લાખો કર્મચારીઓ બેરોજગાર થશે ! રોજગાર ક્ષેત્રમાં ખળભળાટ, વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની હવે રોબોટ્સને નોકરી પર રાખશે
વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની તેના વેરહાઉસ અને ડિલિવરી સેન્ટરમાં રોબોટ્સને નોકરી પર રાખશે. હવે આવું થશે તો લાખો કર્મચારીઓ બેરોજગાર થઈ જશે.

હાલમાં મળેલા એક અહેવાલે ફરી એકવાર રોજગાર ક્ષેત્રમાં ખળભળાટ મચાવ્યો છે. તાજેતરના ન્યૂ યોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની તેના વેરહાઉસ અને ડિલિવરી સેન્ટરમાં રોબોટ્સનો ઉપયોગ કરશે, તેવી સંભાવના છે.
કંપની માને છે કે, રોબોટ્સના ખર્ચ માણસો કરતા ઓછો હશે અને કામ પણ પહેલા કરતા વધુ ઝડપથી થશે. આ સમાચારથી ફરી એકવાર AI ના વધતા જોખમ અને ફાયદાઓને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કઈ કંપની રોબોટ્સનો ઉપયોગ કરશે?
એમેઝોન કંપનીને આશા છે કે, માણસોને રોબોટ્સથી બદલવાથી પ્રોડક્ટ પિક કરવા, પેક કરવા અને ડિલિવર કરવાનો ખર્ચ ઘટશે. કંપનીનો અંદાજ છે કે, તે દરેક વસ્તુ પર 30 સેન્ટની બચત કરશે. આનાથી કંપનીને સીધો નાણાકીય ફાયદો થશે, જેનાથી તે વર્ષ 2025 અને વર્ષ 2027 વચ્ચે આશરે $12.6 બિલિયન બચાવી શકશે.
એમેઝોને તાજેતરમાં 1,000 રોબોટ્સથી સજ્જ એક વેરહાઉસ ખોલ્યું છે. આનાથી કર્મચારીઓની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો થયો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, સામાન ઉપાડવાથી લઈને તેને પેક કરવા સુધીનું બધું કામ રોબોટ્સ જાતે કરી રહ્યા છે.
75 ટકા કામ ઓટોમેશન મોડ પર થશે
કંપની વર્ષ 2027 સુધીમાં આશરે 1,60,000 નોકરીઓ દૂર કરવાની અને તેમની જગ્યાએ રોબોટ્સને રાખવાની યોજના ધરાવે છે, જેનાથી ભવિષ્યમાં લાખો નોકરીઓની જરૂરિયાત દૂર થશે. કંપની તેનું 75 ટકા કામ ઓટોમેશન મોડ પર કરવાની તૈયારી કરી રહી છે, જેનાથી ઘણા લોકોની નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે.
મળતી માહિતી મુજબ, એમેઝોનમાં લગભગ 12 લાખ કર્મચારીઓ કામ કરે છે. જો રોબોટ્સ માણસોનું સ્થાન લેશે, તો તેમની આ સંખ્યા ઘટી શકે છે. જો કે, નવી ટેકનોલોજીના આવવાથી સ્કિલ્ડ વર્કર્સની પણ જરૂર પડશે.
એમેઝોને રિપોર્ટનો જવાબ આપ્યો છે
ન્યૂ યોર્ક ટાઇમ્સના રિપોર્ટનો જવાબ આપતા એમેઝોને કહ્યું કે, ન્યૂ યોર્ક ટાઇમ્સને કંપનીની સંપૂર્ણ યોજના જાહેર કરી નથી. એમેઝોનના પ્રવક્તા કેલી નેન્ટેલે જણાવ્યું હતું કે, તહેવારોની સીઝનમાં આશરે 2.5 લાખ નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. જો કે, આમાંથી કેટલા કર્મચારીઓને કાયમી ધોરણે નોકરી પર રાખવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

