UIDAI Working Aadhaar 2.0: આધાર કાર્ડ કેટલું મહત્વનું બની ગયું છે તે વિશે આપણે પહેલેથી જ જાણીએ છીએ. હવે આધાર 2.0 ના કોન્સેપ્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) હાલમાં તેની સાથે બ્લોકચેન ટેક્નોલોજી અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગને એકીકૃત કરવા માટે કામ કરી રહી છે. UIDAIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સૌરભ ગર્ગે જણાવ્યું હતું કે ઓથોરિટી ‘આંશિક પ્રમાણીકરણ (Partial Authentication)’ ને સક્ષમ કરતા ઉકેલો શોધવા માટે તૈયાર છે.
ઈન્ડિયા ડિજિટલ સમિટ 2022ને (India Digital Summit 2022) સંબોધતા ગર્ગે કહ્યું કે UIDAI આવા ઉકેલો વિશે ઉદ્યોગનો અભિપ્રાય જાણવા પણ ઉત્સુક છે. તેમણે કહ્યું, અમે આંશિક ચકાસણી પર પણ ધ્યાન આપવા માટે તૈયાર છીએ. શક્ય છે કે કેટલાક લોકો માત્ર ઉંમર ચકાસવા માંગતા હોય અને આનાથી વધુ માહિતી મેળવવાનો ઈરાદો ધરાવતા ન હોય. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આધાર કાર્ડ જાહેર કરનાર સંસ્થા ‘આધાર 2.0’ તરફ આગળ વધી રહી છે અને બ્લોકચેન અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો ઉપયોગ કરવાની શક્યતાઓ પર પણ ધ્યાન આપી રહી છે. UIDAIના પ્રમુખે કહ્યું, “આ મુદ્દાઓ પર ઉદ્યોગ જગતનો અભિપ્રાય જાણીને જ ખબર પડી શકશે કે ત્યાં કેવા પ્રકારની માગ છે અને અમે તે મુજબ સુવિધાઓ પૂરી પાડવા સક્ષમ છીએ કે કેમ.”
તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ ચોક્કસ વિસ્તારનો રહેવાસી છે તેની પુષ્ટિ કરવા માટે પણ વેરિફિકેશનની જરૂર પડી શકે છે. તેમણે કહ્યું કે ઓથોરિટીએ હજુ સુધી આવી સેવાઓ પ્રદાન કરવા માટે ઉકેલો વિકસાવ્યા નથી પરંતુ તેના ઉપર ધ્યાન આપવા માટે તૈયાર છે. ગર્ગે જણાવ્યું હતું કે આધાર નંબર દ્વારા દરરોજ પાંચ કરોડથી વધુ વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે અને દર મહીને આધાર – સમર્થિત પેમેન્ટ સિસ્ટમ દ્વારા દર મહીને 40 કરોડથી પણ વધુ બેંકિંગ વ્યવહારો કરવામાં આવે છે.
‘આધાર 2.0’ નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ સાથે ઓટોમેટિક બાયોમેટ્રિક મેચિંગ ઝડપથી થશે અને તે વધુ સુરક્ષિત પણ રહેશે. તેમણે કહ્યું કે UIDAI બ્લોકચેન અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પણ વિચારી રહી છે.
ગર્ગે કહ્યુ કે, “અમે જોઈ રહ્યા છીએ કે બ્લોકચેન શું મદદ કરી શકે છે અને તેનો ઉપયોગ ડી-સેન્ટ્રલાઇઝ્ડ સોલ્યુશન પ્રદાન કરવા માટે થઈ શકે છે કે કેમ.” બીજી બાજુ, ક્વોન્ટમ કમ્પ્યુટીંગના સંદર્ભમાં, આપણે એ જોવાનું છે કે તેની સાથે કયા સુરક્ષા ઉકેલો લાવી શકાય?
તેમણે કહ્યું કે સુરક્ષા સંબંધિત પાસાઓ UIDAI માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ઓથોરિટી આધાર સાથે જોડાયેલા લોકોની માહિતીને સુરક્ષિત રાખવા અને સાયબર સુરક્ષા વધારવા માટે સતત કામ કરી રહી છે.
આ પણ વાંચો : વિશ્વ બેંકનુ અનુમાન ગ્લોબલ ઈકોનોમીમાં વધશે મંદી, ભારતનો ગ્રોથ રહેશે આટલો