યુવતીઓથી કરતો હતો સખત નફરત..એક એવો સિરિયલ કિલર જેણે 30 મહિલાને ઉતારી મોતને ઘાટ
અમેરિકાના ખતરનાક સિરિયલ કિલરમાં ટેડ બંડીનું નામ ચોક્કસ આવે છે. બંડીએ 30થી વધુ મહિલાઓને પોતાનો શિકાર બનાવી હતી. તેના ગુનાઓ માટે તેને ઇલેક્ટ્રિક ખુરશીમાં વીજ કરંટથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. તેના મૃત્યુના ત્રણ દાયકા પછી પણ વિશ્વ તેમને ભૂલી શક્યું નથી કારણ કે તેની હત્યાઓની ભયાનકતા ખુબ જ ભયાનક હતી.
જ્યારે પણ દુનિયામાં સિરિયલ કિલરની વાત થાય છે, ત્યારે અમેરિકાના ખતરનાક સિરિયલ કિલર ટેડ બંડીનું નામ ચોક્કસ આવે છે. બંડીએ 30થી વધુ મહિલાઓને પોતાનો શિકાર બનાવી હતી. તેના ગુનાઓ માટે તેને ઈલેક્ટ્રિક ખુરશીમાં વીજ કરંટથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. તેના મૃત્યુના ત્રણ દાયકા પછી પણ વિશ્વ તેમને ભૂલી શક્યું નથી કારણ કે તેની હત્યાઓની ભયાનકતા ખુબ જ ભયાનક હતી.
તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી તેના થોડા દિવસો પહેલા ટેડ બંડીએ તેનો છેલ્લો ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે તેના બાળપણ અને કિશોરાવસ્થામાં પોર્નોગ્રાફી પ્રત્યેના જુસ્સાએ તેને ગુનાઓ કરવા માટે પ્રેરિત કર્યા હતો. તેણે કહ્યું કે દરેક હત્યા બાદ તેની ભૂખ વધી જતી હતી.
મા ને સમજતો હતો બહેન
કુખ્યાત સિરિયલ કિલર બંડીનો જન્મ 24 નવેમ્બર 1946ના રોજ વર્મોન્ટ, યુએસએમાં થયો હતો. બંડીની માતા એલેનોર લુઈસ કોવેલ હતી. બંડીના પિતા કોણ છે તેની માતા સિવાય કોઈ જાણતું ન હતું. બંડીનું પાલન પોષણ દાદા-દાદીએ કર્યુ હતું. બંડી ભૂલથી તેના દાદા-દાદીને તેના માતાપિતા માનતો હતો. તે તેની માતાને પોતાની બહેન માનતો હતો. ઘણા વર્ષો પછી તેને ખબર પડી કે તેની બહેન તેની માતા છે, જેના પર તે વિશ્વાસ કરી શકતો ન હતો.
હત્યાનો સિલસિલો 1974થી શરૂ થયો હતો
બંડી તેની પ્રથમ ગર્લફ્રેન્ડ ડિયાનને નફરત કરતો હતો. આ નફરતના કારણે તેણે સફેદ અને કાળા વાળવાળી છોકરીઓની હત્યા કરવાનું ચાલુ કર્યું. 4 જાન્યુઆરી, 1974ના રોજ, યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની વિદ્યાર્થી કેરેન સ્પાર્કસ એપાર્ટમેન્ટમાં ખરાબ રીતે ઘાયલ મળી આવી હતી. જ્યારે તે સૂતી હતી, ત્યારે કોઈએ એપાર્ટમેન્ટમાં ઘૂસીને તેના માથા પર હેવી મેટલ વડે માર્યા બાદ તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. જો કે તેણી મૃત્યુ પામી ન હતી અને હોસ્પિટલમાં દસ દિવસ સુધી બેભાન રહી હતી.
પોલીસને હત્યારા વિશે કોઈ સુરાગ મળી શક્યો ન હતો. દરમિયાન, કારેન પર હુમલો થયાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં, અન્ય વિદ્યાર્થી, લિન્ડા એન હીલી ગુમ થઈ ગઈ. લિન્ડા તેના મિત્રો સાથે રહેતી હતી અને એપાર્ટમેન્ટના બેસમેન્ટમાં સૂતી હતી. જ્યારે પોલીસે પલંગ પરથી ઓશીકું હટાવ્યું, ત્યારે પોલીસને લોહીથી લથબથ ઝભ્ભો મળ્યો. લિન્ડાના રૂમનો દરવાજો બહારથી ખુલ્લો હતો. આ પછી પોલીસ એવા નિષ્કર્ષ પર પહોંચી કે લિન્ડા માત્ર ગુમ નથી થઈ, પરંતુ તેની હત્યા પણ થઈ છે.
