શું પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવશે? સરકારે સંસદમાં આપ્યો આ જવાબ

શું પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવશે? સરકારે સંસદમાં આપ્યો આ જવાબ
Petrol Pump (File Photo)

પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવતાં રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારને પણ નુકસાન થશે. જો તેલ GST હેઠળ આવે છે, તો સૌથી પહેલા રાજ્યોને ભારે નુકસાન સહન કરવું પડશે

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Dec 22, 2021 | 8:42 AM

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે પેટ્રોલિયમ ઉત્પાદનોને સંશોધિત કરવેરા વ્યવસ્થા હેઠળ લાવવાની ભલામણ કરી નથી. જો કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સામેલ કરવા માટે સરકારને કેટલાક અહેવાલો આપવામાં આવ્યા છે. મંગળવારે સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટી વસૂલવાનો હેતુ સંસાધનોને એકત્ર કરવાનો છે. આ સંસાધનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વિકાસ સંબંધિત કામો પાછળ ખર્ચવામાં આવે છે.

મંત્રીએ કહ્યું કે ડ્યુટી દરોમાં ફેરફાર આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોની કિંમતો, વિનિમય દર, કર માળખું, મોંઘવારી અને વર્તમાન નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તેમણે કહ્યું કે GST કાઉન્સિલે પેટ્રોલિયમ ઉત્પાદનોને સંશોધિત કરવેરા વ્યવસ્થા હેઠળ લાવવાની ભલામણ કરી નથી. જો કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સામેલ કરવા માટે સરકારને કેટલાક અહેવાલો આપવામાં આવ્યા છે.

તેમને ઉમેર્યું કે પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા માટે કેટલાક સૂચનો મળ્યા છે. બંધારણની કલમ 279A (5) જણાવે છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ એવી તારીખની ભલામણ કરશે કે જેના પર ક્રૂડ ઓઇલ, હાઇ સ્પીડ ડીઝલ, મોટર સ્પિરિટ , કુદરતી ગેસ અને એવિએશન ટર્બાઇન ઇંધણ પર GST વસૂલવામાં આવશે.

GST કાઉન્સિલે ભલામણ કરી નથી CGST એક્ટનો ઉલ્લેખ કરતાં મંત્રીએ કહ્યું કે GSTમાં આ ઉત્પાદનોનો સમાવેશ કરવા માટે GST કાઉન્સિલની ભલામણની જરૂર પડશે. ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી GST કાઉન્સિલ જેમાં રાજ્યોનું પણ પ્રતિનિધિત્વ છે આ વસ્તુઓને GST હેઠળ સમાવવા માટે કોઈ ભલામણ કરી નથી.

તેમણે કહ્યું કે સરકાર આંતરરાષ્ટ્રીય તેલના ભાવને અસર કરતા પરિબળો પર નજીકથી નજર રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે આ ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટીના દરોને સમાયોજિત કરીને દરમિયાનગીરી કરે છે. સરકારે ગ્રાહકોને રાહત આપવા માટે 4 નવેમ્બર 2021થી પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી (સેસ સહિત) પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે.

GSTમાં પેટ્રોલ અને ડીઝલ દાખલ થવાથી સરકારને નુકસાન થશે? પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવતાં રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારને પણ નુકસાન થશે. જો તેલ GST હેઠળ આવે છે, તો સૌથી પહેલા રાજ્યોને ભારે નુકસાન સહન કરવું પડશે. અત્યાર સુધી ડીઝલ-પેટ્રોલ આ કારણથી GSTના દાયરામાં નથી આવ્યા કારણ કે કોઈપણ રાજ્ય તેનું નુકસાન કરવા માંગતું નથી.

રાજ્યોની મોટાભાગની આવક ડીઝલ-પેટ્રોલ પર લાગતા ટેક્સમાંથી આવે છે, તેથી રાજ્યો પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવાનો વિરોધ કરી રહ્યા છે. આના કારણે કેન્દ્ર સરકારને પણ લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે, જે જીડીપીના 0.4 ટકા જેટલું છે.

2019માં પેટ્રોલ પર કુલ એક્સાઈઝ ડ્યૂટી 19.98 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 15.83 રૂપિયા પ્રતિ લિટર હતી. સરકારે ગયા વર્ષે બે વખત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો જેના કારણે તે પેટ્રોલ પર 32.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 31.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી.

આ વર્ષના બજેટમાં પેટ્રોલ પરની ડ્યૂટી ઘટાડીને 32.90 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ગયા મહિને રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા હતા જેના કારણે પેટ્રોલ પર લીટર દીઠ રૂ. 5 અને ડીઝલ પર રૂ. 10 પ્રતિ લીટરનો ઘટાડો કરાયો હતો.

આ પણ વાંચો : Income Tax : શું તમે મૂંઝવણમાં છો કે તમને ITR નું કયું ફોર્મ લાગુ પડશે? આ અહેવાલ તમારા માટે મદદરૂપ સાબિત થશે

આ પણ વાંચો : ITR Filing: શું તમે જાણો છો! ઇન્કમટેક્સ રિટર્ન કરબચત ઉપરાંત આ 5 લાભ પણ આપે છે, જાણો વિગતવાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati