01 PM (IST)

  દાહોદના ગરબાડાના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારીયાની સ્થાનિક સાથે બોલાચાલી

  દાહોદના ગરબાડા કોંગ્રેસના MLA ચંદ્રિકા બારીયાની સ્થાનિક સાથે બોલાચાલી સામે આવી છે. ધારાસભ્યના શાળામાં ઓરડાની કામગીરી કર્યાના નિવેદન પર સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો. અને સ્થાનિકો અને કોંગ્રેસના MLA ચંદ્રિકા બારીયા વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું. MLAએ કહ્યુ કે, વિધાનસભામાં જઈને રજૂઆત મે કરી હતી અને જેથી શાળામાં ઓરડા આવ્યા પરંતુ સ્થાનિકોએ તેમની નિષ્ક્રિયતા સામે સવાલો કરતા બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 • 04 Dec 2022 08:10 PM (IST)

  અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામનું મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપવા અંગે વિવાદી નિવેદન

  અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ બીજા તબક્કાના મતદાન પહેલાં વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્ચું છે કે મુસ્લિમ મહિલાઓએ પરદામાં જ રહેવું જોઈએ. રાજકારણમાં મહિલાઓનું આવવું એ ઈસ્લામની વિરૂદ્ધ છે. AIMIM જેવા પક્ષોએ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી તેની પણ ઈમામે ઝાટકણી કાઢી છે. આ સિવાય ઈમામે હિજાબ અને મહિલાઓની ઈસ્લામમાં જવાબદારી સહિતના અનેક મુદ્દે ખુલીને વાત કરી.

 • 04 Dec 2022 08:07 PM (IST)

  બનાસકાંઠાના થરાદમાં ખાનગી પ્રેકટિસ કરતા તબીબ પર હુમલો

  બનાસકાંઠાના થરાદમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબ પર હુમલાની ઘટના સામે આવી છે. ચૂંટણી પ્રચારમાં મનદુઃખના કારણે કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ ડૉ.કરશન પટેલે કર્યો છે. હુમલામાં તબીબની કારને ભારે નુકસાન થયુ છે. તબીબ ભાજપનો પ્રચાર કરતા હોવાથી કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. હાલ તો સમગ્ર મામલે ડૉ.કરશન પટેલે ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 • 04 Dec 2022 07:57 PM (IST)

  ગાંધીનગરમાં કમલમ ખાતે મળેલી બેઠક થઈ પૂર્ણ, વડાપ્રધાન મોદી રાજભવન જવા રવાના

 • 04 Dec 2022 07:53 PM (IST)

  છોટાઉદેપુર: બીજા તબક્કાના મતદાનને લઈ તંત્ર સજ્જ

 • 04 Dec 2022 06:56 PM (IST)

  કમલમમાં કેન્દ્રીય નેતૃત્વનો જમાવડો, પ્રથમવાર પીએમ મોદી અને અમિતશાહની જોડી કમલમમાં એકસાથે જોવા મળી

  માતાને મળ્યા બાદ પીએમ મોદી સીધા કમલમ પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પીએમને આવકારવા માટે કમલમ બહાર જ જોવા મળ્યા હતા. પ્રથમવાર મોદી શાહની જોડી એકસાથે કમલમમાં જોવા મળી હતી. આ સાથે સમગ્ર કેન્દ્રીય નેતૃત્વ જેમા પીએમ મોદી, ગૃહમંત્રી, રત્નાકર સહિતના તમામ લોકો એકસાથે કમલમ પર છે. જ્યાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.

 • 04 Dec 2022 06:19 PM (IST)

  કમલમ પહોંચ્યા પીએમ મોદી અને અમિત શાહ, પીએમનું કરાયુ ઉષ્માપૂર્ણ સ્વાગત

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રથમવાર એકસાથે કમલમ પહોંચ્યા છે.  મોદી-શાહની જોડી પ્રથમવાર કમલ પહોંચતા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

 • 04 Dec 2022 05:56 PM (IST)

  ગાંધીનગરમાં માતા હિરાબાને મળ્યા પીએમ મોદી, માતાના ચરણોમાં શિશ નમાવી લીધા આશિર્વાદ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં વૃંદાવન બંગલોઝ ખાતે માતા હિરાબાને મળ્યા હતા. માતાના ચરણોમાં શિશ ઝુકાવી પીએમ મોદીએ હિરાબાના આશીર્વાદ લીધા હતા. આવતીકાલે માતા હિરાબા પણ મતદાન કરવાના છે એ પહેલા પીએમ મોદીએ માતા સાથે મુલાકાત કરી હતી. 15 મિનિટની ટૂંકી મુલાકાત બાદ પીએમ મોદી ત્યાંથી રવાના થયા હતા.