છોકરીઓ સતત ગાયબ થવા લાગી
પછીના મહિને, 19 વર્ષીય ડોના માનસેર એવરગ્રીન સ્ટેટ કોલેજમાં કોન્સર્ટમાં હાજરી આપવા માટે તેના ઘરેથી નીકળી હતી, પરંતુ તે ગુમ થઈ ગઈ હતી. પછીના કેટલાક મહિનાઓમાં ઘણી છોકરીઓ ગુમ થઈ ગઈ અને તેમની હત્યા કરવામાં આવી. તમામ મૃત અને ગુમ થયેલી છોકરીઓમાં ઘણી બધી બાબતો સામ્ય હતી. તેમાંથી મોટાભાગના કોલેજના વિદ્યાર્થીઓ હતા અને તમામ 17થી 22 વર્ષની વય જૂથના હતા.
બધી છોકરીઓના વાળ લાંબા અને કાળા હતા. એવું લાગતું હતું કે બધાની હત્યા કરનાર એક જ ગુનેગાર હતો. ગુનો કરવા માટે તે રાત્રે વોશિંગ્ટન યુનિવર્સિટી અને ઓરેગોન કેમ્પસમાં ફરતો હતો. આ ગુના કરવા માટે તેણે ફોક્સવેગન બીટલ કારનો ઉપયોગ કર્યો હતો.
રાત્રે અપહરણ કરતો હતો
બંડીના હુમલામાં બચી ગયેલી ઘણી સ્ત્રીઓએ તેમના વિશે જણાવ્યું. મોટાભાગની છોકરીઓનું રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું. તે છોકરીઓ પાસે જતો અને મદદ માંગતો. આ પછી તે તેમને બળજબરીથી કારમાં ધકેલી દેતો હતો. દરેક હત્યા બાદ તેનો આત્મવિશ્વાસ વધતો જતો હતો.
આ સાથે હત્યાઓ વચ્ચેનો સમય પણ ઓછો થવા લાગ્યો હતો. બંડીએ હવે 17 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતુ. તે રાત્રે શિકાર કરતા પહેલા દિવસના પ્રકાશમાં પેટ્રોલિંગ કરતો હતો. પોલીસ હોવાનો દંભ કરીને તેણે ઘણી છોકરીઓનો સંપર્ક કર્યો અને ગુના ચાલુ રાખ્યા.
પોલીસે 1975માં ધરપકડ કરી હતી
16 ઓગસ્ટ, 1975ના રોજ સવારે 10 વાગ્યે, પોલીસ સાર્જન્ટ બોબ હેવર્ડ સોલ્ટ લેકની બહારના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે એક શંકાસ્પદ દેખાતી કાર જોઈ. પોલીસને જોતા જ બંડી કાર લઈને ભાગી ગયો હતો. પોલીસે તેનો પીછો કરીને તેને ગેસ સ્ટેશન પાસે પકડી પાડ્યો હતો.
જ્યારે પોલીસે તેને ભાગવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે ઘરનો રસ્તો ભૂલી ગયો હતો અને ઉતાવળમાં હતો. પોલીસે શંકાના આધારે કારની તલાશી લીધી તો તેમાં માસ્ક, ટૂલ્સ જેવા કે હથોડી, ટોર્ચ, મોજા, હાથકડી, પ્લાસ્ટિકના દોરડા, બેગ જેવી ઘણી વસ્તુઓ મળી આવી. આ પછી પોલીસે તેને પકડી લીધો. પોલીસને બંડીના ઘરમાં કંઈ મળ્યું નથી.
2 ઑક્ટોબર, 1975ના રોજ કેરોલ નામની એક છોકરીએ ખચકાટ વિના બંડીને ઓળખી કાઢ્યો. જોકે, બંડીને 15,000 ડોલરના જામીન પર છોડવામાં આવ્યો હતો. તપાસમાં પોલીસને એ પણ જાણવા મળ્યું કે જે દિવસે છોકરીઓ ગુમ થઈ હતી તે દિવસે બંડી આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યો હતો. તેના પુરાવા તરીકે કારમાંથી ઈંધણના બિલ પણ મળી આવ્યા હતા. ધરપકડ બાદ બંડી બે વખત જેલમાંથી ભાગી પણ ગયો હતો. આ પછી, ધરપકડ બાદ કબૂલાતમાં, બંડીએ છોકરીઓની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.