આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ વધવાથી ખેડૂતોને શું અને કેટલો ફાયદો થશે ?
નિકાસકારો અને ખાંડ મિલોનું કહેવું છે કે વૈશ્વિક કિંમતોમાં વધારાથી ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2021-22 માટે સબસિડી વગર પણ ભારતમાંથી ખાંડની નિકાસની શક્યતા વધી છે.
ખાંડના (Sugar) વૈશ્વિક ભાવમાં થયેલા વધારાથી ભારતીય નિકાસકારો અને મિલરો ખૂબ ખુશ છે. તેમને આશા છે કે વધેલા ભાવને કારણે ભારતમાંથી ખાંડની નિકાસનો માર્ગ સરળ બનશે અને માગમાં વધારો થવાને કારણે અહીં વધુ પ્રમાણમાં ખાંડની ખરીદી થશે. નિકાસકારો અને ખાંડ મિલોનું કહેવું છે કે વૈશ્વિક કિંમતોમાં વધારાથી ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2021-22 માટે સબસિડી વગર પણ ભારતમાંથી ખાંડની નિકાસની (Export) શક્યતા વધી છે.
છેલ્લા બે વર્ષથી, સરકારી સબસિડી સાથે માત્ર અમુક ચોક્કસ ખાંડની જ નિકાસ કરવામાં આવી છે. માર્કેટિંગ વર્ષ 2020-21 (સપ્ટેમ્બર-ઓક્ટોબર) માટે નિકાસ ક્વોટા લગભગ 6 મિલિયન ટન નક્કી કરવામાં આવ્યો છે અને ખાંડ મિલોએ અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ નિકાસ કરી છે.
વધતા વૈશ્વિક દરોને જોતા, ખાંડ મિલોએ સરકારી સબસિડીનો લાભ લીધા વગર આ વર્ષે ઓપન જનરલ લાયસન્સ (ઓજીએલ) કેટેગરી હેઠળ ખાંડની કેટલીક માત્રાની નિકાસ કરી છે. આ ભાવ વધારાથી ખેડૂતોને શેરડીના સારા અને ઉંચા ભાવ મળશે અને પાક ઉત્પાદનમાં પણ વધારો થશે.
ખાંડની નિકાસ માટે પ્રોત્સાહક સંભાવનાઓ
ક્રેડિટ રેટિંગ એજન્સી, ICRA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય કાચી ખાંડના ભાવમાં તાજેતરના વધારાને કારણે આગામી ખાંડની સીઝનની માગને ધ્યાનમાં રાખીને ઓગસ્ટમાં ભાવ વધીને 430 ડોલર પ્રતિ ટન થયો છે. ખાંડની નિકાસની સંભાવનાઓ પ્રોત્સાહક જણાય છે. કાચી ખાંડના ભાવમાં આ વધારા બાદ તેના ભાવ છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઉંચા સ્તરે છે.
છેલ્લા એક મહિનામાં ખાંડના આંતરરાષ્ટ્રીય ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય કાચી ખાંડની માગ ઘણી વધારે છે. આને ધ્યાનમાં રાખીને, ખાદ્ય મંત્રાલયે તમામ ખાંડ મિલોને એડવાઈઝરી જારી કરી છે કે આગામી ખાંડની સિઝન 2021-22 ની શરૂઆતથી કાચી ખાંડનું ઉત્પાદન આયોજન કરવું જોઈએ અને ખાંડના ઉંચા આંતરરાષ્ટ્રીય ભાવ અને વૈશ્વિક અછતનો લાભ લેવા માટે આયાતકારો સાથે એડવાન્સ કોન્ટ્રાક્ટ હોવો જોઈએ.
કંપનીઓના દેવાના બોજમાં પણ ઘટાડો થશે ICRA ના વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્ટર હેડ અનુપમા અરોરાએ જણાવ્યું હતું કે તાજેતરના મજબૂત ખાંડના ભાવે સબસિડી વગર પણ નિકાસને નફાકારક બનાવી છે. ICRA ના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને ગ્રુપ હેડ સબ્યસાચી મજુમદારે જણાવ્યું હતું કે બ્રાઝિલના ખાંડ ઉત્પાદનમાં ઘટાડાનો ભારતીય ખાંડ ઉદ્યોગ સીધો લાભાર્થી બની શકે છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતના અંદાજિત 31 મિલિયન ટન ખાંડના ઉત્પાદનની પૃષ્ઠભૂમિમાં, પ્રોત્સાહક નિકાસ સંભાવનાઓ તેમજ ઇથેનોલ ઉત્પાદન માટે વધુ ખાંડનું ટ્રાન્સફર સ્થાનિક ખાંડ કંપનીઓને તેમનો સ્ટોક ઘટાડવામાં મદદ કરશે અને આમ રોકડ પ્રવાહમાં સુધારા સાથે દેવાના બોજની સ્થિતિ નીચે આવશે.
આ પણ વાંચો : ભારતીય કૃષિ પેદાશોની નિકાસમાં થયો વધારો, પ્રથમ ત્રિમાસિક ગાળામાં APEDA હેઠળ 4.81 અબજ ડોલરની થઈ નિકાસ
આ પણ વાંચો : સુરતના આ ખેડૂતે ગાય આધારિત ખેતી કરી ખેતીનું એક સફળ મોડેલ બનાવ્યું, ઓર્ગેનિક ખેતી શીખવા આવે છે અનેક ખેડૂતો