 • 04 Dec 2022 05:31 PM (IST)

  વડાપ્રધાન મોદી માતા હિરાબાને મળવા પહોંચ્યા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવ્યા છે. ચૂંટણી પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરાબાને મળવા પહોંચ્યા છે.  આવતીકાલે પીએમ મોદી તેમના મતાધિકારનો પ્રયોગ કરશે. રાણીપમાં મતદાન કેન્દ્ર ખાતે વડાપ્રધાન મોદી તેમના મતાધિકારનો પ્રયોગ કરશે. હાલ પીએમ મોદી માતા હિરાબાને મળવા તેમના ગાંધીનગર ખાતેના ઘરે પહોંચ્યા છે.

 • 04 Dec 2022 04:54 PM (IST)

  ચૂંટણી સમયે અરવલ્લીના માલપુરમાં દારૂની હેરાફેરી

  અરવલ્લીના માલપુરમાં વિદેશી દારૂ ભરેલી જીપ ઝડપાઇ. સ્થાનિકોએ અણિયોર ચોકડી પાસે વિદેશી દારૂ ભરેલી જીપ ઝડપી પાડી. ચૂંટણી સમયે દારૂની હેરાફેરીને લઇને સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો છે. હાલ તો દારૂ ભરેલી જીપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તથા સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 • 04 Dec 2022 04:44 PM (IST)

  પાટણમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચેનું વાકયુદ્ધ પરાકાષ્ટાએ

  પાટણમાં મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચેનું વાકયુદ્ધ પરાકાષ્ટાએ પહોંચ્યું છે. ભાજપના ઉમેદવાર ડો. રાજુલ દેસાઇએ કોંગ્રેસની રેલીમાં ગુંડાઓ અને અસામાજિક તત્વો સામેલ હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે પલટવાર કર્યો છે. રાજુલ દેસાઇએ જણાવ્યું કે કોંગ્રેસ તેમની રેલીમાં ગુંડાઓને લઇને નીકળી.  કોંગ્રેસના ધારાસભ્ય અને તેમની ટીમ ગુંડાગર્દી પર ઉતરી હોવાનો આક્ષેપ તેમણે કર્યો. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે રાજુલ દેસાઇનું નિવેદન એ પાટણની પ્રજાનું અપમાન છે. પાટણના મતદારો કાલે મતદાન કરી રાજુલ દેસાઇએ કરેલા ગુંડા અને અસામાજિક તત્વોના આક્ષેપનો જવાબ આપશે. મહત્વનું છે કે પાટણમાં પ્રચારના અંતિમ કલાકમાં એક સાથે ત્રણ પક્ષના ઉમેદાવારોની રેલી યોજાઇ. આ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસની રેલી સરદારબ્રિજ પર આમનેસામને આવી. જ્યાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે સામેની બાજુથી પસાર થઇ રહેલી ભાજપના ઉમેદવાર ડૉ.રાજુલ દેસાઇની રેલીને ફૂલો અને પુષ્પોથી વધાવી.

 • 04 Dec 2022 04:42 PM (IST)

  ભાજપના ઉમેદવાર બચુ ખાબડનો વીડિયો વાયરલ

  દાહોદની દેવગઢબારિયા બેઠકના ભાજપના ઉમેદવારનો એક વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના ઉમેદવાર બચુ ખાબડ બસમાં બેસેલા મુસાફરોને લાલચ આપી રહ્યા છે. વીડિયોમાં તેઓ એવું કહેતા સાંભળવા મળે છે કે- કોઈએ ભાડુ આપવાનું નથી, તેઓ બધાનું ભાડું આપી દેશે. સાથે તેઓ એવું પણ કહેતા સાંભળવા મળે છે કે- વોટ આપી આવજો બધા.

