ઘઉંની એવી જાતો જેને નથી લાગતો રોગ, પ્રતિ હેક્ટર 87 ક્વિન્ટલ સુધીની છે ઉત્પાદન ક્ષમતા, જાણો અહીં તમામ માહિતી
ICAR-ભારતીય ઘઉં અને જવ સંશોધન સંસ્થા દ્વારા ઘઉંની ત્રણ નવી જાતો, DBW 370, DBW 371 અને DBW 372 વિકસાવવામાં આવી છે, જે ઘણા પ્રકારના રોગો સામે લડવામાં સક્ષમ છે. આ જાત ખેડૂતોને ઘઉંની અન્ય જાતો કરતાં વધુ ઉપજ આપશે. મહત્વનુ છે કે ઘઉંની આ ત્રણ જાતો બાયો-ફોર્ટિફાઇડ છે. જેથી આ જાતોમાં ઘઉંની અન્ય જાતો કરતાં ઘણી વધારે ઉત્પાદન ક્ષમતા છે.
હવામાનમાં થતા સતત બદલાવને જોતા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પાકની નવી નવી જાતો શોધવામાં આવી રહી છે. જેથી સારા ઉત્પાદનની સાથે પાકને હવામાનની અસર ન થાય. આને લઈ, ICAR-ભારતીય ઘઉં અને જવ સંશોધન સંસ્થા, કરનાલ, હરિયાણાએ ઘઉંની ત્રણ નવી જાતો DBW 370 (કરણ વૈદેહી), DBW 371 (કરણ વૃંદા), DBW 372 (કરણ વરુણ) વિકસાવી છે. જે વધુ ઉત્પાદન તો આપશે જ પરંતુ તાપમાનની પણ તેના પર ખાસ અસર નહીં થાય.
મહત્વનુ છે કે ઘઉંની આ ત્રણ જાતો બાયો-ફોર્ટિફાઇડ છે. આ જાતોમાં ઘઉંની અન્ય જાતો કરતાં ઘણી વધારે ઉત્પાદન ક્ષમતા છે. આ સિવાય બીમારીઓ થવાની શક્યતાઓ પણ ઓછી રહે છે. ઘઉંની આ ત્રણ જાતો પીળા અને ભૂરા રસ્ટના રોગો સામે પ્રતિરોધક છે.
ICAR-IIWBR એ ખેડૂતોને વધુ લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે ઘઉંની આ ત્રણ જાતો વિકસાવી છે. દેશના ખેડૂતો ICAR-ભારતીય ઘઉં અને જવ સંશોધન સંસ્થા, કરનાલ, હરિયાણાના બીજ પોર્ટલ પરથી બિયારણ ખરીદી શકે છે . આવી સ્થિતિમાં, ચાલો આપણે ઘઉંની આ ત્રણ જાતો વિશે વિગતવાર જાણીએ.
ઘઉંની સુધારેલી જાતોની લાક્ષણિકતાઓ
DBW 371 (કરણ વૃંદા): આ ઘઉંની જાત સિંચાઈવાળા વિસ્તારોમાં વાવણી માટે વિકસાવવામાં આવી છે. દેશના ઘણા રાજ્યોમાં તેની ખેતી સરળતાથી કરી શકાય છે. ખેડૂતો પ્રતિ હેક્ટર DBW 371 થી 87.1 ક્વિન્ટલ ઉત્પાદન ક્ષમતા મેળવી શકે છે. આ જાત 150 દિવસમાં પાકી જાય છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ 12.2 ટકા , ઝીંક 39.9 PPM અને આયર્નનું પ્રમાણ 44.9 PPM છે.
DBW 370 (કરણ વૈદેહી): DBW 370 જાતની ઘઉંની ઉત્પાદન ક્ષમતા 86.9 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર સુધી છે . તેના છોડની ઊંચાઈ 99 સે.મી. સુધી છે. આ પાક 151 દિવસમાં પાકે છે . તેમાં પણ પ્રોટીનનું પ્રમાણ 12 ટકા , ઝીંકનું પ્રમાણ 37.8 પીપીએમ અને આયર્નનું પ્રમાણ 37.9 PPM જોવા મળે છે.
આ પણ વાંચો : Dang : કુદરતી સૌંદર્ય જ નહીં હવે તો Strawberry સાપુતારાની ઓળખ બનશે, જાણો કઈ રીતે?
DBW 372 ( કરણ વૃંદા): આ ઘઉંની જાતની પાકની ઊંચાઈ 96 સે.મી. સુધી છે. પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા DBW 372 થી 84.9 ક્વિન્ટલ સુધીની છે. DBW 370 ની જેમ આ પાક પણ 151 દિવસમાં તૈયાર થઈ જાય છે. આ જાતમાં પ્રોટીનનું પ્રમાણ 12.2 ટકા , ઝીંક 40.8 PPM અને આયર્નનું પ્રમાણ 37.7 PPM છે.