ફિલ્મી સ્ટાઈલમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રકને પોલીસે ઝડપી, 80 લાખ રૂપિયાથી વધુનો દારૂ જપ્ત
ચૂંટણી પહેલા જ મધ્યપ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. તેની વચ્ચે ગેરકાયદેસર દારૂની હેરાફેરીના કેસ પણ સામે આવી રહ્યા છે. પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી એક ટ્રકને ઝડપી પાડી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં હલચલ ચાલી રહી છે. તેની વચ્ચે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી પણ શરૂ થઈ ચૂકી છે. બે દિવસ પહેલા જ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની માચલપુર પોલીસે રૂપિયા 80 લાખથી વધુની રકમનો ગેરકાયદેસર વિદેશી દારૂ જપ્ત કર્યો છે. દારૂની હેરાફેરી ફિલ્મી સ્ટાઈલમાં કરવામાં આવી રહી હતી, આ દારૂને ઈન્દોર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.
બાતમી દ્વારા ઝડપી ટ્રક
તસ્કરોએ ટ્રકની ટ્રોલીની આગળ એક લોખંડની જાળીની મદદથી એક કેબિન બનાવ્યુ હતું, આ કેબિનમાં જ વિદેશી દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી. ત્યારબાદ ટ્રકમાં સામાન ભરી દેવામાં આવતો હતો. આ કેસમાં પોલીસે ટ્રેક ચાલકની ધરપકડ કરી લીધી છે, જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મરાજ મીણાના જણાવ્યા મુજબ તેમને બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલી ટ્રેક હરિયાણાથી નીકળી છે, જે ગુજરાત-મુંબઈ તરફ જઈ શકે છે.
ત્યારબાદ પોલીસ અધિકારીએ રાજસ્થાન બોર્ડરની ખિલચીપુર, ભોજપુર, માચલપુર અને જીરાપુરની આજુબાજુના રસ્તાઓ પર વાહન ચેકિંગ કરતા પોલીસ કર્મચારીઓને એલર્ટ પર રહેવા માટે કહ્યું અને બાતમી મળેલી ટ્રક પર નજર રાખવા સખ્ત નિર્દેશ આપ્યો.
670 જેટલી વિદેશી દારૂની પેટીઓ જપ્ત
થોડીવાર બાદ એક ટ્રકને પકડવામાં આવી. પોલીસે ડ્રાઈવરની પુછપરછ કરી, ડ્રાઈવરે જણાવ્યું કે ટ્રકમાં ભૂસાની બોરીઓ છે. પોલીસે કડક તપાસ કરી તો ટ્રકમાં એક કેબિન જોવા મળ્યું, તેમાં દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી. પોલીસે કેબિનને કટરની મદદથી કાપ્યું અને 670 જેટલી વિદેશી દારૂની પેટીઓ જપ્ત કરી. આ વિદેશી દારૂની કિંમત બજારમાં લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે.
ત્યારબાદ પોલીસે ટ્રક ચાલક લક્ષ્ય શર્માની ધરપકડ કરી છે. જે હરિયાણાના પાનીપત જિલ્લાનો રહેવાસી છે. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે ટ્રક ચાલક વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને કોને આપવા જોઈ રહ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ અલગ અલગ કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.