 • 04 Dec 2022 04:20 PM (IST)

  વડોદરામાં જિલ્લા અને પાલિકા આરોગ્ય તંત્ર મતદાન દરમિયાન ખડેપગે રહેશે

  શહેર અને જિલ્લાના અન્ય તંત્રોની જેમ ચૂંટણી પ્રક્રિયા અને મતદાનને સફળ બનાવવામાં આરોગ્ય તંત્રો ખૂબ ચાવીરૂપ યોગદાન આપે છે. ખાસ કરીને મતદાનના દિવસે હજારોની સંખ્યામાં ઊભા કરવામાં આવતા મતદાન મથકો અને અગાઉના દિવસે મતદાન સામગ્રીના વિતરણ સમયે પણ જિલ્લા અને મહાનગર પાલિકા આરોગ્ય ટીમો ખૂબ ખંતપૂર્વક સ્વાસ્થ્ય રક્ષા સેવાઓ આપે છે. આ ચૂંટણી વખતે એવું બન્યું છે કે માત્ર ગણતરીના દિવસ અગાઉ વડોદરાના પાદરામાં અને ગઈકાલે ભાયલી નજીક રાઈપુરામાં દૂષિત ખોરાકથી મોટી સંખ્યામાં આરોગ્ય કથળવાની બનેલી ઘટનાઓ વચ્ચે આરોગ્ય તંત્ર ચૂંટણીની ફરજો પણ અદા કરી રહ્યું છે.

 • 04 Dec 2022 04:00 PM (IST)

  પોલિંગ પાર્ટીના સામાનમાં કુલ 270 વસ્તુઓ હોય છે

  પોલિંગ પાર્ટીના સામાનમાં કુલ 270  વસ્તુઓ હોય છે  ઇવીએમ અને વીવીપેટ ઉપરાંત 28 પ્રકારના બંધારણિય કવર અને 15  પ્રકારના બિનબંધારણિય કવરો સાથે  ઢગલા જેટલો સામાન હોય છે. પીનથી લઇ પતરી સુધી, દિવાસળીનું બોક્સ, મિણબત્તી, લાખ સહિતની વસ્તુઓ પોલિંગ પાર્ટીને આપવામાં આવે છે  મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજાય તે માટે છેલ્લા ત્રણેક માસથી તનતોડ મહેનત કરી રહેલા વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજ રવિવારે સવારના આઠ વાગ્યાથી શહેર અને જિલ્લાના નિયત રવાનગી મથકો ઉપરથી પોલિંગ પાર્ટીઓને રવાના કરવામાં આવી હતી. શહેરની પાંચ બેઠકો ઉપરની તમામ પોલિંગ પાર્ટીઓ બપોર સુધીમાં તેમના સંબંધિત બૂથ ઉપર પહોંચી ગઇ હતી. જ્યારે, ગ્રામ્ય વિસ્તારના ચૂંટણીકર્મીઓ સુરક્ષા કવચ સાથે સાંજ સુધીમાં વિનાવિઘ્ને પોતાના મતદાન મથક ઉપર પહોંચી જાય એવું આયોજન કરવામાં આવ્યું છે.

  પોલિંગ બૂથમાં હોય છે આટલી મહત્વની સ્ટેશનરી

  • પેન્સિલ
  • ત્રણ વાદળી અને એક લાલ મળી કુલ ચાર બોલપેન
  • આઠ કોરા કાગળ
  • 25  નંગ પીન
  • સીલ મારવા માટેની લાખના 6  ટૂકડા
  • ગમપેસ્ટ
  • પતરી (Blade)
  • પાતળી વળ આપેલી સૂતળી 20  મીટર
  • ધાતુની પટ્ટી
  • કાર્બન પેપર
  • એક કાપડનો  કટકો
  • રબર બેન્ડ
  • સેલોટેપ
  • વીવીપેટ સાથે મતદાન ટૂકડીને જાડા કાગળના બનેલા કવર
  • કાળા કાગળને સીલ કરવાનું પ્લાસ્ટિકનું બોક્સ
  • પ્લાસ્ટિક બોક્સને સીલ કરવા માટે પિંક પેપર સીલ
  • મોકપોલ સ્લીપ સ્ટેમ્પ
  • મત કેવી રીતે આપવો તે અંગેનું પોસ્ટર
  •  હેન્ડબૂક
 • 04 Dec 2022 03:57 PM (IST)

  મતદાન કેન્દ્રમાં હોય છે દિવાસળી, પેન, લાખથી માંડીને 96 પ્રકારની સ્ટેશનરીનો ખજાનો

  તમે મત આપવા જાવ ત્યારે તમારી આંગળી પર નિશાન માટે ઉપયોગમાં લેવામાં આવતી શાહીથી માંડીને  પેન સુધીની ઘણી વસ્તુઓ પોલિંગ બૂથમાં ઉપયોગમાં લેવામાં આવે છે.  આપણે ચાર-પાંચ મિનિટમાં મતદાન કરીને આપણી નૈતિક ફરજ નિભાવીએ છીએ. આપણી આ ફરજ માટે ઉભા કરવામાં આવતા બૂથ પાછળ કેટલી મહેનત કરવામાં આવે છે તે બાબતથી આપણે અજાણ છીએ. એક વાર પોલિંગ પાર્ટી બૂથ ઉપર પહોંચી જાય તે બાદ ત્યાં જ રાતવાસો કરતી હોય છે. એ દરમિયાન ચૂંટણી સામગ્રીઓની સુરક્ષા કરવાની હોય છે. ચૂંટણી યોજાવાની હોય ત્યારે વીવી પેટ અને ઇવીએમની સાથે સાથે  અન્ય ઘણી નાની મોટી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.  તમને જાણીને નવાઈ લાગશે કે એક મતદાન મથક માટે  96 પ્રકારની  સ્ટેશનરીનો વપરાશ થાય છે.

 • 04 Dec 2022 03:32 PM (IST)

  દીકરીનો સગાઈ પ્રસંગ પૂર્ણ કરીને પ્રાધ્યાપિકા પ્રિસાઈડિંગ ઑફિસર તરીકે હાજર થયા

  વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઑફ ટેકનોલોજીમાં મદદનીશ પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા નિમિષાબેન પાઠક પતિના અવસાન પછી પરિવારની સઘળી જવાબદારી સંભાળી રહ્યા છે. આજે તેમના ઘરે દીકરીના સગપણનો પ્રસંગ હતો. આ કારણ આગળ ધરીને તેઓ ચૂંટણીની ફરજમાંથી મુક્તિ મેળવી શક્યા હોત, પણ તેમણે આમ ન કર્યું. એટલું જ નહીં, આજે દીકરીની સગાઈ પતાવીને સીધા જ તેઓ અકોટા વિધાનસભા મત વિભાગમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની લોકશાહીના આ મહાપર્વની પોતાની ફરજમાં જોડાઈ ગયા છે. નિમિષાબેન પાઠક તો એક ઉદાહરણમાત્ર છે. આવા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતપોતાની અંગત જવાબદારીઓને બાજુએ મૂકીને ઉત્સાહપૂર્વક ચૂંટણી કામગીરીમાં જોડાઈ ગયા છે.

 • 04 Dec 2022 03:03 PM (IST)

  વડોદરા: મતદાન પૂર્વે ડભોઇમાંથી રૂ.15 લાખની રોકડ ઝડપાઇ

  ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા વડોદરાના ડભોઈમાંથી રૂપિયા 15 લાખની રોકડ ઝડપાઇ છે. ચૂંટણીપંચની SSTએ 15.40 લાખની રોકડ ઝડપી પાડી છે. ડભોઇની વિઘા ચોકડી પાસેથી બિલ્ડીંગ મટિરીયલના વેપારીને SSTએ પકડયો હતો. આવકવેરા વિભાગે રોકડ રૂપિયા અંગે તપાસ શરૂ કરી છે.

 • 04 Dec 2022 02:40 PM (IST)

  કોંગ્રેસ ઉમેદવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ

  અમદાવાદની ઠક્કરબાપાનગર બેઠક પર એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. ગઇકાલે AAPના ઉમેદવાર પર જીવલેણ હુમલા બાદ આજે કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટે પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો આક્ષેપ કર્યો છે.કોંગ્રેસ ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કે ભાજપના ખેસ પહેરેલા વ્યક્તિઓએ પ્રચાર બંધ કરવાની ધમકી આપી છે અને જો પ્રચાર બંધ નહીં કરે તો AAPના ઉમેદવાર જેવા હાલ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે કોંગ્રેસ ઉમેદવારે પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી છે.

 • 04 Dec 2022 01:56 PM (IST)

  છોટાઉદેપુરની 3 બેઠક પર EVM અને VVPAT મશીનોની ફાળવણી

  છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર પણ બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. છોટાઉદેપુર, પાવી જેતપુર અને સંખેડા બેઠકો પર તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તંત્ર દ્વારા EVM અને VVPAT મશીનોની ફાળવણી કરવામાં આવી. શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે તંત્રએ સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તો મતદાન માટે 1058 મતદાન મથકનો વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ 7500 જેટલા કર્મચારીઓ મતદાન કામગીરીમાં જોડાશે.

 • 04 Dec 2022 01:21 PM (IST)

  Sabarkantha Voting Updates : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર EVM રવાના

  સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર યોજાનારી ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લામાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા બેઠક માટે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી. જીપીએસ સિસ્ટમથી ટ્રેકિંગ સાથે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર ઈવીએમ રવાના કરવામાં આવ્યા.

 • 04 Dec 2022 12:58 PM (IST)

  Gujarat Assembly Election : પાટણમાં બીજા તબક્કાના મતદાનને લઇ તંત્રની તૈયારી પૂર્ણ

  પાટણ જિલ્લા વહીવટી તંત્રએ પણ બીજા તબક્કાના મતદાનને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાન યોજાવાનું છે જેને લઇ વિતરણ કેન્દ્રમાંથી પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથકો પર EVM પહોંચાડવામાં આવી રહ્યાં છે. કુલ 8 હજાર 500થી વધુ ચૂંટણી પર કર્મચારી તૈનાત રહેશે. તો પાંચ હજારથી વધુનો પોલીસ સ્ટાફ પણ ફરજ બજાવશે. મતદારો માટે કુલ 1231 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે.

 • 04 Dec 2022 12:54 PM (IST)

  Gujarat Election 2022 : વિરમગામ બેઠકના BJP ઉમેદવાર હાર્દિક પટેલનો છેલ્લી ઘડીએ વિરોધ

  અમદાવાદની વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલનો છેલ્લી ઘડીએ વિરોધ થયો છે. વિરમગામમાં હાર્દિક પટેલ વિરોધી પોસ્ટર લાગ્યા છે. આ બેનર પાટીદાર અનામત આંદોલન સમિતિના નામથી લગાવાયા છે. જેમાં હાર્દિક પટેલને ચૂંટણીમાં હરાવવાની વાત કરવામાં આવી છે.

 • 04 Dec 2022 12:38 PM (IST)

  Gujarat Assembly Election : PM મોદીના આગમન પહેલા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

  લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે ગુજરાત આવી રહ્યા છે,ત્યારે વડાપ્રધાનના આગમન પહેલા પાયલોટિંગથી લઈને તમામ ગાડીઓનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, આજે સાંજે અમદાવાદમાં તેમનું આગમન થશે, ત્યાંથી સીધા ગાંધીનગર જવા રવાના થશે. ત્યારબાદ આવતીકાલે સવારે 8 કલાકે તેઓ મતદાન કરશે. ચુસ્ત સુરક્ષા વચ્ચે તેઓ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

 • 04 Dec 2022 12:16 PM (IST)

  Ahmedabad Voting Updates : મતદાન સમયે ઓળખના પુરાવા બાબતે જિલ્લા ચૂંટણી તંત્રની સ્પષ્ટતા

  અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટરના જણાવ્યા અનુસાર મતદાન મથકે પોતાની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. ફોટો ઓળખપત્ર રજૂ ન કરી શકે તેવા મતદારોએ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે નીચેના પૈકી એક અસલ દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે.

  • 1) આધારકાર્ડ
  • 2) મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
  • 3) બેન્ક પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક
  • 4) શ્રમ મંત્રાલયનો યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
  • 5) ડ્રાઇવિંગ લાઇસન્સ
  • 6) પાનકાર્ડ
  • 7) એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ
  • 8) ભારતીય પાસપોર્ટ
  • 9) ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ
  • 10) કેન્દ્ર/રાજ્ય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો
  • 11) સંસદ સભ્યો, ધારાસભ્યો વિધાનસભા પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો
  • 12) Unique Disability ID (UDID) Card, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર
 • 04 Dec 2022 12:09 PM (IST)

  Banaskantha Voting Updates : મતદાનને લઈ બનાસકાંઠાનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ

  બીજા તબક્કાના મતદાનને લઈ બનાસકાંઠાનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં 24 લાખ 90 હજાર 926 મતદારો 75 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન માટે જિલ્લાની 9 વિધાનસભા બેઠકના તાલુકા મથકો પર EVM પહોંચાડવાની કામગીરી કરાઈ છે.  જિલ્લામાં કુલ 2 હજાર 613 બુથ તૈયાર કરાયા છે. જ્યારે 19 હજાર 992 કર્મચારીઓ ફરજ બજાવવાના છે. વિધાનસભા દીઠ એક આદર્શ મતદાન મથક, એક દિવ્યાંગો માટેનું બુથ, ઇકો ફ્રેન્ડલી મતદાન બુથ અને 7 સખી બુથ પણ તૈયાર કરાયા છે.

 • 04 Dec 2022 11:59 AM (IST)

  Gujarat Election Live Updates : મહેસાણામાં વિતરણ કેન્દ્રમાંથી પોલીસ બંદોબસ્ત સાથે EVM મોકલાયા

  આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેને લઇ તમામ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે મહેસાણા વહીવટી તંત્રએ પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. તૈયારી અંગે કલેક્ટરે માહિતી આપતા કહ્યું કે અત્યારે વિતરણ કેન્દ્રમાંથી પોલીસ બંદોબસ્ત સાથે EVM મોકલવામાં આવી રહ્યાં છે. 1869 પોલિંગ બુથ માટે 10 હજાર કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. સાથે સાથે સુરક્ષાને લઇ પોલીસ અને સેન્ટ્રલ પેરા મિલિટરી ફોર્સ તૈનાત રહેશે. તો કુલ મતદાન મથકો પૈકી 941 મતદાન મથકો પર વેબ કાસ્ટિંગ કરાશે. સાથે જ સ્પેશિયલ પોલિંગ મથકોમાં 49 સખી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન મથકે જઇ મતદાન કરનાર 80થી વધુ ઉંમરના લોકોનું સન્માન કરાશે.વિતરણ કેન્દ્રમાંથી પોલીસ બંદોબસ્ત સાથે EVM મોકલાયા.

 • 04 Dec 2022 11:42 AM (IST)

  Gujarat Election 2022 : પંચમહાલની 5 બેઠકો પર મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ

  બીજી તરફ પંચમહાલ જિલ્લાની 5 બેઠકો પર પણ તંત્ર દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તંત્ર દ્વારા ઇવીએમના ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી. કુલ 1,510 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા યોજાશે. મતદાન માટે 1943 BU, 1943 CU અને 2125 VVPATનો ઉપયોગ થશે. 5 બેઠકો પર કુલ 38 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે કે કુલ 13 લાખ 1 હજાર 43 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

 • 04 Dec 2022 11:09 AM (IST)

  Gandhinagar Voting Updates : ગાંધીનગર વહીવટીતંત્ર દ્વારા મતદાનની તૈયારીને આખરી ઓપ અપાયો

  ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લાની કુલ 5 બેઠકોને લઈ હાલ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

 • 04 Dec 2022 11:03 AM (IST)

  Gujarat Second Phase Election : વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર મતદાનની તૈયારી

  ચૂંટણીના બીજા તબક્કામાં આવતીકાલે વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો માટે મતદાન યોજાશે, ત્યારે વહીવટી તંત્ર દ્રારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં ફરજ નિભાવનાર સરકારી કર્મચારીઓ વડોદરાની હાઈસ્કૂલમાંથી VVPT અને EVM સહિતની સામગ્રી લઈને રવાના થઈ રહ્યા છે. જિલ્લામાં 2 હજાર 590 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં 21 હજાર 735 કર્મચારીઓ ફરજ બજાવશે. 264  મોટી બસ અને જીપ સહિત 622 વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તમામ રૂટ પર 283  ઝોનલ ઓફિસરની નિમણુંક પણ કરવામાં આવી છે.

 • 04 Dec 2022 10:58 AM (IST)

  Gujarat Election 2022 : અમદાવાદમાં NOTA પાર્ટીઓના આ વખતના ગણિત બગાડી શકે

  2017માં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકોમાંથી 14 બેઠકો પર નોટા ત્રીજા સ્થાને હતુ. એટલે કે 14 સીટો પર ભાજપ કોંગ્રેસ સિવાય લોકોએ કોઈને પણ મત ના આપવાના વિકલ્પને પસંદ કર્યો. મજબૂત લોકશાહીમાં દરેકનો અવાજ આવશ્યક છે પરંતુ જો લોકો કોઈને પણ મત નહી આપે તો રાજકીય પાર્ટીઓએ વિચારવું પડશે કે આખરે લોકો કેમ નિરસ છે. બની શકે કે નોટા પાર્ટીઓના આ વખતના ગણિત બગાડી પણ શકે.

 • 04 Dec 2022 10:48 AM (IST)

  Gujarat Election : રાજકોટમાં સ્ટ્રોંગ રૂમ બહાર કોંગ્રેસે ગોઠવી સિક્યુરીટી

  પ્રથમ તબક્કાના  મતો હવે EVM માં કેદ થઈ ગયા છે અને EVM સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે, ત્યારે રાજકોટમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસે જીપમાં CCTV ગોઠવ્યા છે. સતત સ્ટ્રોંગ રૂમ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે અન્ય પાર્ટીઓ અને નેતાઓ પણ સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે.  નજર રાખવા માટે નેતાઓએ માણસોને પણ કામે લગાવ્યા છે. EVM કોઈ ચેડા ન થાય તે માટે ચૂંટણી પંચ વ્યવસ્થાઓ કરતી જ હોય છે પરંતુ હવે તો રાજકીય પક્ષો પણ સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે.

 • 04 Dec 2022 10:31 AM (IST)

  Gujarat Election 2022 : અમદાવાદમાં મતદાનને લઈ તૈયારીઓને આખરી ઓપ

  આ તરફ અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્ર સજ્જ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ પર મતદાન થશે. દરેક વિધાનસભામાં 7 સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે. અમદાવાદમાં 11 જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર ડૉ.ધવલ પટેલે કહ્યું કે 4 ડિસેમ્બરે EVM સહિત બુથ પરની સામગ્રી લઈને કર્મચારીઓ જે તે બુથ પર જવા નીકળશે. દરેક બુથ પરના EVM સાથે રિઝર્વ EVM પણ હશે.. મતદાન પૂર્ણ થયા બાદ જે EVMમાં મત પડ્યા હશે તે ઇવીએમને સુરક્ષાકર્મીઓ સાથે રાખી મતગણતરી સેન્ટર પર લઈ જશે.

 • 04 Dec 2022 10:18 AM (IST)

  Gujarat Second Phase Election : બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ સજ્જ

  આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે, ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે.

 • 04 Dec 2022 10:17 AM (IST)

  Gujarat Election 2022 : PM મોદી આજે સાંજે અમદાવાદ પહોંચશે

  લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે ગુજરાત આવી રહ્યા છે. આજે સાંજે અમદાવાદમાં તેમનું આગમન થશે. ત્યાંથી સીધા ગાંધીનગર જવા રવાના થશે,  ત્યારબાદ આવતીકાલે સવારે 8 કલાકે તેઓ મતદાન કરશે. ચુસ્ત સુરક્ષા વચ્ચે તેઓ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અને વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને મતદાન કરવા અપીલ કરશે. તેઓ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરવાના છે.

Published On - Dec 04,2022 9:59 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati